ઝ્વૉરિકિન, વ્લાદિમિર કોસ્મા

January, 2014

ઝ્વૉરિકિન, વ્લાદિમિર કોસ્મા (જ. 30 જુલાઈ, 1889, મ્યુરોમ, રશિયા; અ. 29 જુલાઈ 1982, પ્રિન્સ્ટન, ન્યૂજર્ર્સી, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલા અને પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક બનેલા ઇલેક્ટ્રૉનિક્સ ઇજનેર. સેન્ટ પીટર્સબર્ગ (ત્યારે પેત્રોગ્રાદ)ની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી 1912માં સ્નાતક થઈ પૅરિસની કૉલેજ દ્ ફ્રાન્સમાં જોડાયા. 1914માં રશિયા પછા ફર્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન સિગ્નલ કોરમાં સેવા આપી. 1919માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યું. 1920માં વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક કંપનીમાં પિટ્સબર્ગ ખાતે જોડાયા. 1926માં પિટ્સબર્ગ યુનિવર્સિટીની પીએચ.ડી. પદવી સંપાદન કરી દરમિયાન 1923માં આઇકોનોસ્કોપ ટેલિવિઝન(કૅમેરાનાં શ્યનાં બિંદુઓમાં વિભાજિત પ્રતિબિંબનું વીક્ષણ કરતી કિરણ-નળી)ની શોધ કરી. ત્યારબાદ એક જ વર્ષમાં કિનોસ્કોપ(છેડે પ્રતિબિંબદર્શક પડદાવાળી નળી)ની પણ શોધ કરી. આ બંને શોધથી વિશ્વના પ્રથમ ઇલેક્ટ્રૉનિક ટેલિવિઝનનું નિર્માણ શક્ય બન્યું. પહેલાંનાં ટેલિવિઝન વિદ્યુતયાંત્રિક પદ્ધતિનાં હતાં. 1924માં વ્લાદિમિર અમેરિકાના નાગરિક બન્યા. 1928માં તેમણે રંગીન ટેલિવિઝનની શોધ કરી. વેસ્ટિંગહાઉસ કંપનીના અધિકારીઓએ તેમની શોધના પ્રથમ નિદર્શન સમયે ઓછો રસ દાખવ્યો હોવા છતાં, 1929માં તેમણે ટેલિવિઝનના નવા અને સુધારેલા સ્વરૂપનું નિદર્શન કર્યું. તેમની શોધથી પ્રભાવિત થયેલી રેડિયો કૉર્પોરેશન ઑવ્ અમેરિકા(હવે આર.સી.એ. કૉર્પોરેશન)ના એક અધિકારીએ તેમને આર.સી.એ.ના કેમડનમાં આવેલા ઇલેક્ટ્રૉનિક સંશોધનકેન્દ્રના નિદેશક બનવા માટે આમંત્રણ પાઠવ્યું. ત્યાં તે 1929માં જોડાયા. ત્યારબાદ આર.સી.એ.ના પ્રિન્સ્ટનમાં આવેલા સંશોધનકેન્દ્રમાં સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. 1947માં સંસ્થાના ઉપાધ્યક્ષ બન્યા. શૈક્ષણિક અને મનોરંજનના હેતુ માટે વપરાતા અદ્યતન ટેલિવિઝનની રચના તેમની કિનોસ્કોપની શોધ પર આધારિત છે. તદુપરાંત તેમણે ‘વિદ્યુત આંખ’(electric eye) અને ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શકના વિકાસ માટે પણ કામ કર્યું. તેમણે પારરક્ત પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ ઇલેક્ટ્રૉન બિંબનળીની પણ શોધ કરી, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં અંધકારમાં જોવા માટે વપરાયેલા સ્નાઇપરસ્કોપ (બંદૂકની નળી ઉપર બેસાડવાનું દૂરબીન જેવું ઉપકરણ) અને સ્નૂપરસ્કોપ(પારરક્ત કિરણોની સહાયથી અંધારામાં જોવાની અનુકૂળતા કરી આપે છે.)ની રચનામાં થયો. તેમની શોધ વિકિરણજ્ઞાપક માટે પણ ઉપયોગી સાબિત થઈ.

1954–62 દરમિયાન ન્યૂયૉર્કની રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ(હાલ રૉકફેલર યુનિવર્સિટી)માં મેડિકલ ઇલેક્ટ્રૉનિક્સ સેન્ટરના નિદેશક તરીકે સેવા આપી. વીજાણુ ટૅક્નૉલૉજીના ક્ષેત્રે અનુપમ સિદ્ધિ માટે તેમનાં ઉચિત સન્માન થયાં. 1965માં ગ્રેટ બ્રિટનનો ફેરાડે ચંદ્રક મળ્યો. 1966માં વિજ્ઞાનક્ષેત્રે અમેરિકી પ્રમુખનો પદક અર્પણ થયો. 1967માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝનો રાષ્ટ્રીય વિજ્ઞાન પદક એનાયત થયો. ઇન્ટરનેશનલ ફેડરેશન ફૉર મેડિકલ ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ બાયૉલૉજિકલ એન્જિનિયરિંગના તેઓ સ્થાપક-પ્રમુખ હતા. 1977માં અમેરિકાના ન્યૂયૉર્કમાં આવેલા કીર્તિભવનમાં અમેરિકી વિભૂતિ તરીકે તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.

ઝ્વૉરિકિને તેમના જીવન દરમિયાન કેટલાંક પુસ્તકો પણ લખ્યાં, તેમાં ‘ફોટોસેલ્સ ઍન્ડ ધૅર ઍપ્લિકેશન્સ’ (1932), ‘ટેલિવિઝન’ (1940, સુધારેલી આવૃત્તિ 1954), ‘ઇલેક્ટ્રૉન ઑપ્ટિક્સ ઍન્ડ ધ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ’ (1046), ‘ફોટો ઇલેક્ટ્રિસિટી ઍન્ડ ઇટ્સ ઍપ્લિકેશન્સ’ (1949) અને ‘ટેલિવિઝન ઇન સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ’ મુખ્ય છે.

રાજેશ શર્મા