ડાંગે, શ્રીપાદ અમૃત (જ. 10 ઑક્ટોબર 1899, નાસિક; અ. 22 મે, 1991, મુંબઈ) : ભારતીય સામ્યવાદી પક્ષના વરિષ્ઠ નેતા અને ભારતમાં કામદાર આંદોલનના પ્રણેતા. જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં. પિતા સૉલિસિટરની ઑફિસમાં કારકુન હતા. તેમણે  શાળાનો અભ્યાસ નાસિક તેમજ મુંબઈમાં કર્યો. 1918માં તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. તેમના પર લોકમાન્ય ટિળકનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. ઇન્ફલુએન્ઝાના રોગચાળા વખતે (1918) ડાંગે મુંબઈના મિલમજૂર વિસ્તારમાં રાહતકાર્યમાં જોડાયા. 1920માં તેમના પિતાનું મૃત્યુ થયું. એ અરસામાં ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે કૉલેજનો અભ્યાસ છોડ્યો અને અસહકારના આંદોલનમાં ઝંપલાવ્યું. થોડા સમયમાં તેમના રાજકીય વિચારોમાં પરિવર્તન આવ્યું, તેમ છતાં સ્વાતંત્ર્ય-આંદોલનમાં તે સક્રિય રહ્યા.

શ્રીપાદ અમૃત ડાંગે

માર્ચ 1921માં તેમની ‘ગાંધી વર્સીસ લેનિન’ પુસ્તિકા પ્રગટ થઈ. તેમાં તેમણે ગાંધીજીના વિચારોથી પોતે ક્યાં જુદા પડતા હતા તેની રજૂઆત કરી. 1922માં ‘સોશિયાલિસ્ટ’ નામના ભારતના એ ક્ષેત્રના પ્રથમ સાપ્તાહિકની તેમણે શરૂઆત કરી. ડિસેમ્બર, 1922માં તેમણે ગયા ખાતે ભરાયેલ કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી, તેમાં પ્રથમ સામ્યવાદી કાર્યક્રમની પત્રિકા વહેંચી. 1923ના માર્ચમાં તેમણે ‘જનતા પ્રકાશન સેવા’ શરૂ કરી. માર્ચ, 1924માં કહેવાતા ‘કાનપુર કાવતરા કાંડ’માં અંગ્રેજ સરકારે બીજા આગેવાનો સાથે તેમની ધરપકડ કરી. તેમને ચાર વર્ષની કાળી મજૂરી સાથે જેલની સજા કરવામાં આવી.

24 મે, 1927ના રોજ જેલમાંથી છૂટ્યા પછી મુંબઈમાં કામદાર સંઘ આંદોલનમાં તેઓ સક્રિય રહ્યા અને ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ એ.આઇ.ટી.યુ.સી.ના સહમંત્રી તરીકે ચૂંટાયા. તેઓ ‘ક્રાંતિ’ નામના મરાઠી સાપ્તાહિકના તંત્રી પણ થયા.

આ સમયે કામદાર-આંદોલને જોર પકડ્યું. મુંબઈમાં કાપડમિલના કામદારોએ 16 એપ્રિલથી 6 ઑગસ્ટ, 1928 દરમિયાન હડતાળ પાડી તે વખતે ડાંગે ગિરણી કામદાર સંઘના નેતા તરીકે પ્રસ્થાપિત થયા. આ વર્ષે તેમણે સમાન રાજકીય વિચારો ધરાવતાં ઉષાતાઈ નામનાં વિધવા મહિલા સાથે લગ્ન કર્યું.

માર્ચ, 1929માં ડાંગે સહિત બીજા 30 જેટલા કામદાર-આગેવાનો અને સામ્યવાદીઓની સરકારે ‘મેરઠ કાવતરા કાંડ’ હેઠળ ધરપકડ કરીને 1935 સુધી જેલમાં રાખ્યા. સરકારે સામ્યવાદી પક્ષને ગેરકાયદેસર જાહેર કર્યો હતો, તેમ છતાં જેલમાંથી છૂટ્યા પછી ડાંગે મુંબઈની કામદારપ્રવૃત્તિમાં ખૂંપેલા રહ્યા, તેથી 1939માં ફરી તેમને પકડવામાં આવ્યા. ચાર વર્ષની જેલની સજા પછી તેમને ફેબ્રુઆરી, 1943માં મુક્ત કરવામાં આવ્યા.

