ડુક્કર (pig/swine) : સમખુરી (artiodactyla) શ્રેણીનું બિન-વાગોળનાર સુસ પ્રજાતિનું સસ્તન પ્રાણી. ભારતના પાલતુ ડુક્કરનું શાસ્ત્રીય નામ : sus cristatus. જંગલી ડુક્કર (શાસ્ત્રીય નામ Sus scrota) તેના એક વખતના પૂર્વજો હતા. ડુક્કર વરાહ કે ભુંડ તરીકે પણ જાણીતું  છે. શૂકર અથવા સૂવર (hog) તેનાં અન્ય નામો છે. અંગ્રેજીમાં નર, માદા અને માદા બચ્ચાને અનુક્રમે boar, sow અને  gilt તરીકે ઓળખે છે. ખસી કરેલા નરને barraw કહે છે. બ્રિટનમાં તેને hog કહે છે. અનુક્રમે અગ્નિ  એશિયા અને આફ્રિકાના ડુક્કર Sus salvanius અને S. sennaaevsis, શાસ્ત્રીય નામથી ઓળખાય છે.

ડુક્કર

ડુક્કર મિશ્રાહારી પ્રાણી છે. તેનો ઉછેર સામાન્યપણે અનાજ ખવડાવીને કરવામાં આવે છે. તેને તો  એંઠવાડ પર પણ ઉછેરી શકાય છે. તે માનવના મળને પણ પચાવી શકે છે. આજે પણ એશિયા અને આફ્રિકાના ઘણા વિસ્તારોનાં સફાઈકામ(scavenging)માં તેનો બહોળો ઉપયોગ થાય છે. માનવની ર્દષ્ટિએ આ એક ગંદી આદત છે. તેથી મુસલમાન અને યહૂદી જ્યૂ ધર્મના લોકો તેની ગણના અપવિત્ર પ્રાણી તરીકે કરે છે. ભુંડ ગંદકીમાંથી ખોરાક મેળવતું હોવાથી તેના શરીરમાં અનેક પ્રકારના રોગકારક સૂત્રકૃમિઓ કાયમી જોવા મળે છે માટે કેટલાક લોકો ડુક્કરનું માંસ ખાતા નથી. પરંતુ બાહ્ય પરોપજીવીઓથી બચવા અથવા વાતાવરણમાં ગરમી વધારે હોય તો  તેનાથી બચવા કાદવમાં રહેવાનું પસંદ કરે છે.

આશરે 7000 ઈ. સ. પૂ. ડુક્કરને પાલતુ જાનવર તરીકે પાળવાની શરૂઆત ચીન દેશે કરી. યુરોપમાં તેના પાલનની શરૂઆત 1500 ઈ. સ. પૂ.માં થઈ. કોલંબસ ડુક્કરને પોતાની સાથે ઈ. સ. 1493માં અમેરિકા લઈ ગયો હતો.

આ પ્રાણી જાતજાતના ખોરાકને પચાવી તેને સહેલાઈથી માંસ અને ચરબીમાં ફેરવી શકે છે. ગાય, ભેંસ, બકરી, ઘેટું કે મરઘીના પ્રમાણમાં 20 % ખોરાક ઓછો લેવા છતાં તેમના જેટલું જ માંસનું ઉત્પાદન ડુક્કર કરે છે. ડુક્કરને આ કારણે જીવતું રેફ્રિજરેટર કહે છે. ડુક્કરના ઉછેર માટે ઓછી  જગ્યા રોકાય છે. તે અન્ય પશુધનના પ્રમાણમાં ઓછા સમયમાં વધુ બચ્ચાંને જન્મ આપે છે. તેથી પશુધન, ડેરી અને ખેતી કરનારા મિશ્ર ખેતી તરીકે ઓછાવત્તા પ્રમાણમાં ડુક્કરનું પણ પાલન કરે છે. ડેન્માર્ક જેવા દેશોમાં દૂઝણી ગાયો રાખનારા ખેડૂતો ગાયોની સાથે ડુક્કર પાળે છે. ખેડૂતો દૂધમાંથી મલાઈને કાઢી લઈ તેમાંથી માખણ બનાવે છે અને ડુક્કરને સેપરેટ દૂધ પિવડાવે છે.

