ટેરા કોટા(માટીનાં પકવેલાં શિલ્પો) 

January, 2014

ટેરા કોટા (માટીનાં પકવેલાં શિલ્પો) : માટીના પકવેલા શિલ્પના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાંઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને  જ્યાં રસળતી માટી મળી શકે ત્યાં વિશેષ પ્રકારે થયા છે.

આકૃતિ 1 : માટીનો પકવેલો વૃષભ (લોથલ, ગુજરાત, ઈ. સ. પૂ. 2500)

ભારતમાં ટેરાકોટાના રમકડાં-ઘાટ ઘડવાની પરંપરા વાયવ્યના બલૂચિસ્તાન, ઝોબ તેમજ કુલ્લીની અસરથી શરૂ થયેલ છે. તેમાં ઊઘડતી સંસ્કૃતિમાં ‘માતૃત્વ’ આપનાર એવી ‘દિગંબરાદેવી’ અને ગોમાતાને ફળાવનાર એવા ‘વૃષભ’ના અનેક ઘાટ ઘડાયા છે.

ટેરાકોટા(માટીનાં રમકડાં)ના નીચે  મુજબ પ્રભેદ પાડી શકાય : (1) તળપદ લોકપરંપરાના ટેરાકોટા, (2) બાળકો, વાલીઓ તેમજ ગ્રામ કુંભકારોએ બનાવેલ ટેરાકોટા, (3) રાજ્યાશ્રયે બનાવાયેલ ટેરાકોટા, (4) ધાર્મિક વિધિવિધાન અને મંત્રતંત્ર માટેનાં પૂતળાં, (5) સુશોભન માટે માટીનાં લઘુશિલ્પો અને ઘરશણગાર માટેની ઘાટ-આકૃતિઓ, તકતીઓ.

હડપ્પા સંસ્કૃતિમાં ટેરાકોટા : પૂર્વ હડપ્પા પરંપરાના ટેરાકોટા વાયવ્યમાં માલધારી, ખેડૂત તેમજ કુંભકારના હાથે ઘડાયા હોય તેવા નાના નાના ઘાટ રૂપે મળ્યા છે. ઉત્તરકાલીન પરંપરામાં માતૃકા, આખલો વગેરે ઘડાયા છે. નારીના ઘાટ પર આંખ, નાક, હોઠ અને સ્તન તેમજ ઘરેણાં વાટા વણીને ચોંટાડાયેલ છે. માથા ઉપર ફેણ જેવા આકારનું ‘ફળું’ અને ‘દીપકોડિયાં’ માતૃત્વ આપનાર દેવીરૂપ પ્રતીક છે.

હડપ્પામાંથી નારીના પુષ્કળ ટેરાકોટા મળ્યા છે તો પુરુષની માત્ર એક જ આકૃતિ મળી છે. તે ઉપરાંત પંખી, પશુ જેવાં કે વાનર, બકરો, ગેંડો, હાથી, સૂવર અને ખૂંધ વગરનો તેમજ ખૂંધવાળો એવા બે પ્રકારના વૃષભ મળ્યાં છે.

સર્જનાત્મક રમકડાંમાં માથું હલાવે તેવું પંખી, કૂકડો, મોર, પોપટ, ગાડું તેમજ સિસોટી છે. (ભોરૂંદુ વગેરે આજે  પણ તૈયાર થાય છે), જેમાં ઘણાં રમકડાં લાલ માટીથી રંગેલાં છે.

ગુજરાતમાં લોથલના ઉત્ખનનમાંથી પણ સીધા સરળ હાથે ઘડેલાં તેમજ સર્જનાત્મક ઘાટનાં આખલો, ગાય, ઘેટું, ભુંડ, ગેંડો વગેરે મળ્યાં છે. અહીંથી વિશેષ રૂપે પશુના ઘાટ મળ્યા છે, તે સિંધુ ઘાટી કરતાં કુલ્લી સંસ્કૃતિ સાથે વધારે સામ્ય ધરાવે છે.