મે, 1943માં નાગપુર ખાતે ભરાયેલ  (ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ) એ.આઇ.ટી.યુ.સી.ના અધિવેશનમાં તેમને યશસ્વી કામદાર- પ્રવૃત્તિ માટે એ.આઇ.ટી.યુ.સી.ના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. ત્યાર પછી પણ તેઓ 1947, 1976 અને 1980માં તેના પ્રમુખ તરીકે ચૂંટાયા. જ્યારે 1954, 1957, 1961, 1966, 1970 તેમજ 1973માં તેના મહામંત્રી તરીકે તેમણે કામ કર્યું.

1943માં મુંબઈમાં ભરાયેલ ભારતીય સામ્યવાદી પક્ષ- (સી.પી.આઈ.)ના પ્રથમ અધિવેશનમાં તેમણે હાજરી આપી અને અખિલ હિંદ ખાણ કામદાર સંઘના પ્રમુખ ચૂંટાયા. 1944માં તેમણે લંડનમાં ટ્રેડ યુનિયન પરિષદમાં હાજરી આપી.

1945ના ઑક્ટોબરમાં પૅરિસમાં વિશ્વના કામદાર સંઘોના સંગઠન-ડબ્લ્યૂ.એફ.ટી.યુ. (world Federation of Trade Unions : WFTU)ની સ્થાપના થઈ તેમાં તે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યાર પછી આ સંગઠનના વિયેના (1953), લિપઝિગ (1957), વૉર્સો (1965), સોફિયા (1973) અને મૉસ્કો (1978) ખાતે ભરાયેલ અધિવેશનોમાં પણ તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ અધિવેશનોમાં તેમણે આપેલાં ભાષણો પુસ્તિકા રૂપે પ્રગટ કરવામાં આવ્યાં હતાં.

1946માં ડાંગે મુંબઈની વિધાનસભામાં ચૂંટાયા. અંગ્રેજી શાસન હેઠળના રૉયલ ઇન્ડિયન નેવીના સૈનિકોએ સરકાર સામે પોકારેલા બળવા(1946)ને ટેકો આપવા તેમણે મુંબઈની આમ જનતાને હડતાળની હાકલ કરી, તેનો ત્યાંની જનતાએ પ્રચંડ પ્રતિભાવ આપ્યો હતો.

1946-47 દરમિયાન તેમણે પૂર્વ યુરોપનો પ્રવાસ કર્યો અને પ્રમુખ ટીટોના તેઓ પ્રશંસક બન્યા. 1948ના એપ્રિલમાં કેન્દ્રસરકારે ભારતભરના અગ્રણી સામ્યવાદીઓની ધરપકડ કરી તે વખતે ડાંગેને પણ જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાં તેમણે પ્રાચીન ભારતના ઇતિહાસનું માર્કસવાદી ર્દષ્ટિકોણથી સમીક્ષા કરતું પુસ્તક, ‘ઇન્ડિયા ફ્રૉમ પ્રિમિટિવ કૉમ્યુનિઝમ ટુ સ્લેવરી’ લખ્યું; જે માર્ચ, 1949માં પ્રસિદ્ધ થયું. જુલાઈ, 1950માં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા, પરંતુ ફરીથી સરકાર તેમને  અટકાયતમાં લે તે પહેલાં તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને છૂપા વેશે સામ્યવાદી પક્ષના પ્રતિનિધિમંડળમાં જોડાઈ મૉસ્કો ગયા અને સ્ટેલિનને મળ્યા.

જુલાઈ, 1952માં તેમની ભારતનાં કામદાર-આંદોલનો અને મધ્યયુગના મરાઠી સાહિત્ય પર નોંધ અંગેની બે પુસ્તિકાઓ  પ્રગટ થઈ. 1954 દરમિયાન તેમની ‘ભારતીય ઇતિહાસના કેટલાક પશ્નો’ નામની પુસ્તિકા પ્રગટ થઈ. ઑગસ્ટ, 1955માં તેમણે ગોવાના મુક્તિસંગ્રામનું નેતૃત્વ લીધું. 1956માં તેમણે સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્યની રચના માટેની લડતની આગેવાની લીધી. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના પ્રમુખ ચૂંટાયા. મુંબઈ સરકારે તેમની ધરપકડ કરીને આઠ મહિના સુધી જેલમાં રાખ્યા.