ડુક્કરના માંસને ‘બેકન’ અને તેની ચરબીને ‘લાર્ડ’ કહે છે. અગાઉ વધુ લાર્ડ ધરાવતા ડુક્કરને પાળતા; પરંતુ હાલમાં ઓછી ચરબીવાળા માંસ(lean meat)ને પસંદગી આપવામાં આવતી હોવાથી મુખ્યત્વે માંસનું ઉત્પાદન કરનાર ડુક્કરને વધુ પ્રમાણમાં પાળવામાં આવે છે. લાર્ડયુક્ત ડુક્કર તરીકે ચેસ્ટર વ્હાઇટ, રેડ ડ્યૂરૉક, ડ્યૂરૉક જર્સી, પોલૅન્ડ ચાઇના, અને બૅક શાયર જેવાનો સમાવેશ થાય છે, જ્યારે બેકન માટે ટૅમવર્ય, યૉર્કશાયર, હૅમ્પશાયર, ડૅનિશ લૅન્ડરેસ અને ચેસ્ટર વ્હાઇટ જેવાની પસંદગી કરવામાં આવે છે. ઓછી ચરબીયુક્ત માંસને ‘પૉર્ક’ કહે છે. પૉર્કમાંથી હૅમ, બૅકન, સૉસેજ, પૉર્કચૉય અને સ્પૅરરિબ્ઝ જેવી જાતજાતની વાનગીઓ બનાવાય છે.

પોષક તત્વો તરીકે સારી ગુણવત્તાવાળું સસ્તું અને સહેલાઈથી પ્રાપ્ય એવું ડુક્કરનું માંસ હોવાથી  મુસ્લિમ અને યહૂદી દેશોને બાદ કરતાં આજે પશુધન તરીકે તેનો ઉછેર દુનિયામાં સર્વત્ર મોટા પાયા પર કરવામાં આવે છે. દુનિયાની 1/4 માંસાહારી વસ્તી યૉર્કનો આહાર કરે છે. અંદાજ મુજબ ડુક્કરની કુલ વસ્તી 70થી 80 કરોડ જેટલી થાય છે. આશરે 40 % ડુક્કરનો ઉછેર ચીનમાં થાય છે. રશિયા, અમેરિકા અને બ્રાઝિલમાં પણ ડુક્કરનો ઉછેર મોટી સંખ્યામાં કરવામાં આવે છે. તેને મુકાબલે ભારતમાં ડુક્કરની સંખ્યા ઓછી એટલે કે 50 લાખ જેટલી છે. તેમાંથી દર વર્ષે 50,000 ટન જેટલું પૉર્કનું ઉત્પાદન થાય છે અને 3.5 લાખ કિલોગ્રામ વાળ મેળવવામાં આવે છે.

ભારતમાં ડુક્કરસંવર્ધનની શક્યતા : ભારતમાં માનવવસ્તીનું પ્રમાણ વધુ છે. તેથી અનાજ ખવડાવી ડુક્કરનું પાલન કરવું આર્થિક રીતે પરવડે તેમ નથી. અમુક ખાસ શહેરી વિસ્તારોમાં કે જ્યાં ડુક્કરના માંસના ભાવ ઊંચા મળે તેમ છે ત્યાં ડુક્કરના ખોરાકમાં અનાજનું  પ્રમાણ ઘટાડીને અને અનાજની આડપેદાશો તથા ઔદ્યોગિક આડપેદાશોનો ખોરાકમાં ઉપયોગ કરીને તેને પાળવાનું નફાકારક કરી શકાય છે. ઉપરાંત શહેરની હોટલના કે ઘરના એંઠવાડ ઉપર પણ તેને ઉછેરી શકાય છે.

