ટી.એ.ટી. (Thematic Apperception Test)

January, 2014

ટી.એ.ટી. (Thematic Apperception Test) : મનોવિજ્ઞાનને લગતી એક પ્રક્ષેપણાત્મક કસોટી. હાર્વર્ડ સાઇકોલૉજિકલ ક્લિનિકના ડૉ. મરે અને મૉર્ગને 1938માં તે રચી. વ્યક્તિત્વ માપવા માટે આ કસોટી વ્યાપક રીતે વપરાય છે. એના ઉપયોગ અંગે પુષ્કળ સંશોધનો થયાં છે. ડૉ. મરે ‘Thema’ શબ્દ વડે વ્યક્તિની જરૂરિયાતો તેમજ તેને સંતોષવા અંગે વ્યક્તિના અનુભવો સૂચવે છે. તેમને મતે જ્યારે વ્યક્તિને અર્ધસ્પષ્ટ ચિત્રો બતાવવામાં આવે ત્યારે તેનું પ્રત્યક્ષીકરણ કરીને વ્યક્તિ જે વાર્તા બનાવે છે તેમાં તેની જરૂરિયાતોના અનુભવોનું પ્રતિબિંબ અચૂક રીતે પડતું જ હોય છે.

સામગ્રી : આ કસોટીમાં તદ્દન સ્પષ્ટ નહિ કે તદ્દન અસ્પષ્ટ નહિ એવાં દસ ચિત્રોની ત્રણ શ્રેણીઓ હોય છે. કોઈ પણ એક વ્યક્તિને એમાંથી સામાન્ય રીતે દસ અને વધુમાં  વધુ વીસ ચિત્રો બતાવાય છે. એમાંનું એક કાર્ડ તદ્દન કોરું હોય છે, બાકીનાં 19 કાર્ડમાં જીવનની જુદી જુદી પરિસ્થિતિઓનાં ર્દશ્યો ચીતરેલાં હોય છે. એમાંનાં સાત ચિત્રો પુરુષો અને સ્ત્રીઓ માટે જુદાં જુદાં હોય છે, જ્યારે બે ચિત્રો બાળકો અને પુખ્ત વ્યક્તિઓ માટે જુદાં જુદાં હોય છે.

પ્રક્રિયા : વ્યક્તિએ દરેક શ્ય જોઈને વાર્તા કહેવાની હોય છે. એ શ્યમાં અત્યારે શું બની રહ્યું છે, એની પહેલાં શું બન્યું હતું, હવે પછી શું બનશે તેમજ ર્દશ્યનાં વિવિધ પાત્રોને કેવા વિચારો અને લાગણીઓ થાય છે તેનું વર્ણન અને અર્થઘટન, જોનાર વ્યક્તિએ આપવાનાં  હોય છે. ર્દશ્યને જોતાં જોતાં જેમ જેમ વિચારો આવતા જાય તેમ તેમ તેણે મનોવૈજ્ઞાનિકની સમક્ષ તે કહી સંભળાવવાના હોય છે. મનોવૈજ્ઞાનિક એની નોંધ રાખે છે. દરેક ર્દશ્યની વાર્તા કહેવા માટે પાંચ મિનિટની મર્યાદા હોય છે.

વિશ્લેષણ : ર્દશ્ય જોનારે કહેલી વાર્તાનું નીચે પ્રમાણે વિવિધ રીતે મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવે છે : (1) કથાવસ્તુ, તેમાં આવતા પ્રસંગો, (2) વાર્તાનાં પાત્રો, (3) વાર્તા કહેનાર વ્યક્તિ કયા પાત્ર સાથે તાદાત્મ્ય અનુભવે  છે, (4) વાર્તામાં નાયકનાં કયાં કયાં મનોવલણો, જરૂરિયાતો, હતાશાઓ અને  સંઘર્ષો દર્શાવ્યાં છે, (5) ર્દશ્યની કઈ વિગતો જોનારના ધ્યાન બહાર ગઈ છે, (6) વાર્તામાં વડીલો અને ઉપરીઓ તરફ કેવું વલણ દર્શાવ્યું છે, (7) વાર્તામાં કંઈક અસામાન્ય બનાવ બનતો વર્ણવ્યો છે, (8) વાર્તાનો અંત કેવો છે વગેરે મુદ્દાઓના આધારે વાર્તા રચનાર વ્યક્તિના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં વિશે અનુમાન કરવામાં આવે છે.

