ટોચનો કોહવારો : છોડ કે વનસ્પતિના ટોચના કુમળા ભાગ અથવા પાનની ટોચ પર થતો સડો. તે બૅક્ટેરિયા ફૂગ, વિષાણુ વગેરેના આક્રમણથી  ઉત્પન્ન થતો રોગ છે. આ રોગથી પીડિત વનસ્પતિની ટોચની કૂંપળોનાં કોષ અને પેશી મૃત્યુ પામતાં પેશીઓ પોચી થઈ કોહી જાય છે અને ટોચની કૂંપળો રોગિષ્ઠ થતાં સડી જાય છે અને મૃત્યુ પામે છે. મુખ્યત્વે બૅક્ટેરિયા કૂંપળ કે નવા પાનની ટોચ પર આક્રમણ કરતાં ટોચની પેશીઓ પોચી થઈ સડી જાય છે. આવા છોડની વૃદ્ધિ અટકી જાય છે અને તે બટકા રહે છે. કેટલાક છોડમાં રોગિષ્ઠ ડાળીના નીચેના ભાગમાંથી નવી કૂંપળો નીકળે છે. રોગને અનુકૂળ વાતાવરણ મળી રહે તો નવી કૂંપળો પણ રોગિષ્ઠ  થઈ સડીને મરી જાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