ડુક્કર-સંવર્ધન ક્ષેત્ર

દેશી ડુક્કરની સરખામણીમાં વિદેશી ઓલાદોની ઉત્પાદકતા ઉચ્ચ કક્ષાની હોય છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં લગભગ 51 ડુક્કરઉછેર અને સંવર્ધનકેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં વિદેશી ઓલાદનાં લાર્જ વ્હાઇટ યૉર્કશાયર ડુક્કર વસાવવામાં  આવ્યાં છે અને તેના વડે દેશી ઓલાદનાં ડુક્કર સાથે સંવર્ધન  થઈ રહેલ છે. ભારતનાં સાત રાજ્યોમાં સંકરણ દ્વારા નવી ઓલાદો વિકસાવવાનું કામ તેમજ ભુંડપાલકોને વહેંચવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. પરિણામો ઉત્સાહજનક છે. ભારતની 31 લાખ ટન ડુક્કરના માંસની માગને પહોંચી વળવાની શક્યતા છે. આ ઉપરાંત ડુક્કરનું માંસ લોકભોગ્ય થાય  અને તેનું વેચાણ વધે તે માટે આધુનિક ઢબનાં ઉછેર-કેન્દ્રો, કતલખાનાં અને તેના માંસ પર ખાસ પ્રક્રિયા કરવાનાં તથા ગુણવત્તા જાળવવા માટેનાં કારખાનાં પણ મુંબઈ, હરીનઘટ્ટા, અલીગઢ અને ગુનવરમ (આંધ્રપ્રદેશ) ખાતે સરકારી તથા સહકારી ધોરણે શરૂ કરવામાં આવેલ છે.

બચ્ચાંને દૂધ પિવડાવતી માદા ડુક્કર (ભૂંડણ)

પ્રજનન : પરદેશી માદા ભૂંડણ આશરે 1થી 10 મહિનાની વયે ઋતુમાં આવે છે. અને 2થી 3 દિવસ ગરમીમાં રહે છે. સફળ પ્રજનન માટે તેને બીજા દિવસે ફેળવવામાં આવે તો સારું પરિણામ આવે છે. જો ભૂંડણ સગર્ભા ન થાય તો ફરી 21થી 22 દિવસે ઋતુમાં આવે છે. ભૂંડણ એક વિયાણમાં 10 કે તેથી વધુ બચ્ચાં આપે તેમ તેમાંથી વળતરનું પ્રમાણ વધુ રહે. આ હકીકતને અનુલક્ષીને ભૂંડણની પ્રજનનની ઋતુના એકાદ અઠવાડિયા પહેલાં એને વધુ પૌષ્ટિક અને પૂરતો ખોરાક આપવામાં આવે છે. આમ કરવાથી વધુ સંખ્યામાં અંડવિમોચન (ovulation) થતાં ભૂંડણ વધુ બચ્ચાંને જન્મ આપે છે. જો ભૂંડણ સગર્ભા થાય તો સરેરાશ 113થી 115 દિવસના ગર્ભકાળ બાદ 8થી 12 ભૂંજર(litter)ને જન્મ આપે છે.

ભૂંડણને 10થી 14 આંચળ હોય છે અને તેનાં બચ્ચાંને ધવડાવે ત્યાં સુધી સામાન્ય રીતે ફરી ઋતુમાં આવતી નથી. આઠ અઠવાડિયાં બાદ જ્યારે બચ્ચાંને ધાવણ છોડાવવામાં આવે ત્યારબાદ બે એક અઠવાડિયાંમાં ભૂંડણ ઋતુમાં આવે છે. પ્રજનન કરવાનો કાર્યક્રમ સામાન્ય રીતે એક વર્ષમાં  ભૂંડણ પાસેથી કેટલી વાર બચ્ચાં લેવાં, તેની જાતિ, ખોરાક, માવજત પર આધાર રાખે છે. સામાન્ય સંજોગોમાં એક પુખ્ત વયની ભૂંડણ બે વર્ષના ગાળામાં ત્રણ વખત વિયાય છે. આ રીતે પ્રજનન કરાવવું ડુક્કરપાલકોને આર્થિક રીતે વધુ પરવડે છે.

