ડિટેક્ટિવ સ્ટોરી : ગુનાશોધનને લગતી કથા. તે એક કથાસ્વરૂપ છે. એમાં મૂંઝવતો અપરાધ અને એની શોધ માટે અનેક ચાવીઓ અથવા તો સૂચક બીનાઓનું વર્ણન હોય છે. એમાં ગુનાશોધક (detective) એ સમસ્યાનો ઉકેલ આપે છે. મહદંશે આવી કથાઓમાં હત્યાનો અપરાધ હોય છે અને એમાં સૂચવાયેલી કડીઓ કોઈક વાર સમસ્યાના ઉકેલ તરફ કે ક્યારેક એની વિપરીત દિશામાં પણ દોરે છે.

કથા નવલકથા હોય, લઘુનવલ હોય કે ટૂંકી વાર્તા હોય–એનું સ્વરૂપ લગભગ સરખું હોય છે. લેખક ગુનો, ગુનાશોધક અને એ શોધને માટેની કડીઓ, ચાવીઓ તથા દિશાસૂચક વિગતો તથા શંકાસ્પદ વિગતો રજૂ કરે છે. ક્યારેક ગુનાશોધક વધારાના અપરાધો પણ શોધી કાઢે છે. કથાની પરાકાષ્ઠામાં ગુનાશોધક અપરાધીને ખુલ્લો પાડે છે અને એ ભેદનો ઉકેલ કેવી રીતે શોધાયો એની વાત કરે છે.

મોટાભાગની કથાઓમાં ગુનાશોધક પોલીસ-અમલદાર નહિ પણ ખાનગી સલાહકાર હોય છે. ઉદાહરણ તરીકે, ચેસ્ટરટનમાં ફાધર બ્રાઉન પાદરી છે; કાલ્પનિક કથાઓના કેટલાક ગુનાશોધક, જેવા કે વિલ્કી કોલિન્સનો સાર્જન્ટ કફ, વાન ડીનેનો ફીલો વાન્સ, જ્યૉર્જ સાયમેનનનો ઇન્સ્પેક્ટર માઇગ્રેટ. એમાં કેન્દ્રસ્થાને હોય છે રહસ્ય અને એનો ઉકેલ.

આ કથાપ્રકારનો ઇતિહાસ શરૂ થાય છે એડગર એલન પૉની કૃતિ ‘મર્ડર્સ ઇન ધ રુ મોર્ગ’(1841)થી. ‘ધ મિસ્ટરી ઑવ્ મેરી રોજર’ તથા ‘પરલોઇન્ડ લેટર’ની કથાઓથી એનો બરાબર પ્રારંભ થયો. એડગરે એકલે હાથે આ કથાસ્વરૂપને સાહિત્યસ્વરૂપમાં ઢાળ્યું. એનો ગુનાશોધક ઑગસ્તી ડુપીન  આ ક્ષેત્રનો તેજસ્વી સિતારો છે અને  રહસ્ય ઉકેલવા માટે એ એની તર્કશક્તિનો વિચક્ષણતાથી ઉપયોગ કરે છે.

ચાર્લ્સ ડિકિન્સે ‘બ્લીક હાઉસ’માં (1852–1853) આ વાર્તાસ્વરૂપ અજમાવ્યું છે. વિલ્કી કોલિન્સની નવલકથા ‘મુનસ્ટોન’ એક મહત્વની રહસ્યકથા છે (1868). શેરલૉક હોમ્સ અને એનો સાથી ડૉ. જ્હૉન વૉટસન 1887માં સર આર્થર કૉનન ડોયેલની ‘સ્ટડી ઇન સ્કાર્લેટ’ સાહિત્યકૃતિથી સૌથી વધુ ખ્યાતિ પામ્યા. કદાચ સમગ્ર ગુનાશોધક સાહિત્યસ્વરૂપમાં હોમ્સનું પાત્ર સૌથી વિશેષ ખ્યાતનામ છે.

વીસમી સદીની શરૂઆતમાં આ કથાસ્વરૂપમાં સવિશેષ મૌલિકતા અને ઉત્તેજના પ્રગટ્યાં. આર. ઑસ્ટીને એની ‘સિંગિંગ બુન’(1912)માં નવા પ્રકારની કથા આપી. એમાં ગુનેગાર પ્રારંભથી જ ઓળખાય છે. એમાં રહસ્ય એ હોય છે કે એ ગુનેગાર પકડાશે કે નહિ અથવા તો કેવી રીતે પકડાય છે. 1925થી 1935 સુધીમાં માર્ગરી અલીગામ, નિકોલસ બ્લૅક, જ્હૉન ડિક્સન કાર, અગાથા ક્રિસ્તી, અર્લ સ્ટેન્લી ગાર્ડનર, ડેશિલ હેમેટ, માઇકેલ ઇન્સ, રોનાલ્ડ નૉક્સ, માર્સ, એલરી ક્વીન, ડૉરોથી સેયર્સ, જ્યૉર્જસ સાયમેનને, રેક્સ સ્ટાઉટ અને એસ. એસ. વાન ડીન જેવા લેખકોની કૃતિઓ પ્રસિદ્ધ થઈ.

1920માં ‘બ્લૅક માસ્ક’ સામયિકમાં એક વિશિષ્ટ પ્રકારની અમેરિકન રહસ્યકથાઓએ દેખા દીધી. એમાં કેન્દ્રસ્થાને પ્રખર ગુનાશોધક નાયક હોય છે અને હિંસા તથા બનાવોની પરંપરા રંગબેરંગી શૈલીમાં વર્ણવવામાં આવે છે. એની શૈલી સુંદર કથનાત્મક હોય છે. ડેશિલ હેમેટે શરૂ કરેલી આ પ્રકારની શૈલીને રૅમોન્ડ ચેન્દરલર અનુસરે છે અને આજે પણ આ શૈલી ઘણી લોકપ્રિય બની રહી છે.

વીસમી સદીના મધ્યકાળથી આ કથાસ્વરૂપ નવી પેઢીમાં લોકપ્રિય થતું ગયું. એમાં અમેરિકન લેખકો એમા લેથન, રોસ મૅક્ડોનાલ્ડ, જ્હૉન ડી. મૅક્ડોનાલ્ડ, એડ. મૅક્બેન અને રૉબર્ટ પાર્કર વગેરે અને અંગ્રેજ લેખકો ડિક ફ્રાન્સિસ, પી.ડી. જેમ્સ મેક્લ્યુર, રુથ રેન્ડેલ ઇત્યાદિનો સમાવેશ થાય છે. નેધરલૅન્ડ્ઝના વાન દ નેતરીંગ, સ્વીડનના માજ જોવેલ અને પાર વાહલુ પણ ઉલ્લેખનીય છે.

જયા જયમલ ઠાકોર