ટોડા : કર્ણાટક રાજ્યની નીલગિરિની પહાડીઓમાં વસતી આદિવાસી જાતિ. તે અંશત: નિગ્રિટો લક્ષણો ધરાવે છે. તે દ્રવિડભાષી છે. અલ્પ વસ્તી ધરાવતી આ આદિવાસી જાતિનો પશુપાલન મુખ્ય વ્યવસાય છે. દંતકથા અનુસાર દેવી તિથાર્કિજીએ વિશ્વની અને સાથોસાથ ભેંસ તથા તેના પૂછડે લટકતા માણસની રચના કરી છે. આ માણસ ટોડા હતો. ત્યાંના પુરુષો 162.56 અને સ્ત્રીઓ 154.94 સેમી. ઊંચાઈવાળાં, તાંબા જેવો વર્ણ ધરાવતાં હોય છે. બંને એક જ પ્રકારનું પુટકુલી નામનું  વસ્ત્ર પહેરે છે. વસ્ત્ર પર સ્ત્રીઓ સુંદર ભરતકામ કરે છે. સ્ત્રીઓ હાથેપગે છૂંદણાં છૂંદાવે છે અને ચાંદીનાં ઘરેણાં પહેરે છે.

તેઓ નાનાં નાનાં, ઘાસના અર્ધગોળાકાર છાપરાવાળા અને પથ્થર તથા માટીની દીવાલવાળાં, નાનાં પ્રવેશદ્વાર ધરાવતાં ઘરમાં રહે છે. ઘરના ઝૂમખામાં  એક શંકુ આકારનું ઘાસના છાપરાવાળું ઘર હોય છે જેમાં ભેંસોનું દૂધ રાખવામાં આવે છે. આવા દૂધઘર માટે એક ખાસ પૂજારીને નીમવામાં આવે છે.

ટોડા રહેઠાણ

ટોડા તારથોલ અને તાઇનલિયોલ – એવા બે જૂથમાં વહેંચાયેલા છે. તારથોલ પોતાને ઊંચા માને છે. તેમની પાસે દૂધશાળા અને ભેંસોનો ઉછેર છે, જ્યારે તાઇનલિયોલ ત્યાંની દૂધશાળામાં પૂજારી તરીકેની કામગીરી બજાવે છે. બંને જૂથો વચ્ચે લગ્નનો નિષેધ છે પરંતુ જાતીય સંબંધોની મોકળાશ હોય છે. દરેક અંતજૂથ લગ્નસંબંધો તથા ગોત્રબહિર્લગ્નપ્રથા ધરાવે છે. મામા કે ફોઈની કન્યાને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. બાળલગ્નો થાય છે. પરંતુ કન્યા પુખ્ત વયની થયા પછી જ કોઈ પણ સશક્ત પુરુષ સાથે જાતીય સંબંધ કરાવ્યા પછી અન્ય સાથે જાતીય સંબંધ બાંધવાની તેને મોકળાશ મળે છે. તેઓ પિતૃસત્તાક, પિતૃવંશીય, પિતૃસ્થાની કુટુંબવ્યવસ્થા ધરાવે છે. તેઓ ભ્રાતૃ બહુપતિ તથા અભ્રાતૃ બહુપતિ એમ બંને લગ્નપ્રકારો ધરાવે છે. સ્ત્રીસંગ માટે જે પતિ ઘરના ઓટલા પર લાકડી અને પુટકુલ વસ્ત્ર મૂકે તેને તક પ્રાપ્ત થાય છે.

સંતાનો વિધિસર લગ્નથી થનાર પતિના નામે ગણાય છે., પરંતુ અન્ય પતિ બાળકનું પિતૃત્વ ઇચ્છે તો ‘પુરસુત પિમિ’ની વિધિ કરવામાં આવે છે. તેમાં પુરુષે જાહેરમાં ચાર-પાંચ માસની સગર્ભા સ્ત્રીને તીર કામઠું આપવાનું હોય છે. આમ જૈવકીય પિતૃત્વ સાથે સામાજિક પિતૃત્વનું મહત્વ પણ આ જાતિમાં સ્વીકારાયેલું છે. એકંદરે સ્ત્રીનો સામાજિક દરજ્જો નીચો છે. સ્ત્રીને દૂધશાળામાં તથા ધાર્મિક સ્થાનોએ પ્રવેશનો નિષેધ હોય છે. જૂના જમાનામાં સ્ત્રીસંતાનની બાળહત્યા થતી હતી.

છેક અંગ્રેજ અમલથી તેમને ખેતી તરફ વાળવાનો પ્રયત્ન થતાં કંઈક અંશે બટાકાની ખેતી શરૂ થઈ છે. તેમનું  સમગ્ર અર્થતંત્ર અને સમાજજીવન પશુપાલન પર આધારિત છે. ભેંસો ચરાવવી, દૂધ, માખણ, છાશ અને ઘી વેચવું તે જીવન છે. ભેંસો દૈવિક સંપત્તિ મનાય છે. વધુ ભેંસવાળો વધુ ધનવાન મનાય છે.

તેઓ જાદુ-મંત્ર વગેરેમાં માને છે. ગર્ભવતી સ્ત્રી તે વિસ્તારની ‘પૈકારા નદી’ ઓળંગી શકતી નથી; અન્યથા ગર્ભને અપશુકન થાય છે. ‘કડૂતલ’ ચંદ્ર–સૂર્યની ઉપાસના કરે છે. તેમનો ધાર્મિક વડો પલાસ તરીકે ઓળખાય છે. મરનારને બાળવામાં આવે છે. સ્ત્રી અને પુરુષના દાહસંસ્કારનાં સ્થળ જુદાં રાખવામાં આવે છે. લગ્નવિધિ કર્યા પછી મૃત કુંવારાનો દાહસંસ્કાર થાય છે. દાહસંસ્કાર વખતે ભેંસોનો  બલિ અપાય છે. જેટલી ભેંસોનો બલિ અપાય તેટલી વધુ ભેંસો નવા જન્મમાં પ્રાપ્ત થાય છે તેવી તેમની માન્યતા છે.

ધીમે ધીમે તેમની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. આ જાતિ પર સૌપ્રથમ અને આધારભૂત કામ કરનાર ડબલ્યૂ. એચ. રિવર્સે છે. તેમનો ‘ધ ટોડાઝ’ ગ્રંથ 1906માં પ્રકાશિત થયો હતો.

અરવિંદ ભટ્ટ