ઈ. સ. પૂ. 1900થી 1300 અનુહડપ્પા કાળ માટે એવું મનાતું હતું કે આ સમયગાળો અંધકારયુગ છે, પણ નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે મધ્ય પશ્ચિમ ભારતમાંથી આહર અને માળવામાંથી પશુ તેમજ વૃષભના કુદરતી ઘાટ પ્રકારના ટેરાકોટા મળી આવ્યા છે.

ઈ. સ. પૂ. હજારેક વર્ષે ભારતીય સભ્યતામાં લોખંડની શોધથી નવા ફેરફારો થયા, લોખંડનાં હથિયારો અને ઘોડાથી ખેંચાતાં વાહન શરૂ થયાં,  તેથી માનવ, પશુ અને રથનાં રમકડાં શરૂ થયાં. બિહાર બક્સર વગેરે સ્થળેથી આવા ટેરાકોટા મળ્યા છે. તે ઉપરાંત દળદાર ટેરાકોટા પટના, ભીટા, કૌસાંબીમાંથી ઉપલબ્ધ થયા છે.

પાટલિપુત્રના ટેરાકોટામાં ગોળ પંખા જેવા અધોવસ્ત્રમાં ગતિનો આભાસ અને હાથોની ગોઠવણી પણ આગળપાછળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે.

મૌર્યકાલીન ટેરાકોટામાં કલાત્મકતા પ્રવેશી પરંપરિત પ્રાકૃત ઘડતરમાં ફેરફાર થયા, જે ભારતીય ટેરાકોટામાં મહત્વપૂર્ણ છે. આવા ટેરાકોટા પાટલિપુત્રમાંથી મળ્યા છે. બુલંદીબાગમાંથી મળેલા ટેરાકોટા પૉલિશ કરેલા છે.

મૌર્યકાળના ટેરાકોટાના ઘાટઘડતરમાં મોઢું બીબાથી ઢાળેલું છે. શરીરનાં અન્ય અંગો હાથ વડે જ નજાકતભરી રીતે તૈયાર કરેલાં છે. તેમાં ગતિમય ઘાઘરપટ્ટ, અલંકૃત શિરોવેષ્ટન વગેરે વિગતપૂર્ણ છે.

મથુરામાંથી ઉપલબ્ધ મૌર્યકાલીન ટેરાકોટા જોતાં લાગે કે ભારતીય પ્રજાપતિ ઈરાની પરંપરાથી પરિચિત છે.

શુંગકાળના ટેરાકોટા પૂર્વ તેમજ ઉત્તર ક્ષેત્રમાંથી પુષ્કળ મળ્યા છે. તેના ઘાટઘડતરની પ્રક્રિયામાં નાવીન્ય દેખાય છે. પરંપરિત ગોળાશવાળી આકૃતિની સાથોસાથ ભીંતે સમથળ ટાંગી શકાય તેવી છીછરા ઘાટની પ્લેટો પણ થઈ છે.

શુંગકાળે લોકજીવનનું સામૂહિક ઉત્થાન જોઈ શકાય છે, તેથી આ કાળના ટેરાકોટામાં નરનારીનાં સાંસારિક જીવનનાં ર્દશ્યો સપાટ પ્લેટમાં નિરૂપિત છે. કૌસાંબીમાંથી આવી પ્લેટો મળી છે.

શુંગકાલીન નારીરૂપ ઘાટમાં ભરચક શિરોવેષ્ટન, હાથે પુષ્કળ કંગન, હાર, પગે અલંકારો તેમજ કટિમેખલાથી નારીરૂપ ભરચક કરાયું છે, તેમાં ગજલક્ષ્મી તેમજ માતૃત્વ આપનાર દેવીનું પ્રતીક પ્રદર્શિત છે.

આ કાળે બાળકોનાં રમકડાંમાં મકરમુખ ગાડું, ઘેટામુખ ગાડું વગેરે છે. પૈડાંથી ચાલતાં રમકડાં પણ મળ્યાં છે.

