ડાંગ : ગુજરાતના બધા જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો 20°-33´ થી 21°-5´ ઉ. અ. અને 73°-28´ થી 73°-56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 59 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 50 કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ 1764 ચોકિમી. છે. જિલ્લામાં જિલ્લા મથક આહવા અને વઘઈ બે શહેરો અને 309 જેટલાં ગામો આવેલાં છે.

ડાંગ જિલ્લો

ડાંગની ઉત્તરે તાપી જિલ્લો, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યનો નાશિક જિલ્લો, પૂર્વ દિશાએ ખાનદેશનો ધૂળે જિલ્લો અને પશ્ચિમે નવસારી જિલ્લા આવેલા છે.

આખો જિલ્લો  ડુંગરાળ છે. પૂર્વ અને દક્ષિણ ભાગની ટેકરીઓ વધારે ઊંચી છે. પૂર્વ તરફનો સૌથી વધુ ઊંચો ડુંગર 1100 મી. ઊંચો છે. આ ડુંગરો સહ્યાદ્રિ કે પશ્ચિમઘાટના ફાંટા છે. આ પ્રદેશ તથા સમતલ પ્રદેશને બાદ કરતાં સમગ્ર પ્રદેશની ઊંચાઈ 300 મી.થી 700 મી. છે.

આ જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ગિરા, ઘોદહાડ અને સર્પગંગા મુખ્ય નદીઓ છે. સાલ્હેર પાસેના પીપલનેરના ડુંગરમાંથી નીકળતી પૂર્ણા 80 કિમી. લાંબી વહે છે. વ્યારા અને નવસારી તાલુકામાં થઈને તે અરબી સમુદ્રને મળે છે. દાવડની ટેકરીમાંથી નીકળી પીપલદહાડ વગેરે ત્રણેક ગામો પાસેથી પસાર થતી ઘોદહાડ લાવચલી પાસે પૂર્ણાને મળે છે.

ડાંગના જંગલમાંની કેન ટેકરીઓમાંથી નીકળી 64 કિમી. લાંબી અંબિકા રામભાસ અને વઘઈ પાસે થઈને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ખાપરી કંચનઘાટ ડુંગરની ભેગુ ખીણમાંથી નીકળી બોરબલ ગામ પાસે અંબિકાને મળે છે. ગિરા મહારાષ્ટ્રના મલંગદેવ ઓટા પાસેથી નીકળી સોનગઢ તાલુકામાં મીંઢોળાને મળે છે. સર્પગંગા પશ્ચિમઘાટમાંથી નીકળી સાપુતારા પાસે થઈને સર્પાકારે નાશિક જિલ્લામાં વહે છે. આ નદીઓનો પ્રવાહ ઝડપી છે અને તેમાં બારે માસ પાણી રહે છે.

ડાંગની આબોહવા ભેજવાળી તથા રોગિષ્ઠ છે. આ જિલ્લાનું ઉનાળાનું સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 36° સે. અને 24° સે. રહે છે. શિયાળામાં  જાન્યુઆરીમાં સરાસરી દૈનિક ગુરુતમ અને લઘુતમ તાપમાન 30° સે. અને 11° સે. રહે છે. પશ્ચિમથી પૂર્વ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટે છે. જિલ્લાનો સરાસરી વરસાદ 1988 મિમી. છે. જુલાઈ માસમાં મોસમના કુલ વરસાદના 50 % જેટલો વરસાદ પડે છે.

જિલ્લાની જમીન ડેક્કન ટ્રૅપની બનેલી છે. અહીં બેસાલ્ટ તથા કાળમીંઢ ખડકો જોવા મળે છે. ખીણની કાળી જમીન અને ઉચ્ચપ્રદેશની લાલ જમીન છે. જિલ્લાની કુલ 1,72,356 હેક્ટર જમીન છે.

આ જિલ્લામાં 1708 ચોકિમી.માં સૂકા અને લીલા ભેજવાળાં પર્ણપાતી જંગલો છે. તેમાં સાગ, સાદડ, કાકડ, સીસમ, કલમ, ખેર, હળદરવો, રોહીડો, કડા, બિયો, મહુડો, ઘામણ, આસન, આસોતરો, ગરમાળો વગેરે વૃક્ષો ને વાંસ છે. ડાંગમાં ઘણી વૈદકીય ઔષધિઓ મળે છે.

ડાંગમાં નાગલી, ડાંગર, જુવાર, વગેરે અનાજ અને તુવેર, અડદ, ચણા વગેરે કઠોળનું વાવેતર થાય છે. તેલીબિયાં પૈકી ખરસાણી તથા મગફળીનું વાવેતર પણ થાય છે.

ડાંગમાં પશુધનમાં ગાય અને બળદ, ભેંસ અને બકરાં મુખ્ય છે વધુ વરસાદને કારણે ઘાસ હલકા પ્રકારનું અને ઓછું પૌષ્ટિક હોય છે. જમીનનું ધોવાણ આ માટે કારણભૂત છે.

આ જિલ્લામાં કાળમીંઢ પથ્થર, ઈંટની માટી, મુરમ અને બેસાલ્ટની કપચી મુખ્ય ખનિજો છે.

