ડીલીનીએસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક મુક્તદલા કુળ. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલા આ કુળમાં 10 પ્રજાતિઓ અને 400 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. દક્ષિણ ગોળાર્ધમાં તેનું વિતરણ વિશેષ પ્રમાણમાં થયેલું છે. ભારતમાં 3 પ્રજાતિ અને 12 જાતિ તેમજ ગુજરાતમાં 1 પ્રજાતિ અને 1 જાતિ નોંધાયેલી છે.

વૃક્ષ કે ક્ષુપ, કેટલીક વાર કઠ-લતા (lianas) કે ભાગ્યે જ શાકીય;  પર્ણો સાદાં એકાંતરિક, ક્યારેક મૂલપર્ણો (radical) અનુપપર્ણીય, ક્યારેક સપક્ષ (alate) પરંતુ શીઘ્રપાતી ઉપપર્ણો, પર્ણની પાર્શ્વશિરાઓ સમાંતર; પુષ્પો નિયમિત, દ્વિલિંગી કે એકલિંગી  (પુષ્પ એકલિંગી હોય તો ઘણે ભાગે દ્વિગૃહી), અધોજાયી – સફેદ કે પીળા રંગનાં, ભાગ્યે જ મોટાં અને સુંદર; વજ્રપત્રો 4થી 5, કોચ્છાદી (imbricate) દીર્ઘસ્થાયી (persistent); દલપત્રો 4થી 5, કલિકામાં અતિવલિત (crumpled) કોરછાદી; પુંકેસરો અસંખ્ય, મુક્ત કે તલ પ્રદેશેથી  સંલાગ પામી ગુચ્છેદાર (fasciculate) બને, અધ:સ્થ (hypogynous), દીર્ઘસ્થાયી; પરાગાશય દ્વિખંડી, તેનું સ્ફોટન આયામ કે અગ્રસ્થ છિદ્રો દ્વારા; સ્ત્રી-કેસરો 1થી 20, મુક્ત અથવા મધ્ય અક્ષ સાથે જોડાઈ જાય. બીજાશય ઊર્ધ્વસ્થ, અંડકો એક કે તેથી વધારે, જરાયુવિન્યાસ એકકોટરીય, ચર્મવર્તી પરંતુ કેટલીક વાર તલસ્થ, પરાગવાહિનીઓ મુક્ત, સ્ત્રી–કેસરોની સંખ્યા જેટલી, અંડક બે અંડાવરણ ધરાવે; ફળ એકસ્ફોટી અથવા અનષ્ઠિલ; બીજ વધતે-ઓછે અંશે વિદારિત (lacerated), બીજચોલ (aril) અને માંસલ ભ્રૂણપોષ ધરાવે, ભ્રૂણ નાનો.

આ કુળની જાણીતી પ્રજાતિઓ ડીલીનિયા (60 જાતિ), ટેટ્રાસેરા (35 જાતિ), ડેવિલા (35 જાતિ), કુરેટેલા (2 જાતિ), ડોલીઓકાર્પસ (20 જાતિ), વૉર્મિયા (35 જાતિ) અને હીબર્શિયા (110 જાતિ) વગેરે છે. ભારતમાં Dillenia aurea, Smith; D. indica, Linn.; D. pentagyna Roxb. (કશ્મલ), D. bracteata, Wight.; D. retusa, Thumb.; D. scabrella (D. Don.) Roxb., Tetracera akara (Burm. f) Merr.; T.  indica (Houtt ex christin & Panz.) Merr., T. Sermentosa (L.) Vahl.; T. Scandens (L.) merr. વગેરે થાય છે.

આ કુળ એકટીનીડીયેસીથી પુંકેસરો, મુક્ત સ્ત્રીકેસરો, બે અંડાવરણો ધરાવતાં અંડકો અને નાનો ભ્રૂણ – વગેરે લક્ષણો દ્વારા અલગ પડે છે. અગ્લરે દર્શાવ્યા કરતાં આ કુળ ઘણું વધારે આદ્ય કક્ષાનું છે અને તે, રાનેલિયન પ્રજાતિઓ સાથે વધારે સામ્ય ધરાવે છે (બેસી, હેલિયર અને હચિન્સનનું મંતવ્ય છે). બેન્થમ અને હુકર આ કુળને રાનેલ્સ ગોત્રમાં; જ્યારે હચિન્સન, ક્રોન્ક્વિસ્ટ અને તખ્તજાન તેને ડીલીનીએલ્સ ગોત્રમાં મૂકે છે.

આર્થિક ર્દષ્ટિએ આ કુળની અગત્ય ઓછી છે. ડીલીનિયા અને હીબર્શિયાની કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં D. indica, D. aurea અને D. pentagynaનું કાષ્ઠ ઉપયોગી છે.

જૈમિન વિ. જોશી