ડેનિશ ભાષા અને સાહિત્ય : યુરોપના ઉત્તરીય ખંડમાં આવેલો જે વિભાગ સ્કૅન્ડિનેવિયાના નામથી ઓળખાય છે તેમાં સ્વીડન, નૉર્વે, ફિનલૅન્ડ, ડેનમાર્ક અને આઇસલૅન્ડ પ્રદેશોનો સમાવેશ થાય છે. યુરોપમાં આલ્પ્સ પ્રદેશની જાતિ, ભૂમધ્ય સાગરીય જાતિ અને નૉર્ડિક અથવા ઉત્તરીય જાતિ – એમ ત્રણ જાતિઓએ વસવાટ કરવા માંડેલો. નૉર્વે-સ્વીડન-ડેનમાર્કમાં વસવાટ કરનારી નૉર્ડિક જાતિ લગભગ શુદ્ધ અને અમિશ્ર જોવામાં આવે છે, તેનું કારણ કુદરતી પરિબળો હોઈ શકે. ખડકાળ ભૂમિ અને  કાતિલ ઠંડી. કેટલાક દ્વીપોના સમૂહથી બનેલો ડેનમાર્ક જોકે મોટેભાગે સપાટ પ્રદેશ છે. સ્કૅન્ડિનેવિયાના નિવાસીઓ આર્ય જાતિના છે. પ્રાગૈતિહાસિક વર્ણનોમાં જેને એડા (Edda) યુગ કહે છે (ઈ. સ. પૂ. 800 થી ઈ. સ. 500 સુધી) તે દરમિયાન આ જાતિ ફેલાઈ ગઈ હતી.

ઇન્ડો-યુરોપિયન ભાષા-કુટુંબની જર્મેનિક ભાષાઓની શાખા હેઠળ સ્કૅન્ડિનેવિયન ભાષાઓ આવે છે અને તે નૉર્થ જર્મેનિક સમૂહ તરીકે ઓળખાય છે. અતિ અલ્પ સામગ્રી  પ્રાપ્ત થયેલી હોવાથી ઈસવી સનની આરંભની સદીઓમાં આ ભાષાઓની  વિશેષ માહિતી મળતી નથી. પણ સાતમી  સદીથી નૉર્થ જર્મેનિક એક અલગ અને સ્થાપિત ભાષા તરીકે બહાર આવે  છે. તેમાંયે આશરે ઈ. સ. 750 થી ઈ. સ. 1050 દરમિયાનના વાઇકિંગ યુગમાં તેની વધુ વિશિષ્ટતાઓ પ્રકટ થાય છે. રાજ્યોમાં જુદી જુદી બોલીઓ હોવા છતાં લોકો તેમની ભાષાને એક ભાષા, કાં તો ‘ડેનિશ’ કાં ‘જર્મન’ એ નામથી ઓળખાવતા. અલબત્ત, નૉર્વેની ભાષા ઍટલાન્ટિક તરફ અને ડેનમાર્કની ભાષા બાલ્ટિક તરફ ઉન્મુખ હતી (ભલે સ્પષ્ટ સીમાડાઓ સ્થપાયા નહોતા). દસમી અને અગિયારમી સદીમાં રૉમન કૅથલિક ચર્ચની સ્થાપના પછી આ ભાષાઓએ પહેલાંના રૂનિક મૂળાક્ષરોને તજી રોમન લિપિનો ઉપયોગ લખાણોમાં શરૂ કર્યો. હજુ પણ આ પ્રદેશની ભાષાઓને અલગ અલગ ભાષા કહેવાતી નહોતી, છતાં જૂની ડેનિશ જૂની નૉર્વેજિયન વગેરેથી ભિન્ન પડાતી. મધ્યકાળમાં ચર્ચ અને ધર્મને કારણે બીજી ભાષાઓમાંથી કરવામાં આવેલા અનુવાદોને કારણે મોટા પ્રમાણમાં શબ્દો આ ભાષાઓમાં આવવા શરૂ થયા. દા.ત, જૂની સૅક્સન ભાષાનો શબ્દ ‘siala’ હતો, તેમાંથી ડેનિશ ‘sjoel’ અને સ્વીડિશ ‘sjal’ આવ્યા. વેપારવાણિજ્યને કારણે – લો જર્મન અને મિડલ જર્મનમાંથી પણ ડેનમાર્કે અને સ્વીડને તેરમી અને ચૌદમી સદીઓમાં ઘણા શબ્દો લીધા. પછી માર્ટિન લ્યૂથરના પ્રભાવ હેઠળ 1541માં સ્વીડિશમાં અને 1550માં ડેનિશમાં બાઇબલના અનુવાદ થયા. તે પછી મુદ્રણયંત્રના આગમન સાથે આ બધી ભાષાઓનું માન્ય શિષ્ટ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને તે સાથે સાહિત્ય અને સંસ્કૃતિ માટેની ભાષાનો ઉદભવ અને ઉદય થયો.