ટી.એ.ટી.માં સમાવિષ્ટ થતાં ચિત્રો જેવું એક ચિત્ર

વૈજ્ઞાનિકતા : ટી.એ.ટી.ની વિશ્વસનીયતા અને યથાર્થતા સંતોષકારક છે.

અન્ય સ્વરૂપો અને સમાન કસોટીઓ : ટી.એ.ટી.ની જેમ બાળકોનું વ્યક્તિત્વ માપવા માટે બેલાકે સી.એ.ટી. (ચિલ્ડ્રન્સ એપર્સેપ્શન ટેસ્ટ) બનાવી છે. ટી.એ.ટી.નું  ભારતીય રૂપાંતર ડૉ. ઉમા ચૌધરીએ કર્યું છે. એ ચિત્રોમાં ભારતીય પોશાક, રાચરચીલું અને ભારતીય ગૃહરચના અને વાતાવરણ દર્શાવ્યાં છે. સિદ્ધિપ્રેરણા માપવા માટે મૅકલેલૅન્ડે ટી.એ.ટી. જેવી જ ચાર ચિત્રોની પ્રક્ષેપણ-કસોટી બનાવી છે. ભારતમાં ડૉ. પ્રયાગ મહેતાએ એનું રૂપાંતર કર્યું છે.

વ્યક્તિત્વમાપનમાં ટી..ટી.નું મૂલ્ય : ઉત્તરદાતા ટી.એ.ટી.નો સાચો હેતુ ન જાણતો હોવાથી તે વાર્તા કહેતી વખતે પોતાનાં વિચારો, માન્યતાઓ, વલણો, લાગણીઓ અને પ્રેરણાઓને સંકોચ વગર સહજ રીતે વ્યક્ત કરે છે. કસોટીમાં રજૂ થતાં ચિત્રો ઠીક ઠીક સંદિગ્ધ હોવાથી તેનાં અનેક અર્થઘટનો થઈ શકે છે. તેથી લગભગ દરેક જોનારને તેમાં પોતાના આગવા અનુભવોને લગતું કંઈક દેખાય છે. આ ચિત્રોમાં  ઘણું વૈવિધ્ય હોવાથી વાર્તા કહેનારના વ્યક્તિત્વનાં અનેક પાસાં વિશે માહિતી મળે છે. વાર્તાઓના વિશ્લેષણની પદ્ધતિ વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક છે. ટી.એ.ટી. ઉપર  અવારનવાર સંશોધનો થતાં રહે છે. તેથી વાર્તાઓને આધારે વ્યક્તિત્વનું વિશ્લેષણ કરવાની પદ્ધતિ વર્ષોવર્ષ વધુ અસરકારક બનતી જાય છે.

પણ  ટી.એ.ટી. તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ માટે વાપરવી અયોગ્ય છે. કેટલાક ઉત્તરદાતાઓ ચિત્રનું માત્ર વર્ણન કરીને અટકી જાય છે, તેનું અર્થઘટન કરતા નથી. કેટલાક લોકો ચિત્રોને જોતાં પોતાના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી પડે છે અથવા તો બહુ જ વ્યાકુળ બની જાય છે અને કંઈ જ બોલતા નથી. ઉપરાંત, જો ટી.એ.ટી. તાલીમ વિનાની વ્યક્તિના હાથમાં જાય તો ખોટો ઉપયોગ કરે અને ગેરરસ્તે દોરવતાં તારણો આપે એવું જોખમ રહે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે