ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર

January, 2014

ઠાકર, ધીરુભાઈ પ્રેમશંકર (જ. 27 જૂન 1918, કોડીનાર, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર; અ. 24 જાન્યુઆરી 2014, અમદાવાદ) : ‘સવ્યસાચી’. વિવેચક–સંશોધક–સંપાદક અને નાટ્યવિદ. ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક. વતન વીરમગામ. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. પિતા તલાટી, વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો, પ્રાકૃતિક સૌંદર્યનો તથા સહાધ્યાયીઓ – શિક્ષકો વગેરેનો તેમજ તત્કાલીન સ્વાતંત્ર્યની ચળવળનો ઊંડો પ્રભાવ. તેમનું પ્રાથમિક શિક્ષણ કોડીનાર – ચાણસ્મામાં, માધ્યમિક ચાણસ્મા – સિદ્ધપુરમાં થયું. 1934માં સંસ્કૃત–વિજ્ઞાનમાં ડિસ્ટિંક્શન સાથે મૅટ્રિક; સૂરત–અમદાવાદ–મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ. 1938માં ‘ઓગણીસમી સદીની પશ્ચિમ ભારતની ધાર્મિક પ્રવૃત્તિઓ’ વિષય પરના નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીનું ‘નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક’ મેળવ્યું. ઉપરાંત કલકત્તા સંસ્કૃત ઍસોસિયેશનની સંસ્કૃતની પરીક્ષાઓ આપેલી. લગ્ન 1939માં ધનગૌરી (ધનુબહેન) સાથે. 1939માં ગુજરાતી (મુખ્ય) અને સંસ્કૃત સાથે બી.એ. (ઑનર્સ), 1941માં એમ.એ.. બી.એ. થયા બાદ 1940થી ગુજરાતી સાહિત્યના અધ્યાપનની કારકિર્દીનો પ્રારંભ તે 1978માં નિવૃત્ત થયા ત્યાં સુધી. દરમિયાન મુંબઈની ઍલ્ફિન્સ્ટન, ઇસ્માઇલ યૂસુફ તથા અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપન. મોડાસાની કૉલેજમાં તો અધ્યાપન ઉપરાંત સંસ્થાસંચાલનનીયે સફળ–ઉત્તમ કામગીરી. નિવૃત્તિ બાદ, અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના (1985) કરીને ‘ગુજરાતી વિશ્વકોશ’ના નિર્માણકાર્યમાં સફળ કર્ણધાર તરીકે મહત્વની જવાબદારી અદા કરી.

ધીરુભાઈ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં અનેક સાહિત્યિક–સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવતા રહેલા. યુનિવર્સિટીમાં વિવિધ અધિકારમંડળોમાં તેઓ સક્રિય રહેલા. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની સંગીત-નૃત્ય-નાટ્ય સમિતિ તથા લલિતકલા વિદ્યાશાખાના સભ્ય રહેલા. 1956થી 1971 સુધી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેની અનેક નાટ્યતાલીમ શિબિરોનું સુંદર સંચાલન કરેલું. ગુજરાત લેખક મિલનના મંત્રી પણ રહેલા. 1973માં ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ તથા 1980માં ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનમાં વિવેચનવિભાગના  પ્રમુખ થયેલા. તે વખતે એમણે ‘સાહિત્યિક ઇતિહાસ : સ્વરૂપ અને લેખનના કેટલાક મુદ્દાઓ’ એ મથાળે આપેલું વ્યાખ્યાન મનનીય છે. 2000–2001 દરમિયાન તેમની ગુજરાતી સાહિત્ય પરિષદના 40મા અધિવેશનના પ્રમુખ તરીકે વરણી થઈ હતી અને તે વખતે પ્રેરણાદાયી પ્રવચન આપેલું. ગુજરાત સાહિત્ય સભા તરફથી 1994નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયેલો. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી 1998નો સાહિત્યગોરવ – પુરસ્કાર, વિશ્વ ગુજરાત સમાજ તરફથી 1999નો ગુજરાત ગૌરવ-પુરસ્કાર, 2002માં વિદ્યાવિકાસ ટ્રસ્ટ – અમદાવાદ તરફથી સારસ્વત પુરસ્કાર, 2012માં મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી સાહિત્ય અકાદમી – મુંબઈ તરફથી વીર નર્મદ પુરસ્કાર તથા એ જ વર્ષમાં એશિયાટિક સોસાયટી ઑવ્ બૉમ્બે તરફથી ફેલોશિપ અને 2014માં ભારત સરકાર તરફથી ‘પદ્મભૂષણ’(મરણોત્તર)નું સન્માન પ્રાપ્ત થયાં; જે શિક્ષણ તેમ જ સાહિત્યની તેમની બહુમૂલ્ય સેવા પ્રત્યેની વ્યાપક સામાજિક ગુણજ્ઞતાના સંકેતરૂપ છે.

