ટેવ (habit) : શિક્ષણપ્રક્રિયાના પરિણામ રૂપે અથવા અન્યથા પુન: પુન: કરવા રૂપે થતું વર્તન. શિક્ષણ, કેળવણી કે તાલીમને લીધે જીવંત પ્રાણીનું વર્તન પ્રમાણમાં વધારે યાંત્રિક, સ્થિર અને નિયમિત બનતું જણાય છે. વર્તન ટેવનું સ્વરૂપ ધારણ કરે છે. માલિકનાં પગલાં સાંભળી પૂંછડી પટપટાવતો કૂતરો, રોજ સવારે જાગીને ઘડિયાળને અચૂક ચાવી આપતો ગૃહસ્થી, લગભગ નિર્ધારિત સમયે ગમે તેમ કરીને દારૂ કે કેફી દ્રવ્યો મેળવવા તડપતો વ્યસની – આ બધાં ટેવનાં ઉદાહરણો છે.

ટેવને શાસ્ત્રીય ર્દષ્ટિએ સમજવા માટે તેનો વિસ્તૃત અર્થ ધ્યાનમાં લેવાય છે. ‘ડિક્શનરી ઑવ્ સાઇકૉલૉજી’માં જે. પી. ચૅપ્લિન ‘ટેવ’ શબ્દને  પાંચ અર્થમાં ઘટાવે છે : (1) શીખેલી પ્રતિક્રિયા, (2) પ્રવૃત્તિ કે જે લાંબા ગાળાની તાલીમને લીધે પ્રમાણમાં વધારે આપોઆપ કે સ્વયંપ્રેરિત બની હોય, (3) વિચાર કે મનોવલણનો પ્રમાણમાં વધારે સ્થિર થઈ ગયેલો ઢાંચો (pattern), (4) લાક્ષણિક વર્તન કે ખાસિયત, (5) કેફી દ્રવ્ય માટેની તડપ જેવી પેદા કરાયેલી જરૂરિયાત. વિખ્યાત મનોવિજ્ઞાની તથા તત્વજ્ઞાની વિલિયમ જેમ્સ (1842–1910), ડૉ. કાર્પેન્ટર, ડૉ. મોડસલી અને ડ્યુમૉએ ટેવની શરીરલક્ષી, મનોવૈજ્ઞાનિક અને તાત્વિક છણાવટ કરી છે. પદાર્થો તથા યંત્રોનો વારંવાર ઉપયોગ થતાં તેની કાર્યવહી વધારે સરળ બનતી હોય છે, તેનું જડત્વ ઘટતું હોય છે. આ વિગતોને લક્ષમાં લેનાર મનોવિજ્ઞાની પદાર્થોમાં પણ ટેવનું વલણ કે લક્ષણ હોવાનું મંતવ્ય ધરાવે છે; છતાં એકંદરે, જીવંત પ્રાણીના વર્તનના સંદર્ભમાં ટેવનો ખ્યાલ વધુ સ્વીકૃત બન્યો છે.

ટેવના બંધારણ(formation)ને અને ઘડતરને સમજવા માટે વિવિધ પ્રયાસો થયા છે. જીવંત પ્રાણીનું જે વર્તન પુનરાવર્તન પામે તેની જ્ઞાનતંતુઓ કે તેમની રચના ઉપર ર્દઢ અસર પડે છે. આવું વર્તન ટેવમાં પરિણમે છે. મનુષ્યના વર્તનની અસર ઇંદ્રિયો દ્વારા ઝિલાઈને જ્ઞાનતંતુ દ્વારા મગજ સુધી પહોંચે છે. શરીરનાં સ્નાયુ, જ્ઞાનતંતુ, મસ્તિષ્ક છાલ (cortex) કે મગજ ઉપર પડેલી અસરો સંગ્રહ પામતી હોય છે. અસરોના ધારણ (retention) વગર ટેવરૂપ વર્તન શક્ય બને નહિ. ધારણ પામેલી અસરો યોગ્ય ઉદ્દીપનની હાજરીમાં ટેવરૂપ પ્રતિક્રિયાના સ્વરૂપે વ્યક્ત થાય છે. કોઈ નિવૃત્ત સૈનિક ‘ઍટેન્શન’ શબ્દ ર્દઢ અવાજે એકાએક બોલાયેલો સાંભળી હાથમાંથી વસ્તુઓ છોડી ટટ્ટાર ઊભો રહી જાય તેમ બને !

