ડિલન, બૉબ – (Bob Dylan)

January, 2014

ડિલન, બૉબ – (Bob Dylan) (જ. 24 મે 1941, દુલૂઠ, મિનેસોટા, યુ.એસ.) : 2016નો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકાના ગીતકાર, ગાયક, કલાકાર અને લેખક. તેમણે અમેરિકાના લોકસંગીત ઉપરાંત ઈસાઈ અને પૉપ સંગીતમાં સારી નામના મેળવી છે. તેમનાં દાદા-દાદી યુક્રેનથી અમેરિકા આવ્યાં હતાં. તેમના પૂર્વજો તુર્કીના યહૂદી હતા. તેમનાં નાના-નાની લિથુનિયાનાં યહૂદી હતાં. તેમના પિતા ઝિમરમૅન વીજળીના સાધનોની દુકાન ચલાવતા હતા. તેમની માતાનું નામ બિઆટ્રિસ સ્ટ્રોન હતું. બૉબ ડિલનનું હિબ્રૂ ભાષામાં શાબતાઈ ઝિસેલ બેન અબ્રાહમ નામ છે.

બૉબ ડિલન

તેમનો ઉછેર દાદા-દાદીને ત્યાં હીબબિંગ, મિનેસોટામાં થયો હતો. તેમના પિતા અબ્રાહમ ઝિમરમૅન અને માતા બિઆટ્રિસ સ્ટોન યહૂદી સંસ્થા સાથે જોડાયેલાં હતાં. ડિલન છ વર્ષના થયા ત્યાં સુધી તેઓ દૂલૂઠમાં રહ્યા હતા. પછી તેમના પિતાને પોલિયો થયો અને બધાં હીબબિંગ આવીને રહ્યાં. ડિલનનું બાળપણ ત્યાં જ પસાર થયું. શરૂઆતમાં તેઓ રેડિયો ઉપર વાગતાં ગીતો સાંભળતા. પછી તેઓ રૉક-એન-રોલ તરફ વળ્યા. હીબબિંગની શાળામાં જ તેમણે મિત્રો સાથે મળીને સંગીતની મંડળી બનાવી હતી. ત્યાં તેઓ ગીતો રજૂ કરતા. એક વખત તેમનાં વાજિંત્રોનો અવાજ એટલો મોટો થઈ ગયો હતો કે તેમના શિક્ષકે બધું બંધ કરાવી દીધું હતું. સપ્ટેમ્બર, 1959માં તેઓ મિનિપોલિસ આવ્યા. ત્યાં તેઓ યુનિવર્સિટી ઑવ્ મિનેસોટામાં દાખલ થયા. રૉક-એન-રોલ ઉપરથી તેમનું ધ્યાન અમેરિકાના લોકસંગીત તરફ ખેંચાયું. મે, 1960માં કૉલેજનું પ્રથમ વર્ષ પૂરું થયું, ત્યારે તેમણે કૉલેજ છોડી દીધી હતી. જાન્યુઆરી, 1961માં તેઓ ન્યૂયૉર્ક આવ્યા. અહીં તેઓ સંગીતના શહેનશાહો સાથે ગાવાની ઇચ્છા સાથે આવ્યા હતા. ફેબ્રુઆરીમાં તેમણે જુદી જુદી મંડળીઓમાં ગાવાનું અને મોટા ગાયકોની સાથે સંગીત આપવાનું શરૂ કરી દીધું હતું, જેના પરિણામ સ્વરૂપે કોલંબિયા રેકર્ડ્ઝ સાથે તેઓ જોડાયા હતા.

તેમની પહેલી રેકર્ડ 19  માર્ચ, 1962ના રોજ બહાર પડી હતી. તેમાં તેમણે છદ્મ નામ ‘બ્લાઇંડ બૉય ગ્રુન્ત’- (Blind Boy Grunt)નો ઉપયોગ કર્યો હતો. પિયાનો વગાડનારા તરીકે તેમણે ‘બૉબ લેન્ડી’ (Bob Landy) નામ રાખ્યું હતું. 1962ના ઑગસ્ટ મહિનામાં તેમણે કાનૂની રીતે તેમનું નામ બદલીને બૉબ ડિલન રાખ્યું હતું. બી.બી.સી. ટેલિવિઝન કંપનીના નાટકમાં નિમંત્રણ મળતાં, તેઓ ડિસેમ્બર, 1962થી જન્યુઆરી, 1963 સુધી પહેલી વખત યુ.કે. ગયા હતા. ત્યાં તેમણે પહેલી વખત લોકો સમક્ષ પોતાની કલા રજૂ કરી હતી. લંડનમાં પણ તેમણે જુદી જુદી જગ્યાએ પોતાના કાર્યક્રમોમાં લોકગીતો રજૂ કર્યાં હતાં.

1963માં તેમણે લખેલાં ગીતો રજૂ કરીને બીજા ગાયકો સફળતા મેળવતા હતા. મે, 1963માં એક ટેલિવિઝન કાર્યક્રમ માટે તૈયારી કરતા હતા ત્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે તમારું આ ગીત અમુક સમાજને હાનિ પહોંચાડે તેવું છે. આ સાંભળીને તેઓ એક પણ ગીત રજૂ કર્યા વગર એ કાર્યક્રમમાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની રાજકીય ક્ષેત્રમાં ગંભીર અસર પડી હતી. આ સમય દરમિયાન ડિલન સામાજિક હક્ક માટેની ચળવળમાં પણ જોડાયા હતા. જેમાં તેમણે લોકગીત આધારિત ગીતો લખીને રજૂ કર્યાં હતાં. 1963ના અંત સુધીમાં તેઓ તેમાંથી નીકળી ગયા હતા. તેમનાં કાવ્યો-ગીતોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, તત્વજ્ઞાન અને સાહિત્યની સરવાણી જોવા મળે છે. દેશની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ગીત વાંચવા માટે નહીં પણ ગાવા માટે હોય છે, એમ તેઓ માનતા. પૉપ સંગીતને નવું સ્વરૂપ આપીને તેમણે લોકપ્રિય બનાવ્યું હતું. 1965માં રાષ્ટ્રીય લોકસંસ્કૃતિ સમારોહમાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. 22 નવેમ્બર, 1965ના રોજ તેમણે સારા લૌંડ્સ (Sara Lownds) સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં સંતાનો મોટાં થયાં પછી તેમણે 29 જૂન, 1977ના રોજ છૂટાછેડા લીધા હતા.

1966માં તેમને ન્યૂયૉર્કમાં ઘર પાસે જ મોટરસાઇકલ ચલાવતા અકસ્માત થયો હતો, પરંતુ તેમણે થોડા સમય પછી ફરીથી ગાવાનું શરૂ કર્યું હતું. જોકે આઠ વર્ષ સુધી તેઓ બીજી જગ્યાએ પ્રવાસમાં બહાર જઈ શક્યા નહોતા. 1970ના દશકમાં તેઓ ઈસાઈ ધર્મ તરફ વળ્યા. તેમણે ધાર્મિક ગોસ્પેલ સંગીત વગાડવાનું પણ શરૂ કર્યું હતું.

1978માં તેમણે એક વર્ષના પ્રવાસ દરમિયાન 114 કાર્યક્રમો જાપાન, યુરોપ, ઉત્તર અમેરિકામાં કર્યા હતા. વીસ લાખ કરતાં વધારે લોકોએ તેમના કાર્યક્રમ નિહાળ્યા હતા. 1980ના દાયકામાં તેમણે પૉપ સંગીતનાં ગીતો રજૂ કર્યાં હતાં.

1994 સુધીમાં ડિલને ચિત્રો અને રંગીન ચિત્રકલા અંગેના આઠ ગ્રંથો બહાર પાડ્યા હતા. તેમનાં ચિત્રોનાં અનેક સ્થળે પ્રદર્શન થયાં હતાં. તેમના કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત થયા હતા. તેમનાં ગીતોની 1000 લાખ કરતાં વધારે રેકર્ડ્ઝ વેચાઈ હતી. 2004માં તેમની આત્મકથાનો પહેલો ભાગ બહાર પડ્યો. તે સમયનું તે સૌથી વધુ વંચાયેલું પુસ્તક હતું. તેની નાટ્યાત્મક રજૂઆત બીબીસી ટેલિવિઝન અને અમેરિકાના ટેલિવિઝન ઉપર પણ થઈ હતી. તેના પરથી ફિલ્મ પણ બનેલી.

તેમના લખેલાં ગીતોની વિશેષતા એમાં સમાયેલું તત્વજ્ઞાન છે. 2007માં થયેલા અભ્યાસ મુજબ બૉબનાં ગીતોમાંથી યુ.એસ.ની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ઉદાહરણ પણ આપતા હતા. 186 વખત તેમનાં ગીતોમાંથી ઉદાહરણો અપાયાં હોવાનું નોંધાયું છે. ઉદા. ત., ‘જો તમારી પાસે કશું નથી, તો તમારે કશું ગુમાવવાનું નથી.’ બીજું ઉદા., ‘તમારે પવન કઈ બાજુનો છે એ જાણવા કે પૂછવા માટે હવામાનશાસ્ત્રીઓની જરૂર નથી.’

તેમનાં લખેલાં ગીતોનો અભ્યાસ શિક્ષણશાસ્ત્રીઓ છેક 1998થી કરતા રહ્યા છે. સ્ટેનફૉર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તેમનાં ગીતો પર કાર્યશાળાઓ પણ યોજાઈ હતી. તેઓ ખૂબ લોકપ્રિય છે. તેમને પરંપરાગત કવિઓ વર્જિલ અને હોમરની સમકક્ષ ગણવામાં આવે છે.

તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં છે. તેમાં ‘પ્રેસિડન્સિયલ મેડલ ફૉર ફ્રીડમ’, દસ વખત ‘ગ્રેમી ઍવૉર્ડ્સ’, ‘ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ’ અને ‘એકૅડેમી ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે. શબ્દોની સુંદર ગૂંથણી કરીને રચેલા ગીતોમાં અમેરિકાની સંસ્કૃતિને ઉજાગર કરવા બદલ તેમને 2008માં ‘પુલિત્ઝર પ્રાઇઝ’ આપવામાં આવ્યું હતું. તેમને ‘રૉક-એન-રોલ હૉલ ઑફ ફેમ’, ‘નાશવિલિયે સૉંગરાઇટર્સ હૉલ ઑફ ફેમ’ અને સૉંગરાઇટર્સ હૉલ ઑફ ફેમ’ પણ મળ્યા હતા. 2015માં 100 મહાન ગીતકારોમાં તેમને સ્થાન મળેલું. આમ અમેરિકામાં ગીતની પરંપરામાં નવા કાવ્યત્વ સાથે રજૂઆત માટે 2016નો નોબેલ પુરસ્કાર તેમને એનાયત થયો હતો.

કિશોર પંડ્યા