ખોરાક તથા માવજત : ખોરાક અને માવજત કળા છે. ડુક્કર બીજાં પાલતુ પ્રાણીની સરખામણીએ પોતાની જાતે જોઈતું જ દાણ, ઘાસચારો અને ક્ષારમિશ્રણ ખાનાર પ્રાણી છે. જેથી દરરોજ નીરણ ન કરતાં અઠવાડિયે ભેગો ખોરાક આપવામાં આવે છે. ભૂંડણને માથાદીઠ 15 % પ્રોટીનવાળું 1.0થી 2.0 કિગ્રા. મિશ્રદાણ  અને  પૂરતો સારો લીલોચારો આપવામાં આવે છે. આવું મિશ્રદાણ, અનાજની આડ પેદાશો 30 ભાગ, મકાઈ 60 ભાગ અને માછલીનો ભૂકો કે સૂકવેલા માંસનો ભૂકો 10 ભાગ મેળવીને બનાવી શકાય. ક્ષારમિશ્રણ જુદું મૂકવાથી જરૂરિયાત મુજબનું જ તે ખાય છે. હવે સંપૂર્ણ ખોરાકમિશ્ર (દાણા વત્તા ચારો વત્તા ક્ષારમિશ્રણ) આપવામાં આવે છે. તેથી મજૂરી ઘટે છે અને વૃદ્ધિ સારી થાય છે. તેથી ડુક્કરપાલનમાં યંત્રીકરણ વધુ જોવા મળે છે. ભૂંડણ સગર્ભા થાય ત્યારબાદ દાણમાંથી મેંદાવાળી વસ્તુઓ તેમજ માછલીના ભૂકા જેવી વસ્તુ ઓછી કરીને તેને બદલે સેપરેટ દૂધ (ચરબી-વિહોણું દૂધ) અગર છાશ ઉમેરવી પડે છે. આમ કરવામાં ન આવે તો ભૂંડણ શરીર પર વધુ ચરબી જમાવે છે. દાણમાં વધારે સોયાબીન અને મગફળીનું પ્રમાણ રાખવાથી પૉર્કમાં ચરબીનું પ્રમાણ વધે છે અને ગુણવત્તા ઊતરતી કક્ષાની થાય છે. ભૂંડણનો ગર્ભકાળનો સમય જ્યારે આશરે 70 દિવસનો થાય ત્યારબાદ ધીરે ધીરે દાણ આપવાનું પ્રમાણ વધારીને  દૈનિક 2.5થી 3.0 કિગ્રા. જેટલું કરવામાં આવે છે અને દરરોજ પ્રમાણસર કસરત કરાવવામાં આવે છે. જ્યારે ભૂંડણને વિયાવાને આઠેક દિવસ બાકી હોય ત્યારે તેના દાણમાં અનાજનું પ્રમાણ ઓછું કરી ઘઉંના  ભૂસા જેવી રેચક ચીજોનું પ્રમાણ વધારવામાં આવે છે, જેથી વિયાણમાં તકલીફ ઓછી પડે. બચ્ચાંને ધાવણ ઉપરાંત પ્રતિજૈવિકો (antibiotics) વિટામિન પૂરકક્રીયનું મિશ્રણ આપવામાં આવે છે. તેથી વૃદ્ધિદર વધે છે અને મરણનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે 6 માસ સુધીમાં 35 %થી વધુ મરણપ્રમાણ જોવા મળે છે. તેથી અંગત માવજત જ નફો વધારી શકે. ભૂંડકાંનાં ટોળાંને સ્વચ્છ અને મબલક પ્રમાણમાં  પીવાનું પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી જોઈએ. ખાસ કરીને  ઉનાળાની ઋતુમાં એમની પાણીની જરૂરિયાત વધુ હોય છે.

પરદેશની ભૂંડની મુખ્યજાતિઓ : (અ) બેકન પ્રકારની : બેકન ભૂંડને સામાન્ય રીતે માથું અને પગ નાના હોય છે. આ ભૂંડના પાછળના પગ તથા થાપા સુવિકસિત હોય છે. તેની પીઠ લાંબી હોવાથી વધારેમાં વધારે માંસ મળે છે. તેનું બેકન અને હૅમ તરીકે બજારમાં વેચાણ કરી શકાય છે. બેકન પ્રકારમાં સમાવેશ કરેલ ભૂંડોની મોટા ભાગની જાતિઓનો જો વ્યવસ્થિત ઉછેર કરવામાં આવે તો તે સારામાં સારું માંસ (‘પૉર્ક’) આપે છે. આ હેતુસર આ જાતિનો હાલમાં દુનિયામાં સૌથી વધારે ઉછેર કરવામાં આવે છે.

