ટેલ ઑવ્ જેન્જી, ધ (1022) : જાપાની નવલકથા. જાપાની ભાષાનું શીર્ષક ‘જેન્જી જોનો ગાતરી’. તેનાં લેખિકા લેડી મુરાસાકી શિકાબૂ(974-1031)એ નવલકથાને પ્રાકૃતિક સૌંદર્ય અને માનવહૃદયની સંવેદનશીલતાના નિરૂપણથી અમર બનાવી દીધી છે. નવલકથાનું સર્જન અગિયારમી સદીમાં જાપાનમાં પ્રચલિત આલંકારિક શૈલીમાં થયેલું છે. આ નવલકથાને તે જમાનાના સમાજજીવનની ઝાંખી કરાવતી દસ્તાવેજી કૃતિ તરીકે લેખી શકાય. સૈકાઓ પછી પણ વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓમાં તે આગવું સ્થાન ધરાવે છે. વિશ્વસાહિત્યમાં તેને  સૌથી પ્રાચીન દીર્ઘ નવલકથા અને જાપાની સાહિત્યની સર્વોત્તમ કૃતિ લેખવામાં આવે છે.

દસમી સદીના રાજકુમાર જેન્જીના તેની પ્રેમિકાઓ સાથેના પ્રણયકિસ્સા આ નવલકથાનું કથાવસ્તુ છે. નવલકથામાં શાહી કુટુંબની સ્ત્રીઓનાં દમામ અને વ્યથાનું સૂક્ષ્મ નિરૂપણ છે, પરંતુ કથા આગળ વધતી જાય છે તેમ તેમ ભગવાન બુદ્ધે પ્રબોધેલ શૂન્યવાદનું તત્વજ્ઞાન અને જગતના મિથ્યા આડંબરનું કલાત્મક નિરૂપણ  કૃતિને વિશિષ્ટતા અર્પે છે.

જાપાનના અગ્રણી નવલકથાકાર તાનાઝાકી જૂનીશિરો (1886-1965)એ 1930થી આ પ્રશિષ્ટ કૃતિનું આધુનિક સંસ્કરણ કરવાનું કામ હાથ ધર્યું. કૃતિનો તેમણે ત્રણ વાર અનુવાદ કર્યો અને 1939માં તેનું આધુનિક સંસ્કરણ પ્રસિદ્ધિ પામ્યું. તાનાઝાકીએ લખેલી સુદીર્ઘ નવલકથા ‘ધ માકીઓકા સિસ્ટર્સ’(1943-48)નાં ઘણાં વર્ણનો આ નવલકથાની શૈલીના પ્રભાવ નીચે લખાયેલાં છે.

આ યશસ્વી કૃતિનો આર્થર વૉલિએ 6 ગ્રંથ રૂપે અંગ્રેજી અનુવાદ (1925-33) પ્રસિદ્ધ કર્યા બાદ વિશ્વસાહિત્યમાં તે વિશિષ્ટ કૃતિ તરીકે જાણીતી થઈ છે.

પંકજ જ. સોની