શુંગકાલીન પ્રજાપતિએ તકતીઓ પણ બીબાથી ઢાળી છે. મૌર્યકાલ કરતાં શુંગકાલીન ટેરાકોટામાં લૌકિક ર્દશ્યરૂપ વધારે રજૂ થયું છે.

સાતવાહનકાલીન ટેરાકોટામાં નર-નારી, બાળકના મુખવટા પૂરા વાસ્તવિક પ્રકારના ઘડાયા છે. તત્કાલીન બોધિઘરના ટેરાકોટામાં બૌદ્ધ ધર્મની અસર પ્રતિબિંબિત થાય છે.

મહારાષ્ટ્રમાં તેર, નેવાસા, કોલ્હાપુર, પૈઠણમાંથી અને આંધ્રમાં કોન્ડાપુરમાંથી જે ટેરાકોટા મળ્યા તેના પર ગ્રીક-રોમન અસર જોઈ શકાય છે.

ગુજરાતમાં પહેલી સદીથી ચોથી સદી સુધીના માટીના ટેરાકોટા દેવની મોરી, શામળાજી ઉપરાંત જૂનાગઢ, અમરેલી, કારવણ વગેરે સ્થળેથી મળ્યા છે.

ઉત્તર મથુરા તેમજ વાયવ્ય તક્ષશિલામાંથી કુષાણકાલીન ટેરાકોટા મળ્યા છે, તેમાં સાંસારિક જીવનદર્શન, નર-નારીનું સંવનન, કામદેવ, વાજિંત્રવાદકો ઉપરાંત બ્રાહ્મણ તેમજ બૌદ્ધ દેવદેવીઓ પણ છે. તક્ષશિલાના કુષાણકાલીન ટેરાકોટામાં બુદ્ધ બોધિસત્વની ઘડતરશૈલી ગાંધારસ્વરૂપની છે, જેમાં ઇન્ડોગ્રીક અસર જોઈ શકાય છે.

ગુપ્તકાલીન ટેરાકોટા સમગ્ર ભારતમાંથી મળે છે. તેમાં સુંદર કલાત્મક હિંદુ દેવદેવીઓ, પશુ, પંખી, કંદોરાબદ્ધ વેલી તેમજ મંદિરચણતરના કંદોરામાં પુષ્કળ રૂપાંકનો મળ્યાં છે.

ગુપ્તકાલીન ટેરાકોટાના ઘડતરમાં સુંદર મુખવટો અને કલામય વસ્ત્રાલંકારમાં તત્કાલીન શિલ્પની છાયા છે. આ કાળે ટેરાકોટા ઉપર રંગ પણ ચડાવવામાં આવતો હતો.

બ્રાહ્મણાબાદ, મીરપુર ખાસ(સિંધ)નગરી, બિકાનેર, પહાડપુર (બંગાળ) તેમજ અહિછત્રામાંથી સુંદર ટેરાકોટા મળ્યા છે.

ગુજરાતમાંથી ગુપ્તકાલીન ટેરાકોટાના જે નમૂના મળ્યા છે તેમાં વિવિધ આકારનાં માટીનાં વાસણ, પશુ તેમજ પૈડાંવાળો ઘોડો અને તૂટેલી માનવઆકૃતિઓ છે.

મૈત્રકકાલીન ગુજરાતમાંથી પકવેલી માટીનું ગાડું, પકવેલા બૌદ્ધ સિક્કા વગેરે મળ્યાં છે.

ઉત્તર ગુપ્તકાલ અને પૂર્વ મધ્યકાલમાં ટેરાકોટાની સરજત માત્ર બિહાર-બંગાળમાં રહી હતી, બાકી બધેથી ધીમે ધીમે તે લુપ્ત થઈ ગઈ હતી. તેનાં કારણોમાં આંતરિક વિગ્રહ, મુસ્લિમ હલ્લા, પ્રજાજીવનમાં સંઘર્ષ વગેરે મુખ્ય હતાં.

બંગાળના પહાડપુરમાં પકવાતી ઈંટોમાં ટેરાકોટાની રચના કંડારાતી. આઠમી સદીથી દસમી સદીના હિંદુ તેમજ બૌદ્ધ ધર્મને આનુષંગિક વિષયો તેમાં કંડારાયા છે.