ડેનિશ સાહિત્ય : પ્રાચીન યુગ ઈ. સ. પૂ. 800થી ઈ. સ. 500નાં ભાટચારણોનાં શૌર્યકાવ્યોનો સંગ્રહ ‘એડા’ નામથી ઓળખાય છે. આ પૌરાણિક સાહિત્યમાં પૌરાણિક પાત્રોનાં વર્ણન, કેટલાંક દેવદેવીઓનાં વર્ણન, શૂરવીરોનાં વર્ણન અને જીવનચરિત્રો છે. ‘વૉટન’ નામના યુદ્ધના દેવ ઉપરથી ‘વૉટન્સ ડે’ (અંગ્રેજીમાં વેડ્નસ ડે) આજે પણ વપરાય છે. આઠમા-નવમા સૈકાઓમાં પણ ઐતિહાસિક પાત્રોની શૌર્યગાથાનાં વર્ણન લખવામાં આવેલાં, તેમજ વીર–રસાત્મક કાવ્યો રચાતાં. આમાંનું ઘણું મૌખિક સાહિત્ય અપ્રાપ્ય થઈ ગયું છે. પણ સાકસો ગ્રામેટિક્સ (અ. 1204) નામના ડેનિશ પાદરીએ તેમના ઇતિહાસના પુસ્તકમાં તે સંગૃહીત કર્યું છે. મધ્યકાલીન સમૃદ્ધ ડેનિશ સાહિત્યનો સ્રોત લોકસાહિત્ય અને લોકગીતો છે. આમાંનું ઊર્મિતત્વ જર્મન સાહિત્યના પ્રભાવ હેઠળ ઉદભવ્યું હતું. ધર્મસુધારણાના (Reformation) કાળ દરમિયાન ધાર્મિક ઉપદેશાત્મક રચનાઓ મળે છે.

અઢારમી સદીમાં નૉર્વેમાં જન્મેલા લુડવિગ હૉલ્બર્ગનાં તત્વચિંતનાત્મક લખાણોનું ડેનિશ સાહિત્યમાં પ્રભુત્વ હતું. તેમનાં હાસ્યપ્રધાન નાટકોએ મોલિયૅરની કૉમેડી અને ઇટાલિયન કૉમેડીમાંથી પ્રેરણા મેળવી હતી. સમસ્ત યુરોપના સાહિત્ય પર પોતાના દાર્શનિક વિચારોની વ્યાપક અને સચોટ અસર પાડનાર સોયેરેન કિર્કગાર્ડે (1813-1855) અસ્તિત્વવાદ પ્રવાહિત કર્યો, જે આધુનિક સાહિત્યમાં ફ્રાન્સમાં સાર્ત્ર અને કામૂ તથા અન્યોની કૃતિઓમાં પરિપક્વ દશામાં જોવા મળે છે; આ અસ્તિત્વવાદે પાશ્ચાત્ય દાર્શનિકોની વિચારધારાની દિશા જ બદલી નાખી. કિર્કગાર્ડના એક પ્રકારના નૈરાશ્યવાદની સાથે  સાથે ડેનમાર્કમાં આશાવાદ પણ વિકસ્યો હતો, જે એક લોકપ્રિય આધુનિક કવિ એચ. એચ. એસ. પેદરસન (જન્મ. 1892)ની કવિતામાં જોવા મળે છે. ઓગણીસમી સદીમાં વિવેચક નિબંધકાર ગૅઑર્ગ બ્રાન્ડિસ અને ઊર્મિપ્રધાન નવલકથાકાર જ્યાં પીટર યાકોબસન અને પરીકથાઓના રચયિતા હાન્સ ક્રિશ્ચિયન ઍન્ડર્સન થઈ ગયા. એન.એફ.એસ. ગ્રુન્ડટવિગ ઉચ્ચતર લોકશાળાના સ્થાપક હતા. ડેનમાર્કના બે નોબેલ વિજેતાઓ છે. પૉન્ટૉપડાન અને યેન્સન. પૉન્ટૉપડાન(1857-1943)ની રચનાઓમાં ડેનમાર્કના ગ્રામજીવનનું આબેહૂબ નિરૂપણ છે. અન્ય રચનામાં તે આદર્શોની પોકળતા અને ભૌતિક લોલુપતા સચોટ રીતે આલેખે છે. તેમને 1917માં કાર્લ જેલરૂપ(1857-1919)ની ભાગીદારીમાં નોબેલ પારિતોષિક મળ્યું હતું. યેનસનને (1873-1950) 1944માં આ પારિતોષિક એનાયત થયેલું. તેમની રચનાઓમાં અનેક નવા ભાષાપ્રયોગો છે અને ડેનિશ ભાષા પર એની ઊંડી અસર પડી છે. તે શ્રમજીવીઓ અને ખેડૂતોના પ્રશંસક છે.

ડેનિશ થિયેટર મૉરાલિટી નાટકોમાંથી ઉદભવ્યું હતું. 1022માં કોપનહૅગનમાં સૌથી પહેલું ડેનિશ ભાષાનું થિયેટર શરૂ કરવામાં આવ્યું હતું.

અનિલા દલાલ