ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય

January, 2014

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય (જ. 22 જાન્યુઆરી 1902, ભરૂચ; અ. 23 ઑગસ્ટ 1990, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી કેળવણીકાર. પિતા શ્રીપતરાય અને માતા શિવગૌરીબહેનનાં નવ સંતાનોમાં છઠ્ઠા. મૅટ્રિક સુધીનું શિક્ષણ સૂરતમાં લઈ, 1919માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈ, 1923માં અંગ્રેજી અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.ની અને 1924માં રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની પદવીઓ મેળવી. 1929માં કીર્તિદાબહેન સાથે સાદાઈથી લગ્નગ્રંથિથી જોડાયા. 1940માં પુત્રી આશાબહેનનો જન્મ થયો.

ઠાકોરભાઈ શ્રીપતરાય ઠાકોર

1919ના ઉનાળુ વૅકેશનમાં ગંગાપુર સ્ટેશને ગાંધીજીને તેઓ સૌપ્રથમ મળ્યા ત્યારથી તેમના પર ગાંધીજીનો ઊંડો પ્રભાવ પડ્યો. નવેમ્બર, 1926માં અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં વિજ્ઞાનશિક્ષક તરીકે જોડાતી વખતે તેમણે ત્રણ સંકલ્પો લીધા હતા : (1) ખાનગી ટ્યૂશન કરવું નહિ, (2) શિક્ષણ ઉપરાંત સમાજોપયોગી બીજાં કાર્યો કરવાં, અને (3) સર્વ કાર્યવ્યવહારમાં ગાંધીજીના આદર્શો પ્રમાણે આચારશુદ્ધિ પાળવી. આ ત્રણેય સંકલ્પોનું સંપૂર્ણ પાલન તેમણે જિંદગીના અંતિમ શ્વાસ સુધી કર્યું હતું. 1939થી શાળા અને ટ્રસ્ટના સંચાલનની સીધી જવાબદારી આવી પડતાં, ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે તે સંભાળીને સંચાલનમાંથી 1980માં નિવૃત્તિ લીધી. ઉપરાંત વનિતા વિશ્રામ ટ્રસ્ટના મંત્રી તરીકે તેમજ સરખેજ કેળવણી મંડળના પ્રમુખ તરીકેની જવાબદારીઓ પણ તેમણે સારી રીતે ઉપાડી હતી. 1937માં અમદાવાદ માધ્યમિક શિક્ષક સંઘની સ્થાપના થતાં તેઓ પ્રથમ મંત્રી તરીકે જોડાયા; પછીનાં વર્ષોમાં આચાર્ય હોવા છતાં, શિક્ષકોના પશ્નો હલ કરવા માટે સરકારને જાગ્રત જેહાદ આપીને, ‘સર્વાંગી સલામતી બક્ષતો શિક્ષણ ધારો’ ઘડાવ્યો અને ‘ટ્રિબ્યૂનલ’ની રચના કરાવી. અમદાવાદ તેમજ બૃહદ ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે અનેક વર્ષો સુધી તેમણે મૂલ્યવાન સેવાઓ આપી.

શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. 1930માં અમદાવાદ શહેર કૉંગ્રેસમાં જોડાયેલા, ગાંધીજીએ બારડોલીમાં બોલાવેલી પચાસ જેટલા સભ્યોની સભામાં તેમણે કૉંગ્રેસના  પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. 1942માં ‘હિંદ છોડો’ની રાષ્ટ્રીય લડત વેળા તેમની ધરપકડ થતાં, સાબરમતી જેલમાં ‘સી’વર્ગના કેદી તરીકે તેમણે અગિયાર માસ ગાળ્યા હતા. જેલવાસ તેમને મન એક પ્રકારની ઘડતરપીઠ હતો.

1960ના દાયકામાં ‘ઠાકોરભાઈ પાંચમા’ (ઠાકોરભાઈ દેસાઈ ‘આઠમા’) તરીકે ગુજરાતભરમાં જાણીતા થઈ, રાજ્યસરકાર સામે  બાથ ભીડી. અંગ્રેજીનું શિક્ષણ પાંચમા ધોરણથી શરૂ કરાવવા વર્ષો સુધી ઝુંબેશ ઉપાડેલી. જોકે તેમની લડતને સફળતા નહીં મળી. આ પ્રશ્નને કારણે તેઓ કૉંગ્રેસથી અલગ થઈ ગયા.

તેઓ શિક્ષકધર્મી અને શિક્ષકકર્મી માનસ ધરાવતા સાહસિક અને એકલ કેડીના જીવનયાત્રી હતા.

જયંતીભાઈ હીરાલાલ શાહ