ટેવના બંધારણનો કે તેની રચનાનો અભ્યાસ કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કોઈ પણ ટેવરૂપ વર્તન નાના ઘટકોનું સુગ્રથિત સંયોજન હોય છે. સવારે ઊઠીને ફરવા જવાની ટેવમાં નિયમિત સમયે ઊઠવું, નિર્ધારિત સમયે તૈયાર થઈ ઘરની બહાર નીકળવું, અમુક જ પ્રકારનાં કપડાં તથા બૂટ-મોજાં પહેરવાં, માર્ગમાં પોતાની લાક્ષણિક રીતે ચાલવું, નક્કી કરેલા સમયે પાછા ફરવું વગેરે નાનીમોટી બાબતોનો સમન્વય થયેલો હોય છે. ટાઇપરાઇટિંગ કરવું હોય કે કમ્પ્યૂટરની કરામત શીખવી હોય, વાહન ચલાવતાં શીખવું હોય કે તરતાં શીખવું હોય, આવાં કોઈ પણ કાર્યોને શીખી ટેવમાં પલટવા માટે તેના નાના ઘટકોના સુગ્રથિત સંયોજનને લક્ષમાં લેવું પડે છે.

ટેવના બંધારણને સમજવામાં ઇવાન પાવલોવ(1849–1936)ના ‘અભિસંધિત પ્રતિક્રિયા’(conditioned response)ના સિદ્ધાંતે નોંધપાત્ર ફાળો આપ્યો છે. રશિયન વિજ્ઞાની પાવલોવે કૂતરા ઉપર સંખ્યાબંધ પ્રયોગો કરીને દર્શાવ્યું કે ‘ખોરાક ભરેલી રકાબી’ જોઈ કૂતરાની જીભ ઉપર લાળ ઝરતી. ‘ખોરાક’ ઉદ્દીપક (stimulus) સાથે ‘લાળ ઝરવાની’ પ્રતિક્રિયા થતી તે સમયે ચીપિયાનો અવાજ કે વિદ્યુતઘંટડીનો રણકાર કે વિદ્યુત-ગોળાનો પ્રકાશ, આવા કોઈ એક ઉદ્દીપકને રજૂ કરાતું. થોડા પ્રયાસો પછી જણાયું કે ‘ખોરાક’થી પેદા થતી લાળ ઝરવાની પ્રતિક્રિયા, ખોરાક સાથે રજૂ થયેલા કોઈ એક ઉદ્દીપક દ્વારા પણ પેદા થતી હતી ! આમ, મૂળ ઉદ્દીપક સાથે જોડાયેલી પ્રતિક્રિયા તે ઉદ્દીપક સાથે રજૂ થતા અન્ય ઉદ્દીપકની હાજરીથી પેદા થાય છે. આવી પ્રક્રિયાને ‘અભિસંધિત પ્રતિક્રિયા’ કહે છે. દરેક ટેવના પાયામાં શિક્ષણપ્રક્રિયા રહેલી હોવાથી ટેવના બંધારણને સમજવા પાવલોવનો ‘અભિસંધિત પ્રતિક્રિયા’નો સિદ્ધાંત ઉપયોગી નીવડે છે.

અમેરિકાના વિખ્યાત મનોવિજ્ઞાની બુરહસ એફ. સ્કિનરે (1904–1990) કારક કે ક્રિયાત્મક અભિસંધાન(operant conditioning)નો સિદ્ધાંત રજૂ કર્યો. તેણે પ્રતિક્રિયાના દરને વધારવામાં સજા શો ભાગ ભજવે છે તેનો પ્રાયોગિક અભ્યાસ કર્યો. આવા અભ્યાસનાં તારતમ્યો ટેવના ઘડતરને સમજવામાં ઉપયોગી નીવડ્યાં છે. મનોવિજ્ઞાની હલ ટેવની ર્દઢતા કે તાકાત માટે પ્રબલનની સંખ્યા, પ્રબલનનો જથ્થો, ઉદ્દીપક અને પ્રતિક્રિયા તથા પ્રતિક્રિયા અને પ્રબલન વચ્ચેનો સમયગાળો વગેરે ઘટકોને જવાબદાર માને છે. ટેવરૂપ વર્તનના બંધારણમાં સંવેદના, સ્નાયુ અને મજ્જાના ઘટકો ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરિબળો મહત્વનાં છે. મનોવૈજ્ઞાનિક પ્રેરક બળો જેવાં કે પ્રેમ, સ્નેહ, સહાનુભૂતિ, આત્મગૌરવ તથા હર્ષ, શોક, સુખ, દુ:ખ જેવી લાગણી અને આવેગો વગેરે કેટલાય ઘટકો ટેવના બંધારણ માટે જવાબદાર બને છે.