અસમમાં દાહ, પરબતિયા, કુન્ડિલનગર વગેરેમાંથી ટેરાકોટા મળ્યા છે.

મુસ્લિમ સત્તાકાળે ટેરાકોટાની કલા લગભગ  સ્થગિત થઈ ગઈ હતી. માત્ર પૂર્વ ભારતમાં હજી પ્રથા ચાલુ રહી હતી; જેમાં કીર્તન, શિકાર, રાસમંડળ, જળવિહાર વગેરે ઉપરાંત પોર્ટુગલ સિપાહીની કંદોરાબંધ હારના ટેરા કોટા થયા છે.

ઓગણીસમી સદીમાં લોકપરંપરામાં બાળકનાં રમકડાંના ટેરા કોટા, વિધિવિધાન તેમજ વ્રત-ઉપાસનામાં મુકાતા ટેરા કોટાની પરંપરા ચાલુ હતી, તે પછી વીસમી સદીમાં તળપદ પ્રજાપતિ બીબાં તેમજ હાથથી તૈયાર કરેલાં રમકડાં – પૂતળી, કૃષ્ણ, પાર્વતી, હાથી, ઘોડો, મોર, પોપટ વગેરે ઉપર જળરંગ તેમજ તૈલરંગ ચડાવીને મેળા, પર્વો વગેરેમાં વેચતા હતા.

સાંપ્રતકાલે ભારતીય ચિત્રશાળાઓમાં ટેરાકોટા બનાવવાની તાલીમ શરૂ થઈ છે; જેમાં શાંતિનિકેતન, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ગુજરાતમાં ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ, મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ટેરાકોટા તૈયાર થાય છે.

ગુજરાતમાંથી મધ્યકાલીન ટેરા કોટા જવલ્લે જ મળ્યા છે, પણ અઢારમી સદીની આખરમાં મહી નદીના ઊંચા કાંઠે આવેલ ભાદરવા ગામ પાસેના ઋષેશ્વરના મંદિરના સ્કંધમાં ટેરા કોટાનાં મોરનાં મસ્તકોની કંદોરાબંધ હાર ગોઠવાયેલી જોઈ શકાય છે.

કચ્છમાં ઓગણીસમી સદી પહેલાંનાં ઊંટ, હાથી, ઘોડાના ટેરા કોટા મળ્યા છે. આજે પણ તે પરંપરા વિકસિત રૂપે ચાલુ છે. કચ્છના બુઢાભાઈ ઉમર બહુ જ સુંદર ઘાટ ઘડતા હતા.

સૌરાષ્ટ્રમાં સ્વરાજ પહેલાં કાંગસિયા સ્ત્રીઓ પર્વટાણે પકવેલી માટીનાં ઘંટી-ઘોડા લઈને ઘેર ઘેર વેચવા નીકળતી હતી. પાંચમાછઠ્ઠા દાયકા પહેલાં જ ચીભડિયા બાવાની સ્ત્રીઓ કાચી માટીનાં  રમકડાંને રંગીને વેચતી હતી.

સાંપ્રતકાળે બોટાદ, પાટણ, અડાદમાં એક પ્રજાપતિ પરંપરા અને આધુનિકતા પ્રમાણે સુંદર ટેરા કોટા બનાવે છે.

ગુજરાતના આદિવાસીઓમાં દેવદેવીઓને ટેરા કોટાનાં દેવળ, ગાય, ઘોડા, બળદ, પુરુષ, સ્ત્રી, ગોવાળ, માતા- બાળક, હાથી, અરીસા સાથેની સ્ત્રી વગેરે ચડાવવાની માનતાની પરંપરા છે, તેથી આ પ્રકારના ઘાટ આદિવાસી સિવાયના પ્રજાપતિઓ ઘડે છે.

આ રીતે હડપ્પા મોહેં-જો-દડોના કાળથી શરૂ થયેલ ટેરા કોટા બનાવવાની પરંપરા ચાલુ રહેલી છે.

ખોડીદાસ પરમાર