ધીરુભાઈ ઠાકર

ધીરુભાઈએ 1942માં ‘ગણધરવાદ’ નામના અને તે પછી 1947માં ‘નિહનવવાદ’ નામક પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોના અંગ્રેજીમાં અનુવાદ આપીને એમની કલમના શ્રીગણેશ માંડ્યા. 1946થી જયન્તી દલાલના ‘રેખા’માં ‘ર્દષ્ટિક્ષેપ’ શીર્ષકથી ગ્રંથાવલોકનો આપવાનું શરૂ કરેલું. ત્યારથી ગુજરાતી સાહિત્યનું અધ્યયન–અધ્યાપન અને નાટ્યપ્રવૃત્તિનું સંચાલન કરતાં કરતાં તેઓ સાહિત્યક્ષેત્રે સર્જન, વિવેચન, અનુવાદ અને સંપાદનક્ષેત્રે ગણનાપાત્ર અર્પણ કરતા રહ્યા હતા.

ધીરુભાઈએ 1953માં રામનારાયણ વિ. પાઠકના માર્ગદર્શન હેઠળ મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન અને સાહિત્યના સંશોધનાત્મક અધ્યયનના ફલસ્વરૂપે આપેલો મહાનિબંધ (‘મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના’ : 1956), પંડિત સુખલાલજી કહે છે તેમ, ‘સર્વાંગીણ સંશોધનર્દષ્ટિ તથા તટસ્થ સમાલોચના’ને કારણે ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ મહાનિબંધોમાં સ્થાન પામ્યો છે. વળી તેમણે મણિલાલ ન. દ્વિવેદીના સાહિત્યના જતન–સંપાદનની પ્રશસ્ય કામગીરી કરતાં ‘મણિલાલની વિચારધારા’ (1948), ‘મણિલાલના ત્રણ લેખો’ (1948), ‘કાન્તા’ (1954), ‘નૃસિંહાવતાર’ (1955), ‘આત્મનિમજ્જન’ (1959), ‘પ્રાણવિનિમય’ (1968), ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’ (1979) અને ‘સિદ્ધાંતસારનું અવલોકન’ (2004) – એ ગ્રંથો આપ્યા; અને એ રીતે પંડિતયુગના એક સમર્થ ચિંતક અને ગદ્યસ્વામીની સારસ્વતપ્રતિભાનું સુ-દર્શન સૌને કરાવ્યું.

ગુજરાતી સાહિત્યમાં વ્યક્તિગત રીતે ઇતિહાસલેખનના જે સત્પ્રયત્નો થયા એમાં કૃષ્ણલાલ ઝવેરી, કનૈયાલાલ મુનશી, વિજયરાય વૈદ્ય અને અનંતરાય રાવળ પછી, ધીરુભાઈનો ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ના ખંડ–1 (1956) અને ખંડ–2 (1966) પ્રસિદ્ધ થયેલા તે પછી તેની અનેક આવૃત્તિઓ થયા બાદ 1994–95માં પાંચ ભાગમાં તેનું નવું સંસ્કરણ પ્રકાશિત થયેલું છે. ગુજરાતી સાહિત્યના તેમના ઊંડા, વ્યાપક ને નિષ્ઠાભર્યા અધ્યયનનો તે સબળ સંકેત આપે છે. ધીરુભાઈએ ‘રસ અને રુચિ’ (1963), ‘સાંપ્રત સાહિત્ય’ (1968), ‘પ્રતિભાવ’ (1972), ‘વિક્ષેપ’ (1973), ‘વિભાવિતમ્’ (1983), ‘મણિલાલ નભુભાઈ’ (1980), [‘Manilal Dvivedi’ (1983)], ‘નાટ્યકળા’ (1985) ‘અભિજ્ઞાન’ (1992) ‘શબ્દ અને સંસ્કૃતિ’ (2002), ‘શબ્દનું સખ્ય’ (2007), ‘કેટલાક સાહિત્યિક વિવાદો’ (2011) તથા ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ (2012) જેવા ગ્રંથોમાં એમની સહૃદયધર્મી સમતોલ વિવેચનર્દષ્ટિનો પરિચય આપ્યો છે. સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યપ્રકારો અને સાહિત્યિક મુદ્દાઓ કે સમસ્યાઓને અનુલક્ષીને તેમણે જે વિવેચનલેખો આપ્યા છે તે તેમની સાહિત્યપદાર્થની પરિપક્વ સૂઝસમજ તથા ર્દષ્ટિપૂત–સંયમપૂત વિશદ રજૂઆતરીતિનો સચોટ ખ્યાલ આપે છે. ‘શબ્દશ્રી’(1980)માં ધીરુભાઈના કેટલાક વિવેચનલેખોની સાથે તેમના વ્યક્તિત્વનાં વિલોકન રજૂ થયાં છે.