ડુક્કરની વિવિધ ઓલાદો
(1) યૉર્કશાયર, (2) બર્કશાયર, (3) લૅન્ડરેસ, (4) ક્યૂરૉક, (5) હૅમ્પશાયર,
(6) ટૅમવર્થ, (7) પોલૅડચીયતી, (8) યેસ્ટર વ્હાઇટ

લાર્જ વ્હાઇટ (યૉર્કશાયર) : આ એક ખૂબ જ પ્રખ્યાત જાતિ છે જે બ્રિટિશ દ્વીપસમૂહના મોટાભાગના વિસ્તારોમાં  જોવા મળે છે. આ ભૂંડ શરીરે મોટા કદનાં હોય છે. પરંતુ પુખ્ત ભૂંડણીનું વજન 350 થી 400 અને નર ભૂંડનું વજન  450 કિગ્રા. હોય છે. ચામડી અને વાળનો રંગ સફેદ હોય છે. માથું લાંબું હોય છે. મધ્યમ લંબાઈના કાન આગળની બાજુએ વળેલા હોય છે. પરંતુ તે નીચે નમી પડેલા હોતા નથી. શરીરનો ભાગ લાંબો અને પ્રમાણમાં ઊંડો હોય છે. ભૂંડણી એકીસાથે 12થી 14 બચ્ચાંને જન્મ આપનારી તેમજ વધારે દૂધ આપનારી હોય છે. તેથી નાનાં બચ્ચાં જલદી વૃદ્ધિ પામે છે અને મરણનું  પ્રમાણ ઓછું હોય છે.

લૅન્ડરેસ : આ જાતિના ડુક્કરની ઉત્પત્તિ ડેન્માર્કમાં થયેલી છે. ઈ. સ. 1949માં સ્વીડનથી સંવર્ધન માટે ભૂંડોની બ્રિટનમાં આયાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ જાતિ ખૂબ જ પ્રખ્યાત થઈ. સંખ્યાની ર્દષ્ટિએ તે લાર્જ વ્હાઇટ પછી બીજા નંબરે આવે છે. આ ભૂંડ સફેદ રંગનાં હોય છે. તે નાના માથાનાં અને લબડતા કાનવાળાં હોય છે. આ ભૂંડ મધ્યમ ખભાવાળાં, લાંબી પીઠ અને ભારે થાપાવાળાં હોય છે. તે 300થી 350 કિગ્રા. વજનનાં હોય છે. ભૂંડણી પોતાનાં બચ્ચાંની સારી રીતે સંભાળ રાખે છે. બચ્ચાં ઝડપથી વૃદ્ધિ પામે છે અને ખોરાકનો ઉપયોગ કાર્યક્ષમ રીતે કરી શકે છે.

વેલ્સ : વેલ્સ જાતિનાં ભૂંડ સફેદ રંગનાં હોય છે. તેમના કાન લબડેલા હોય છે. આ જાતિનાં ભૂંડ સામાન્ય રીતે લાર્જ વ્હાઇટ અને લૅન્ડરેસ જાતિની વચ્ચેના માપનાં હોય છે. જોકે તેનું અદ્યતન રૂપ લૅન્ડરેસ જાતિને મળતું આવે છે.

ટૅમવર્થ : આ જાતિનાં ભૂંડ બદામી લાલ રંગનાં હોય છે. આ ભૂંડ લાંબું અને પ્રમાણમાં સાંકડું શરીર ધરાવે છે. તેમજ મજબૂત બાંધાનાં હોય છે; પરંતુ પુખ્તતા અને શરીરમાં ચરબીની જમાવટ પ્રમાણમાં ધીમે ધીમે થાય છે. માંસ ઉત્તમ પ્રકારનું હોય છે. ભારતમાં આદિવાસી વિસ્તારમાં ભૂંડ સંવર્ધન માટે આ એક યોગ્ય ઓલાદ છે.

