ઝિનિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની પ્રજાતિ. તેની 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ઉત્તર અમેરિકા થતા દક્ષિણ અમેરિકાની વતની હોવા છતાં દુનિયાના બીજા ભાગોમાં તે પ્રાકૃતિક રીતે થાય છે. મેક્સિકોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. Zinnia angustifolia H.B. & K. Syn. Z. linearis Benth., Z. elegans Jacq., Z. Heageana Regal અને Z. peruviana Linn. ભારતીય ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. ઝિનિયાની જાતિઓ ઉદ્યાનો માટે અત્યંત જાણીતી છે, કારણ કે તેઓ અનુકૂલશીલ હોવાથી મોટાભાગના વિસ્તારોમાં સહેલાઈથી ઊગી શકે છે, અને સ્વરૂપ તથા રંગની ર્દષ્ટિએ અનેક વિવિધતાઓ ધરાવે છે. તેઓ ઉદ્યાનની સીમાઓમાં ખૂબ સુંદર લાગે છે; અને કોરસજાવટ (edging) તથા કર્તિત પુષ્પ (cut-flower) માટે મહત્વની છે. તે બે ઉપ-પ્રજાતિઓ (sub-genera)માં વર્ગીકૃત થાય છે ; (1) ડિપ્લોથ્રિક્સ અને (2) ઝિનિયા. ઝિનિયા –  ઝિનિયા અને મેન્ડેઝિયા – એ બે વિભાગોમાં વિભાજિત થાય છે. ઝિનિયા વિભાગની વનસ્પતિઓ ઉદ્યાનવિદ્યાની ર્દષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે.

આકૃતિ : Z. elegansનો પુષ્પો સહિતનો છોડ

Z. elegansની જાતો ઊંચાઈ, સ્વરૂપ અને મુંડકને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ઊંચાઈ અને સ્વરૂપ પ્રમાણે ઝિનિયાની જાતો આ પ્રમાણે છે : (i) ઍકસ્ટ્રા ડ્વાર્ફ, 20 સેમી.થી નીચી ; (ii) ડ્વાર્ફ, 20-38 સેમી; (iii) હાફ-ટૉલ, 45-60 સેમી; (iv) ટૉલ, 60-75 સેમી; (v) જાયન્ટ, 75 સેમીથી વધારે ઊંચી, મુંડકને આધારે જોવા મળતાં જૂથો આ પ્રમાણે છે : (i) એકલ (single), કિરણપુષ્પક (rayfloret)ની 1-2 હરોળ; (ii) શિખાયુક્ત (crested), બિંબપુષ્પકો આગળ પડતા છિન્ન (truncated) શંકુ કે શિખા સ્વરૂપે ગોઠવાયેલાં; (iii) પૉમ્પોન લિલિપુટ, નાનાથી માંડી મધ્યમ કદનાં દ્વિદલી (double) પુષ્પો; વ્યાસ 5-12 સેમી; કિરણપુષ્પકોની અસંખ્ય હરોળો; (iv) હેડલિયા પ્રકારનાં ઝિનિયા, વધારે મોટાં, 12 સેમી. વ્યાસ ધરાવતાં પુષ્પો; (v) કૅકટસ પ્રકારનાં ઝિનિયા, વિવિધ રીતે કુંચિત (curled) વળેલાં, વેલ્લિત (rolled) કે અમળાયેલા (twisted); જેથી વિશિષ્ટ બરછટ દેખાવ ધારણ કરે છે.

ઝિનિયાની જાતો સહિષ્ણુ (hardy) અને ખુલ્લા સૂર્ય-પ્રકાશને પસંદ કરે છે. સંવર્ધિત ઝિનિયાના છોડ Z. elegansમાંથી ઉત્પન્ન થાય છે. તે હૂંફાળી ઋતુમાં થાય છે અને ઠંડાં સ્થળોએ કુંઠિત રહે છે. તેઓ વરસાદ પછી સૌથી સારી રીતે થતા હોવાથી વરસાદના ઝાપટા પછી વાવવામાં આવે છે. પહાડી પ્રદેશોમાં તેઓને માર્ચ પછી ઉગાડવામાં આવે છે. તેઓ ઊંડી અને ફળદ્રૂપ ગોરાડુ જમીન પસંદ કરે છે. વામન જાતો 35-40 સેમી.ના અને ઊંચી જાતો લગભગ 60 સેમી.ના અંતરે વાવવામાં આવે છે.

Z. angustifolia ઉન્નત, ઘટ્ટ અને 30-45 સેમી. જેટલી ઊંચી જાતિ છે અને સામાન્ય રીતે ભારતીય ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેઓ ક્યારીઓમાં અને છેડાઓ પર સુંદર લાગે છે. પ્રકાંડ નત-દીર્ઘલોમી (strigose-hirsute) હોય છે. પર્ણો સાંકડાં રેખીય કે રેખીય-ભાલાકાર, ઘેરાં લીલાં અને લાંબાં હોય છે. કિરણપુષ્પકો ચકચકિત નારંગી, સોનેરી પીળાં, કેસરી, પીળાં કે ક્યારેક સફેદ રંગનાં હોય છે. આ જાતિ લાંબો વખત ટકે છે. લગભગ બધી જ ઋતુમાં આ જાતિ થાય છે. સારા પ્રમાણમાં ખાતર આપવાથી છોડ સારા થાય છે. ક્યારેક આ બધી જાતોને ‘પાનનો કોકડવા’નો રોગ લાગી જાય છે. શરૂઆતમાં જ કેરોસીનવાળી રાખનો છંટકાવ કરવામાં આવે તો રોગ કાબૂમાં રહે છે. છોડનું વાવેતર બીજ દ્વારા કરવામાં આવે છે.