‘સવ્યસાચી’ ઉપનામે ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ની કટાર (1960–1966) દ્વારા સાંપડેલા ‘રંગ કસુંબી’ (1963), ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’ (1970), ‘શબ્દમાધુરી’ (1991) અને ‘સંસ્કારમાધુરી’ (1991) ગ્રંથો સાહિત્યપદાર્થનો રસમય ને સંસ્કારોદબોધક સાક્ષાત્કાર કરવામાં ઉપયોગી છે.

ધીરુભાઈ ઇંગ્લૅન્ડ – યુરોપ તથા અમેરિકાના પ્રવાસને આવરી લેતી વિદ્યાયાત્રા–પ્રવાસકથા ‘સફર સો દિવસની’ (1979)માં પાશ્ચાત્ય દેશોમાં શિક્ષણ, નાટ્યપ્રવૃત્તિ તથા સંસ્કારજીવન વગેરેની કેવી પરિસ્થિતિ કે તાસીર છે તેનું રોચક શૈલીમાં અલપઝલપ દર્શન કરાવી રહે છે.

મણિલાલ નભુભાઈના જીવનવૃત્તાંત પર અવલંબિત દીર્ઘ નાટક ‘ઊંચો પર્વત, ઊંડી ખીણ’(1993) ગુજરાતીનાં કેટલાંક નોંધપાત્ર ચરિત્રનાટકોમાં સમાવેશ પામ્યું છે. આ પહેલાં તેમણે ‘મણિલાલ નભુભાઈ : જીવનરંગ’ (1958) એ નામે એમનું જીવનચરિત્ર પણ આપેલું. ધીરુભાઈએ ‘પરંપરા અને પ્રગતિ’ (1980)માં જાણીતા ઉદ્યોગપતિ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈનું જીવનચરિત્ર આપતાં તત્કાલીન ગુજરાતનું સંસ્કારચિત્ર પણ આપ્યું છે. આ ત્રણે પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે; તો ‘સ્મરણમાધુરી’માં તેમણે સરળપ્રવાહી શૈલીમાં પોતાના જીવનઘડતર ને વિકાસનાં કેટલાંક સંસ્મરણો રજૂ કર્યાં છે.

આ ઉપરાંત ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’ (1956) અને ‘ગૌતમ બુદ્ધ’ (1966) અનૂદિત ગ્રંથો છે. તેમણે કરેલાં સંપાદનોમાં ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’ (1970) અને ‘મારી હકીકત’ (1983) મુખ્ય છે. તેમણે અન્યના સહકારમાં ‘ગ્રંથ અને ગ્રંથકાર’ (પુ. 10) (1952), ‘આપણાં ખંડકાવ્યો’ (1958), ‘ચંદ્રહાસ આખ્યાન’ (1961) તથા ‘કાવ્યસંચય–2’ (1981) જેવાં સંપાદનો આપ્યાં છે. તેમણે શિષ્ટ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થયેલ લેખોની અભ્યાસોપયોગી સૂચિ અને ટિપ્પણી ધરાવતા ગ્રંથો આપવાની પહેલ કરી છે. ‘સુદર્શન અને પ્રિયંવદા’ ગુજરાત યુનિવર્સિટીની સહાયથી અને ‘જ્ઞાનસુધા’ તથા ‘સમાલોચક’ ગુજરાત સાહિત્ય અકાદમીની ફેલોશિપના ફળસ્વરૂપે તૈયાર થયેલા એ પ્રકારના ગ્રંથો છે. એ રીતે તેમણે ગુજરાતી ‘અભિનેય નાટકો’ની વસ્તુપાત્રાદિ વિગતો સહિત સૂચિ તૈયાર કરેલી તે વડોદરાની મ. સ. યુનિવર્સિટી તરફથી 1958માં પ્રગટ થયેલી. એ પુસ્તક પણ તે પ્રકારનું આગવું ગણાય તેવું કાર્ય છે. આયુષ્યના અવશેષે એમણે ગુજરાતી ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવાની ભગીરથ જવાબદારી ઉપાડી અને તે સફળતાથી પાર પાડી. તેના પરિણામસ્વરૂપે ‘ગુજરાતી વિશ્વકોશ’નો ભૂમિકાખંડ (1987) તથા તે પછીના એકથી પચીસ ખંડ (1987, 1989 – 2009) પ્રકાશિત થયા છે. આ પ્રકારે અન્ય કોશગ્રંથોનું કામ એમના ર્દષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ પછીથી ચાલતું રહ્યું છે.

ચન્દ્રકાન્ત શેઠ