(બ) દ્વિહેતુક પ્રકાર : માંસ તથા ચરબી બંને માટે ઉછેરાતી ઓલાદ. સામાન્ય રીતે આ જાતિનાં ભૂંડ બેકન પૉર્ક પ્રકારના નર ભૂંડ સાથે સંકરણ કરવા માટે રાખવામાં આવે છે.

બ્રિટિશ સૅડલ બૅક : આ જાતિનાં ભૂંડ કાળા રંગનાં, પીઠ અને ખભાના ભાગમાં સફેદ ગોળ ધાબાંવાળાં હોય છે. આગળના પગ સફેદ હોય છે અને પાછળના પગ તેમજ પૂંછડી ઉપર સફેદ  રંગની નિશાની અવશ્ય જોવા મળે છે. કાન મધ્યમ માપના અને આગળથી વળેલા પરંતુ લબડતા હોતા નથી. ભૂંડણી વધારે બચ્ચાંને જન્મ આપનારી તેમજ વધુ દૂધ આપનારી હોય છે. આ જાતિનાં ભૂંડને ગૌચરના ચરાણ  ઉપર પણ સંતોષકારક રીતે નિભાવી શકાય છે.

પૉર્કની જરૂરિયાત સંતોષવા માટે જાડું, ઘટ્ટ, ભરાવદાર ભૂંડ હોય છે. જે મધ્યમ લંબાઈનું, છેલ્લી પાંસળીથી થાપાનો  ભાગ જાડો, ટૂંકા પગ અને પાછળના ભાગમાં ન્યૂનતમ જાડાઈની ચરબી હોય છે.

નીચે આપેલી જાતિઓ સારું પૉર્ક આપનારી છે. પણ તે સારું બેકન આપનાર ભૂંડ પેદા કરતી નથી.

મિડલ વ્હાઇટ : સફેદ રંગની ભૂંડની જાતિ હાલ બહુ પ્રચલિત નથી. આ ભૂંડનું માથું ટૂંકું હોય છે. ઉપરની બાજુ નાક સહેજ વળેલું હોય છે. શરીર ટૂંકું, પહોળું અને ભરાવદાર હોય છે. ઊછરતાં બચ્ચાં જલદી પુખ્ત અને જલદીથી જાડાં થાય છે. ભૂંડણી વધારે બચ્ચાંને જન્મ આપતી નથી.

બર્કશાયર : હાલ આ જાતિના ભૂંડનો પણ ઘણુંખરું ઉછેર કરવામાં આવતો નથી. આ જાતિમાં ભૂંડના શરીરનો રંગ કાળો તથા પગ સફેદ રંગના હોય છે. સફેદ રંગની નિશાની નાક અને પૂંછડીના છેડે જોવા મળે છે. માથું ટૂંકું હોય છે પરંતુ નાકનો ભાગ ઉપરની બાજુ વળેલો હોતો નથી. આ જાતિના ભુંડના શરીરનો બાંધો ‘મિડલ વ્હાઇટ’ જાતિના ભુંડ જેવો જ હોય છે. પરંતુ આ જાતિના ભૂંડનું શરીર પ્રમાણમાં વધારે લાંબું હોય છે. આ જાતિની ભૂંડણી વધારે બચ્ચાંને જન્મ આપતી નથી. આ જાતિના ભૂંડની વિશેષતા એ છે કે તે ઊંચી ગુણવત્તાવાળું પૉકર્ર્ આપી શકે છે.

