ડીગ : રાજસ્થાનના ભરતપુર જિલ્લાનું વડું વહીવટી મથક તથા પ્રસિદ્ધ ઐતિહાસિક નગર. તે 27° 28´ ઉ. અ. તથા 77° 22´ પૂ. રે. પર આવેલું છે. તેનું પ્રાચીન નામ દીર્ઘ અથવા દીર્ઘપુર હતું. ‘સ્કંદપુરાણ’ તથા ‘ભાગવતમાહાત્મ્ય’ વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયો છે. તે ભરતપુરથી 32 કિમી. ઉત્તરે તથા મથુરાથી 35.2 કિમી. પશ્ચિમે આવેલું છે. તે પ્રાચીનતા અને ઐતિહાસિકતા માટે જાણીતું છે. નગરના રક્ષણ માટે તેને ચારે બાજુથી કિલ્લેબંધ કરવામાં આવ્યું છે.

બાદનસિંહે બંધાવેલા દુર્ગમાં આમોદપ્રમોદ માટેના મહેલો આવેલા  છે. તેમની આસપાસ ભવ્ય ઉદ્યાનો, તળાવ અને ફુવારાઓની રચના કરવામાં આવી છે. બાદનસિંહના પુત્ર સૂરજમલે તેમાં ઉમેરો કરાવ્યો હતો. સુંદર બારીક કોતરકામવાળા સ્તંભો, છત નીચેની કાંગરીઓ અને નેવાંની ગોઠવણી મનોહારી છે. લતાગૃહો આ મહેલો આસપાસના વાતાવરણને રમ્ય અને રંગીન બનાવે છે. સૌથી વિશાળ મહેલ ગોપાલભવન અજાયબ એવો સંગેમરમરનો હીંચકો ધરાવે છે. મૂળે અવધના નવાબની સંપત્તિરૂપ આ સંગેમરમરના હીંચકાને મહારાજ જવાહરસિંહ અહીં લાવ્યા હતા. આ મહેલમાં જડવામાં આવેલ સંગેમરમર આગ્રા અને દિલ્હી ખાતેના મુઘલ મહેલોમાંથી લાવવામાં આવ્યો હતો. અન્ય નોંધપાત્ર ભવનોમાં સૂરજભવન, નંદભવન અને દરબારગૃહનો સમાવેશ થાય છે. ફુવારા અને તળાવોથી સુશોભિત મત્સ્યભવન વિશેષ નોંધપાત્ર છે.

અઢારમી સદીની શરૂઆતમાં ડીગ પર જાટોનો અધિકાર હતો. પરંતુ 1776માં નજફખાંએ જાટો પાસેથી તેને ઝૂંટવી લીધું. ભરતપુરના મહારાજા રણજિતસિંહે તેના પર કબજો સ્થાપ્યો ત્યારથી તે ભરતપુર રાજ્યનો ભાગ ગણાતું હતું.

નવનીત દવે