ટાયર અને ટ્યૂબ : હવા ભરેલી એક પ્રકારની ઍરબૅગ જેવું સાધન. ટાયર-ટ્યૂબનો એકમ દ્વિચક્રી તથા ચાર પૈડાંવાળાં વાહનને આરામદાયક મુસાફરી તથા સહેલાઈથી વજન વહન કરવા માટે લગાડવામાં આવે છે. આ એકમમાં બે ભાગ હોય છે, જેમાં બહારના જાડા અને ટકાઉ આવરણને ટાયર કહેવામાં આવે છે અને અંદરના હવાથી ફુલાવી શકાય તેવા લચક ધરાવતા ભાગને ટ્યૂબ કહેવામાં આવે છે. ટાયરટ્યૂબનાં મુખ્ય અંગો આકૃતિ 1માં દર્શાવ્યાં છે.

લોખંડની રિમ ઉપર ટાયરટ્યૂબ બેસાડતાં પહેલાં ટ્યૂબની માવજત તથા સલામતી માટે રિમ ઉપર પ્રથમ ફ્લૅપ ફિટ કરવામાં આવે છે. નિયત કરેલ દબાણ પ્રમાણે ટ્યૂબમાં હવા વાલ્વ દ્વારા ભરવામાં આવે છે. એ રીતે વાહનનું વજન હવા વહન કરે છે અને રસ્તાની અનિયમિતતાને કારણે ઉદભવતા આંચકાથી વાહનની મુખ્ય ચેસીસ તથા બીજા ભાગોનું રક્ષણ પણ કરે છે.

આકૃતિ 1 : (1) બીડના આધારનો ભાગ, (2) બીડનો આગળનો ભાગ, (3) બીડનો મુખ્ય ભાગ, (4) બીડના છેડાનો ભાગ, (5) બીડનો વિસ્તાર, (6) રિમ સેન્ટરિંગ લાઇન, (7) બાજુની દીવાલનો વિસ્તાર, (8) અંદરનો ભાગ, (9) મથાળા નીચેનો ભાગ, (10) બ્રેકર, (11) મથાળાની રિબ, (12) ખાંચાવાળી ડિઝાઇન, (13) ટ્યૂબ,  (14) ટ્યૂબમાં આવેલ વાલ્વ, (15) ફ્લૅપ, (16) સ્ટીલ રિમ ટાયર ફિટિંગ માટે.

રબર, નાયલૉન, કૉટન, સ્ટીલ વગેરેના સંયોજનથી વજન વહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં લઈને ટાયર બનાવવામાં આવે છે. વળી તે જુદાં જુદાં કદ, આકાર અને રચનાવાળાં બનાવવામાં આવે છે, તેથી જુદી જુદી કામગીરી માટે ટાયરની રસ્તા પરની પકડ યોગ્ય રીતે રહે છે.

ટ્યૂબ સામાન્ય રીતે રબરની બનાવેલી હોય છે. હાલમાં રબર ઉપરાંત બુટાઇલીન જેવા રાસાયણિક પદાર્થમાંથી પણ તે બનાવવામાં આવે છે. ટ્યૂબમાં હવા ભરવા માટે વાલ્વ હોય છે તે સ્પ્રિંગના દબાણવાળા હોય છે, જેથી ભરેલ હવા બહાર નીકળી ન શકે.

ટાયરની મુખ્યત: બે પ્રકારની બનાવટ હોય છે. ‘બાયસ’ અને ‘રેડિયલ’ જે અંગેની વિગતો આકૃતિ 2માં દર્શાવેલ છે.

આકૃતિ 2

‘બાયસ’માં થરના તાંતણા બીડ સુધી હોય છે અને વારાફરતી લગાડવામાં આવે છે. પરંતુ તેના ખૂણા ટ્રેડની મધ્યરેખા સાથે 90°થી ઓછા હોય છે.

‘રેડિયલ’માં થરના તાંતણા બીડ સુધી હોય છે. તેના ખૂણા 90° કરતાં ઘણા ઓછા હોય છે, જેમાં અંદરનો ભાગ લાંબો ન થઈ શકે તેવા પટ્ટાથી ગૂંથાયેલ હોય છે.

આકૃતિ 3 : ટાયરના કાર્યની જરૂરિયાતો

ટાયરને બનાવતી વખતે જે પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે તેની વિગતો આ સાથેની આકૃતિ 3માં દર્શાવેલ છે. બ્રેકિંગ, બાજુની સ્થિરતા, સ્ટિયરિંગ અને પ્રવેગ વગેરે મહત્વનાં પરિબળો છે.

મોટરકાર અને ટ્રકમાં યોગ્ય ટાયરની પસંદગી અને જાળવણી એ મહત્વની બાબત છે.

રમેશચંદ્ર જે. આચાર્ય