જિલ્લાનાં બધાં ગામોને વીજળીનો લાભ મળે છે. અહીં સુતરાઉ કાપડ  અને લાકડું વહેરવાની મિલનો તેમાં સમાવેશ થાય છે. આ સિવાય હાર્ડવેર, તૈયાર કપડાં, મોટર-દુરસ્તી, બિસ્કિટ, બ્રેડ વગેરે ખાદ્યપદાર્થો, બાઇસિકલ રિપૅરિંગ, તેલઘાણી, આટામિલ વગેરે ગૃહ અને લઘુઉદ્યોગના સોએક એકમો છે. વઘઈ ખાતે સરકાર-સંચાલિત સાગ વગેરે લાકડાં વહેરવાની મિલો છે. ખરસાણીનું તેલ કાઢવાની ઘાણીઓ આહવામાં છે. માલેગાંવ,  વઘઈ અને પીપરી ખાતે ઔદ્યોગિક વસાહતોનો પ્ર્રારંભ થયો છે.

બીલીમોરાથી વઘઈ સુધી સાંકડા માપની રેલવે છે. આઝાદી પછી રસ્તાઓનો વિકાસ થયો છે. પાકા, જિલ્લા માર્ગો તથા ગ્રામવિસ્તારના માર્ગો છે.

જિલ્લાની વસ્તી 2,26,769 (2011) છે. ડાંગની વસ્તીના કુલ 60 % લોકો અક્ષરજ્ઞાન ધરાવતા હતા.

તેમની ભીલી ભાષા ગુજરાતીની એક બોલી છે. મહારાષ્ટ્રનાં સરહદનાં બારેક ગામડાંઓમાં મરાઠીની અસર જોવા મળે છે. તેઓ કણબી કે કુનબી મારફત ખેતી કરાવે છે. છોટુભાઈ નાયકના સ્વરાજ આશ્રમે તથા કીકીબહેન ભટ્ટની સંસ્થા દ્વારા આ પ્રદેશમાં શિક્ષણના પ્રચારનું ઘણું કામ થયું છે. આશ્રમશાળાની સ્થાપના  દ્વારા ઉદ્યોગ અને સમૂહજીવન જીવવાની તાલીમ લોકોને મળે છે. પૂર્ણિમાબહેન પકવાસાની આદિવાસી મહિલા તાલીમ સંસ્થા અહીં ઘણું સરસ કામ કરી રહી છે.

જિલ્લાની કુલ વસ્તી પૈકી મોટા ભાગના લોકો આદિવાસીઓ  છે. આ પ્રમાણ રાજ્યની કુલ આદિવાસી વસ્તીના 2.40 % જેટલું છે. આદિવાસીઓમાં  કણબી, ભીલ, વાર્લી, ગામીત, માવચી, વસાવા અને વાલ્વી મુખ્ય છે. કુંકણા, વાંસફોડા વગેરેની થોડી વસ્તી છે. ભીલો જમીનના માલિક છે. કણબી, વાર્લી અને માવચી પ્રજાજનો છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે.

ડાંગી લોકોનું આગવું  નૃત્ય અને સંગીત છે;  જે તેમના જીવ સાથે વણાઈ ગયું છે. સાપુતારાને ગિરિમથક તરીકે વિકસાવવામાં આવ્યું છે. વઘઈ ખાતે રાષ્ટ્રીય અભયારણ્ય ઊભું કરાયું છે.

ઇતિહાસ : ડાંગમાં 1825માં બ્રિટિશ હકૂમત સ્થપાઈ  તે પૂર્વે આ પ્રદેશ લગભગ સ્વતંત્ર હતો. સમગ્ર જિલ્લો ચાર ભીલ રાજાઓ અને દસ નાયકોને તાબે હતો. ઘણી વાર તેઓ ખાનદેશ, નાશિક અને ગુજરાતના  ગાયકવાડી પ્રદેશમાં લૂંટફાટ કરતા હતા. તેમનો નિર્વાહ આબકારી જકાત, જમીનમહેસૂલ, ચરાઈકર, હળવેરો વગેરેની આવક દ્વારા થતો હતો.

1842થી અંગ્રેજ સરકારે તેમનાં જંગલો તથા પ્રદેશનો વહીવટ સંભાળ્યો અને આ રાજાઓને પેન્શન કે સાલિયાણું  આપીને સ્થિર આવક દ્વારા તેમની લૂંટફાટની પ્રવૃત્તિને અંકુશમાં રાખી હતી. શરૂઆતમાં આ રાજાઓનો દરબાર ડાંગના ખરાબ હવામાનને કારણે ડાંગ  બહારના પ્રદેશમાં  ભરાતો  હતો. હવે આ દરબાર  આહવા ખાતે ભરાય છે. દરબારમાં રાજાઓ, કારભારી, રાજાના ભાઈબંધો અને સગાઓ હાજરી આપે છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન પોલિટિકલ એજન્ટ દ્વારા આવા દરબાર ભરાતા હતા. તેને આ રાજાઓ માન મળ્યું એમ ગણતા હતા. હાલ ક્લેક્ટર દ્વારા  આ દરબાર ભરાય છે. આ પ્રસંગે ખેતીવાડી તથા પશુપ્રદર્શન ભરાય છે તથા કારભારી, પટેલ  તથા અન્ય કર્મચારીઓને સારું કામ કરવા બદલ તલવાર, બંદૂક, સોનાની વીંટી તથા ચાંદીનાં ઘરેણાં ભેટ અપાય છે. આ રાજાઓ અને નાયકો અલ્પશિક્ષિત કે અભણ હોવાથી તેમનો વહીવટ તેમના કારભારી કરે છે. આ રાજાઓ તેમના મોભાનુસાર એક કરતાં વધારે સ્ત્રીઓ પરણે છે. રાજાઓનો મૂળ પોશાક જામો, ધોતિયું અને પાઘડી હતી, હવે જમાના મુજબ તેમાં ફેરફાર થયો છે. તેમની સ્ત્રીઓ કછોટો મારી સાડી અને ચોળી પહેરે  છે.

શિવપ્રસાદ રાજગોર