પર્ણો કડવાં અને ઝેરી હોય છે. તે નજીવું ઝેરી સેપોનિન અને અત્યંત અલ્પ માત્રામાં આલ્કેલૉઇડોસ ધરાવે છે. પુષ્પીય કલિકાઓમાં પણ પર્ણમાંથી મળી આવતાં સેપોનિન જેવું સેપોનિન એ કડવો પદાર્થ હોય છે.

Z. elegans સુંદર, એકવર્ષાયુ, લગભગ 1.0 મી. જેટલી ઊંચી અને મેક્સિકોની વતની છે. તેને ભારતીય ઉદ્યાનોમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. પ્રકાંડ નતરોમી (strigose), રેખાંકિત (striate) અને લીલાશ પડતું હોય છે. તે પીળાથી જાંબલી રંગમાં ફેરવાય છે. પર્ણો જોડાયેલાં, હૃદ્ અંડાકાર (cordate–ovate) કે ઉપવલયાકાર (elliptic) હોય છે. મુંડક સફેદ, પીળા, નારંગી, ગુલાબી, લાલ, સિંદૂરી લાલ કે નીલ-જાંબલી હોય છે. પ્રાકૃતિક જાતોમાં તે સામાન્યત: લાલ હોય છે. તે એકલ કે દ્વિદળી હોય છે. મુંડક ચપટો કે ગોળ હોય છે. કિરણપુષ્પકો બહિર્વલિત (reflexed) અને બિંબ પુષ્પકો પીળાં કે નારંગી રંગનાં હોય છે. સામાન્ય દ્વિદળી સ્વરૂપોમાં બિંબપુષ્પકો લગભગ ગેરહાજર હોય છે.

આ જાતિ ફૂગ અને વાઇરસના રોગો માટે સંવેદનશીલ હોય છે. Alternaria zinniae દ્વારા પ્રકાંડ, પર્ણો અને પુષ્પકો ઉપર રતાશ પડતાં બદામી ટપકાં અને કેટલીક વાર મૂળનો સડો થાય છે. પેરેનૉક્સ(0.3 %)ના છંટકાવથી સુકારાના રોગનું નિયંત્રણ થાય છે.

રોગ-અવરોધક જાતિઓના સર્જન માટે Z. haageana  ઉપયોગી થઈ શકે તેમ છે. Z. haageana ની કૃષિજ (cultigen) જાતો કુંચિત-ટોચ (curly-top)ના વાઇરસ માટે અવરોધક હોય છે; જે ભારતનાં મેદાનોમાં થતી Z. elegansની કૃષિજ જાતો માટે આપત્તિકારક હોય છે. Pseudomonas Solanacearum અને Xanthomonas nigromaculans બૅક્ટેરીય સુકારાનો રોગ લાગુ પાડે છે. Marmor cucumeris var. zinniae દ્વારા મોજેક રોગ થાય છે. Aphelenchoides ritzemabosi નામના સૂત્રકૃમિ દ્વારા પાનનાં ટપકાંનો રોગ થાય છે; જે અંતે છોડનો નાશ કરે છે. Meloidogyne incognita છોડ પર આક્રમણ કરે છે.

તેના મૂળમાં 0.1 % અને અંકુરમાં 0.03 % આલ્કેલૉઇડો હોય છે. જેમાં નિકોટિન, નૉરનિકોટિન અને એનાબેસાઇનનો સમાવેશ થાય છે. છેલ્લા બે આલ્કેલૉઇડ કુલ નિકોટિનના 1 % જેટલા જ હોય છે. નિકોટિનની હાજરી તમાકુ (Nicotiana) ઉપર Z. elegansના સફળતાપૂર્વક થતા આરોપણની સમજૂતી આપે છે. આ છોડ સેપોનિન પણ ધરાવે છે.

પુષ્પીય રંજકદ્રવ્યોમાં સાયનિડિનનાં ગ્લુકોસાઇડો, પેલાર્ગોનિડિન અને ફ્લેવોનૉઇકોનો સમાવેશ થાય છે. પીળાશ પડતા સફેદ અને દ્વિદળી પુષ્પોમાં કૉસ્મેટિન (એપિજેનિન – 7– ગ્લુકોસાઇડ, C2, H20O10. 2H2O; ગલનબિંદુ 218-20o) હોય છે. શુષ્ક બીજ (1000 બીજ આશરે 7 ગ્રામ વજન ધરાવે છે.)માં અશુદ્ધ પ્રોટીન 38 % અને મેદીય તેલ 28 % હોય છે. તેલમાં ઑલિક 48 %, લિનૉલિક 19 %, લિનૉલેનિક 0.2 %, સંતૃપ્ત ફૅટી ઍસિડ
29 % અને ઇમૉક્સિ ઍસિડ 0.8 % હોય છે. બીજમાં આલ્કેલૉઇડો પણ હોય છે.

Z.peruviana Linn. Syn. Z. multiflore Linn., Z. Pauciflora Linn (પ્રાકૃતિક ઝિનિયા) છોડ-સ્વરૂપ હોય છે અને કેટલીક વાર 90 સેમી. જેટલી ઊંચાઈ ધરાવે છે. પ્રકાંડ નતરોમીથી માંડી દીર્ઘલોમી હોય છે. ભારતીય ઉદ્યાનોમાં તેના મુંડકો પીળા રંગના હોય છે.

મ. ઝ. શાહ