ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય

January, 2014

ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય (જ. 27 જુલાઈ 1914, અમદાવાદ; અ. ?) : સ્વતંત્રતાના આંદોલનમાં અને અમદાવાદના વિકાસગૃહમાં મહત્વનું યોગદાન આપનાર સંનિષ્ઠ સમાજસેવિકા. ભૂપતરાય ઠાકોર અને મંગળાગૌરીની આ પુત્રીનું બાળપણ ખાડિયા વિસ્તારની ઘાસીરામની પોળમાં વીત્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલનમાં સરઘસ, પ્રભાતફેરી અને સભાઓમાં ભાગ લઈને સરલાદેવી સારાભાઈ, મૃદુલાબહેન સારાભાઈ અને પુષ્પાબહેન મહેતાની રાહબરી હેઠળ દેશ માટે તેમણે કામ કર્યું અને જેલવાસ ભોગવ્યો. 1937માં હરિપુરા કૉંગ્રેસ અધિવેશનમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી. નશાબંધીના કાર્યમાં અને ‘હિંદ છોડો’ ચળવળમાં સક્રિય ભાગ ભજવ્યો. 1937માં મૃદુલાબહેન સારાભાઈ અને પુષ્પાબહેન મહેતાએ વિકાસગૃહની સ્થાપના કરી અને સુમિત્રાબહેન એમાં જોડાયાં. 1945માં જ્યોતિસંઘની કાર્યવાહક સમિતિ અને સ્કૂલ બૉર્ડનાં સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી. સમાજકલ્યાણ પ્રૉજેક્ટનાં ચૅરમૅન અને એસ. એલ. યુ. કૉલેજના સભ્યપદે રહી કાર્ય કર્યું. 1945માં જ્યોતિસંઘની કાર્યવાહક સમિતિમાં જોડાયાં અને 1947માં ગામડાંની બહેનોને સ્વાવલંબી કરવા અને એમનામાં જાગૃતિ લાવવા માટે પુષ્પાબહેન મહેતાએ સમસ્ત ગુજરાત સામાજિક સંસ્થા મધ્યસ્થ મંડળની સ્થાપના કરી, જેનાં મંત્રી તરીકે વર્ષો સુધી સુમિત્રાબહેને ધુરા સંભાળી. એકવડિયું શરીર, નાજુક બાંધો અને અંગ્રેજ શાસન સમયે બબ્બે વાર કારાવાસ ભોગવનાર સુમિત્રાબહેન ઠાકોરને માટે એમનું કામ અને એમનાં બાળકો જીવનમાં સૌથી વધુ મહત્વનાં હતાં. સમાજના કોઈ પણ ખૂણે દુ:ખી, નિરાધાર, ત્યક્તા કે લાચાર વિધવા સ્ત્રીને કે પછી અત્યાચાર-બળાત્કારથી પીડાતાં બાળકોને હૂંફ આપવા માટે સુમિત્રાબહેન સદૈવ તત્પર રહેતાં હતાં.

અનાથ, નિરાધાર સ્ત્રીઓ અને બાળકો માટે આશ્રયગૃહ સમા વિકાસગૃહની સમિતિમાં 1954માં મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી અને જીવનપર્યંત એમણે એ જવાબદારી પૂરા ખંત અને નિષ્ઠાથી સંભાળી. છેક 84 વર્ષની ઉંમરે પણ તેઓ સવારે 11.00ના ટકોરે વિકાસગૃહમાં પ્રવેશતાં અને સાંજે છ વાગ્યે ઘરભણી જતાં જોવા મળતાં. સ્વમાનભેર જીવવું અને સ્વમાનભેર હસતાં હસતાં કામ કરવું એ એમની વિશેષતા હતી. વિકાસગૃહમાં આવતી દુ:ખી, અનાથ કે નિરાધાર છોકરીઓને કે મહિલાઓને હૂંફ આપવાનું અને તેમના વ્યક્તિત્વના વિકાસનું કામ સુમિત્રાબહેને કર્યું.

1972માં સ્વાતંત્ર્યસૈનિક તરીકે એમને તામ્રપત્ર એનાયત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય સમાજકલ્યાણ વિભાગ તરફથી બાળકલ્યાણક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ માટે એમને ઍવૉર્ડ એનાયત થયો હતો. સમસ્ત ગુજરાત સામાજિક સંસ્થા મધ્યસ્થ મંડળ અને સમાજકલ્યાણ સલાહકાર બૉર્ડ તરફથી અભિવાદન પામેલાં સુમિત્રાબહેનને 1988માં અખિલ હિંદ મહિલા પરિષદ – ગુજરાત શાખા તરફથી લેડી વિદ્યાગૌરી નીલકંઠ સ્મૃતિ ચંદ્રક એનાયત થયો હતો.

1990માં જયાબહેન ઠાકોર સ્મૃતિ ઍવૉર્ડ જ્યોતિસંઘ દ્વારા એનાયત થયો. 1994માં લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 323 તરફથી સન્માન કરીને લાયન્સ વિઝન ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો. 1997માં ગુજરાત રાજ્ય તરફથી સ્વાતંત્ર્યસેનાની તરીકે તે સમયના મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે રજત ચંદ્રક એનાયત થયો અને એ જ વર્ષે 9મી ઑગસ્ટે મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી ફરી બીજી વાર સ્વાતંત્ર્યસેનાની તરીકે રજત ચંદ્રક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ અનેકવિધ સન્માનો મેળવનારાં સુમિત્રાબહેન એ બધાંથી નિર્લેપ રહી મૃત્યુપર્યંત નિ:સ્પૃહી અને સેવાવ્રતી સમાજસુધારક બની રહ્યાં.

પ્રીતિ શાહ