1957માં બીજી લોકસભાની ચૂંટણીમાં તેઓ મધ્ય મુંબઈ મતવિસ્તારમાંથી સમગ્ર દેશમાં સૌથી વધુ મતે ચૂંટાયા. નવેમ્બર- 1960માં વિશ્વભરના સામ્યવાદી અને કામદાર પક્ષોની મૉસ્કોમાં મળેલી બીજી બેઠકમાં હાજરી આપી. એપ્રિલ, 1962માં દિલ્હીમાં મળેલ ભારતીય સામ્યવાદી પક્ષની  રાષ્ટ્રીય સમિતિએ પક્ષના અધ્યક્ષ તરીકે ડાંગેની વરણી કરી. ત્યાર પછી 1964 (મુંબઈ), 1968 (પટણા), 1971 (કોચીન) તથા 1978 (ભટિંડા)માં પણ તેમની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.

ઑક્ટોબર, 1962માં ભારત પરના ચીનના આક્રમણ વખતે તેમણે પંડિત નહેરુની નીતિને સંપૂર્ણ ટેકો આપ્યો. તેથી ભારતના સામ્યવાદી પક્ષમાં વિવાદ સર્જાયો અને પક્ષમાં ભંગાણ પડ્યું.

1967માં ચોથી લોકસભામાં તેઓ મુંબઈથી ચૂંટાયા હતા. 1972માં તેઓ બાંગ્લાદેશ, યુગોસ્લાવિયા અને ચીનની મુલાકાતે ગયા હતા. માર્ચ, 1973માં તેમણે વિયેટનામની મુલાકાત લીધી હતી. ઑક્ટોબર, 1974માં તેમને લેનિન ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.

માર્ચ, 1978 પછી તેમની શ્રીમતી ઇન્દિરા ગાંધીને ટેકો આપવાની નીતિ તથા રાષ્ટ્રની પરિસ્થિતિ અંગેના તેમના વિચારો અને વિશ્વ સામ્યવાદી આંદોલનના મૂલ્યાંકન અંગે સામ્યવાદી પક્ષના બીજા નેતાઓ સાથે ભારે મતભેદો શરૂ થયા. એપ્રિલ, 1981માં ડાંગેની કૉંગ્રેસતરફી નીતિ તથા તેમની પુત્રી અને જમાઈએ સ્થાપેલ ‘અખિલ ભારતીય સામ્યવાદી પક્ષ’(ઑલ ઇન્ડિયા કૉમ્યુનિસ્ટ પાર્ટી)ને ટેકો આપવા બદલ ભારતીય સામ્યવાદી પક્ષ (સી.પી. આઈ.)માંથી તેમને બરતરફ કરવામાં આવ્યા. 1લી મે, 1981ને દિવસે તેઓ આ નવા પક્ષના મહામંત્રીપદે ચૂંટાયા. પરિણામે 1982ના ફ્રેબ્રુઆરીમાં ક્યૂબાના પાટનગરમાં ભરાયેલ ડબ્લ્યૂ.એફ.-ટી.યુ.ના અધિવેશનમાં તેમને ઉપપ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા. તેવી જ રીતે ઑક્ટોબર, 1982માં બૅંગાલુરુ ખાતે મળેલ એ.આઈ.ટી.યુ.સી.ના અધિવેશનમાં તેમને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા.

1986ના ફેબ્રુઆરીમાં તે સમયના સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષમાં મહામંત્રીપદે આવેલા ગૉર્બાચૉવની ‘પુનર્નિમાણ’ અને ‘ખુલ્લાપણા’ની નીતિને ડાંગેએ ટેકો આપ્યો.

ઑક્ટોબર, 1986માં મુંબઈમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના મણિમહોત્સવ અધિવેશનમાં તેમને મરાઠી સાહિત્યમાં કરેલ પ્રદાન બદલ સુવર્ણચંદ્રક અને સન્માનપત્ર આપવામાં આવ્યાં. મે, 1989માં સાલેમ ખાતે ભરાયેલ ભારતની સંયુક્ત કૉમ્યુનિસ્ટ પાર્ટી(United Communist Party of India)ના રાષ્ટ્રીય અધિવેશનમાં તેમની પક્ષના ચૅરમૅન પદે વરણી કરવામાં આવી, પરંતુ માંદગીને કારણે તે આ અધિવેશનમાં હાજર રહી શક્યા ન હતા.

ડિસેમ્બર, 1989માં તેમની 90મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે  રાષ્ટ્રપ્રમુખ વેકંટરામનની ઉપસ્થિતિમાં જાહેર સમારંભ યોજવામાં આવ્યો હતો.

ડાહ્યાભાઈ નારણજી વશી