સંકર જાતો : ભૂંડોમાં પ્રથમ સંકરણમાં ઉદભવેલી જાતિઓ ભૂંડસંવર્ધનમાં ખૂબ જ લોકપ્રિય બની છે. ‘લેન્ડરેસ’ અને ‘લાર્જ વ્હાઇટ’નું સંકરણ ખૂબ જ પ્રચલિત છે. દ્વિહેતુક જાતિની ભૂંડણીઓનો ઉપયોગ કરાય છે. કારણ કે તેમની બચ્ચાંની સંભાળ રાખવાની ક્ષમતા સારી હોય છે, જ્યારે બેકન પ્રકારના અથવા પૉર્ક પ્રકારના નર ભૂંડ સાથે સંકરણ કરવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થયેલાં બચ્ચાં ‘બેકન’ અથવા ‘પૉકર્ર્’ના ઉત્પાદન માટે વધારે અનુકૂળ  રહે છે.

વેપારી ધોરણે ભૂંડ-ઉત્પાદનમાં પસંદ કરાયેલી સંકર ભૂંડણીઓને પસંદ કરાયેલા અન્ય ત્રીજી શુદ્ધ ઓલાદના ભૂંડ સાથે સમાગમ કરાવીને સંકર જાતો ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ ચકાસણી કરીને ઉદભવેલી ભૂંડની જાતિમાં ઝડપી વૃદ્ધિદર, ખોરાકનો ઉપયોગ કરવાની કાર્યક્ષમતા અને ઉચ્ચકક્ષાનું માંસ ઉત્પન્ન કરવાના ગુણો કેટલા પ્રમાણમાં રહેલા છે તે નક્કી થાય છે.

ભારતીય ડુક્કરની ઓલાદો (જાતિઓ) : ભારતીય જંગલી ભૂંડ જંગલ-વિસ્તારમાં જોવા મળે છે. જંગલી ડુક્કરને લાંબું, આગળથી ઉપરની બાજુ વળેલું નાક, ટૂંકી પાંસળીઓ અને લાંબા પગ હોય છે. ભૂંડણ કરતાં ભૂંડ મોટાં હોય છે. શરૂઆતના ઉછેર દરમિયાન બચ્ચાનો રંગ રાખોડી લોખંડી હોય છે. ઉંમર વધતાં તે કાળા ભૂખરા રંગમાં ફેરવાય છે.

પિગ્મી હૉગ (sus scrofa salvanius) વધુ ભેજવાળાં જંગલોમાં જોવા મળે છે. જ્યારે આંદામાનના ટાપુઓ ઉપર Sus scrora andamanesis blyth જંગલી પ્રકારનાં જોવા મળે છે. આ જંગલી ભૂંડો નિશાચર હોય છે. ઊંચા ઘાસનાં બીડોમાં તે રહે છે. એટલે ભાગ્યે જ જોવા મળે છે. તે પાંચથી વીસના ટોળામાં રહેવા ટેવાયેલાં છે. તેમનું વજન ઘણું ઓછું  આશરે 7.7 કિગ્રા. જેટલું હોય છે. રંગે  ભૂખરાં અને કાળાં હોય છે.

જંગલી ડુક્કરમાંથી દેશી પાળેલાં ડુક્કર ઉત્પન્ન થયેલાં છે જે દરેક પ્રદેશને અનુરૂપ રંગ અને ગુણધર્મો ધરાવતાં હોય છે. તે જુદા જુદા રંગની છાંટવાળાં જોવા મળે છે. દેશી ઓલાદોનાં ડુક્કર લાંબા મોંવાળાં હોય છે. તેમની નાકની દાંડી પાતળી થતી જોવા મળે છે.  ગળા અને પીઠ ઉપર જાડા લાંબા વાળ હોય છે. બંને બાજુઓ ઉપર પાતળા અને ટૂંકા વાળ હોય છે, કાન નાના હોય છે.

ભારતમાં નોંધપાત્ર સંવર્ધનકેન્દ્રો : (1) પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જે.એન. કે.વી.વી. જબલપુર (મધ્યપ્રદેશ), (2) પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આંધ્રપ્રદેશ કૃષિ યુનિવર્સિટી, તિરુપતિ, (3) ડુક્કર-સંવર્ધન ફાર્મ, વેટરિનરી કૉલેજ, અસમ રાજ્ય પશુપાલન વિભાગ, ગુવાહાટી, અસમ.

પૂનમભાઈ તળપદા

અશોકભાઈ પટેલ