ટેમ્સ નદી : ઇંગ્લૅન્ડની સૌથી મહત્વની તથા સૌથી લાંબી નદી. તે દક્ષિણ ઇંગ્લૅન્ડમાં આવેલી છે. દેશના દક્ષિણ ભાગમાં 346 કિમી. સુધી વહીને તે ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી ગ્લુચેસ્ટરશાયરના કાસ્ટ વોલ્ડની પહાડીઓમાંથી અનેક ધારાઓના રૂપે વહે છે. તે નૈર્ઋત્યમાં વહીને આગળ જાય છે. ઑક્સફર્ડ પાસે તેના પ્રવાહની પહોળાઈ આશરે 36.5 મીટર અને ટેડિંગ્ટન પાસે તેનો પ્રવાહ આશરે 75 મીટર અને ત્યાંથી આશરે 25 કિમી. નીચે ગ્રેવલૅન્ડ પાસે આશરે 630 મીટર પહોળો બને છે. જેમ જેમ તે સમુદ્રની નજીક પહોંચે છે તેમ તેમ આ પહોળાઈ વધતી જાય છે. શિયરનેસ અને શુલરીનેસ પાસે આ પહોળાઈ એકદમ વધીને 8.8 કિમી. બને છે.

લંડન બ્રિજની ઉપરવાસ આશરે 246 કિમી. દૂર તેને ચર્ન નદી મળે છે. આગળ જતાં ટેમ્સને કોલ્ન, વિન્ડરશ, ઇવનલોર્ડ, ચર્નવેલ, ઓક અને થૅમ વગેરે નદીઓ મળે છે. ચિલટર્નની પહાડીઓને તે બર્કશાયરથી જુદી પાડે છે.

લંડન બ્રિજથી આશરે  30 કિમી. ઉપરવાસે અને ટેડિંગ્ટનથી નીચે ટેમ્સમાં પાણીનો પ્રવાહ ભરતીવાળો બને છે. ગ્રેટર લંડનથી પસાર થતાં તે 18 રસ્તાઓ અને 6 રેલવે પુલ નીચેથી પસાર થાય છે. લંડન શહેરને આ નદી પાણી પૂરું પાડે છે. ઑક્સફર્ડ, વીડિંગ, કિંગ્સ્ટન, લંડન તથા ટિલ્બરી જેવાં કેટલાંક અગત્યનાં શહેરો પોતાના પ્રવાહ દરમિયાન આવરી લે છે. તેમના જળમાર્ગ તરીકે તે ઉપયોગી બને છે.

લંડનની મધ્યમાં વહેતી ટેમ્સ નદી

લંડનમાંથી પસાર થતાં તેના માર્ગ પર ટાવર ઑવ્ લંડન તથા દેશની સંસદનાં બંને ગૃહો હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ તથા હાઉસ ઑવ્ કૉમન્સની ઇમારતો આવે છે.

લંડનનાં મોટાભાગનાં કારખાનાં આ નદીના કિનારે ઊભાં કરવામાં આવ્યાં છે. વ્યાપારના મથક તરીકે લંડનનું મહત્વ પણ મુખ્યત્વે આ નદીને આભારી છે. નદીના મુખ પાસે તેલ-શુદ્ધીકરણના એકમો છે.

ગિરીશ ભટ્ટ