કેફી દ્રવ્યો કે ઔષધોના બંધાણીની ટેવોના અભ્યાસી નિષ્ણાતો રાસાયણિક ઘટકોને નોંધપાત્ર ગણે છે. તેઓ ટૅનિન, કૅફીન, આલ્કોહૉલ, અફીણ, ગાંજો, હૅરોઇન વગેરે દ્રવ્યોના રાસાયણિક બંધારણને તેની ટેવ પડવા માટે જવાબદાર ગણે છે. માનવીના દેહનું રાસાયણિક માળખું અને તેની સમતુલા–અસમતુલા ટેવરૂપ વર્તન માટે કારણરૂપ બની શકે છે.

અસાધારણ કે વિકૃત વર્તનના સંદર્ભમાં ટેવની ચર્ચા થઈ છે. વિચ્છિન્ન ચિત્તવિકૃતિ(schizophrenia)ના કોઈ દરદીઓ પ્રૌઢ હોવા છતાં તેમનામાં બાલ્યાવસ્થાનું ટેવરૂપ વર્તન આધિપત્ય ધરાવતું જણાય છે. અનિવાર્ય મનદ્બાણ તથા ક્રિયાદ્બાણના દરદીની વિચારપ્રક્રિયા તથા વર્તનમાં ટેવનાં અતિશયોક્તિભર્યાં વલણો જણાઈ આવે છે.

ડૉ. કાર્પેન્ટર, વિલિયમ જેમ્સ વગેરેના મંતવ્ય પ્રમાણે માનવીના શરીર તથા મનમાં ટેવ પડવાનું વલણ ના હોત તો તેનું રોજિંદું જીવન મુશ્કેલ બની જાત. સમય અને શક્તિનો એટલો બધો વ્યય થાત કે જીવંત પ્રાણી માટે આત્મરક્ષા તથા જૂથરક્ષા લગભગ અસંભવિત બની જાત. તેથી પ્રોફેસર બેઇન અને વિલિયમ જેમ્સ સુટેવ પાડવા કે કુટેવ દૂર કરવા પાયાના સિદ્ધાંતો કે સૂચનો દર્શાવે છે : (1) નવી ટેવ પાડવા કે જૂની ટેવ દૂર કરવા મનને નિશ્ચિત કે ઢ રાખી શરૂઆત કરવી, (2) નવી ટેવ ર્દઢ થાય નહિ ત્યાં સુધી તેની સાથે જોડાયેલા વર્તનમાં અપવાદ  રાખવો નહિ અને (3) નવી ટેવ કે નવા નિશ્ચય સાથે જોડાયેલી ભાવનાઓને બને તેટલી વહેલી તકે વર્તનમાં પલટવી. ભાવનાઓ વર્તનમાં પરિવર્તન પામે નહિ તો નવી ટેવ કે નિશ્ર્ચય ફલિત થઈ શકે નહિ અને લાંબો સમય ટકી શકે નહિ.

માનવી ટેવનો શારીરિક, માનસિક અને તાત્વિક ર્દષ્ટિએ અભ્યાસ કરી અનુકૂલનની સમસ્યાઓ ઉકેલવાની તકોમાં વધારો કરી શકે છે. તે ટેવ દ્વારા જીવનને કેળવી કૌશલ્ય કે નિપુણતામાં વધારો કરી શકે છે. વિચાર, મનોવલણો તથા સંકલ્પને તેમનાથી નવો વળાંક મળી શકે છે.

રજનીકાન્ત પટેલ