ઝા, તંત્રનાથ (જ. 1909, ધરમપુર, જિ. દરભંગા, બિહાર; અ. 1984) : ખ્યાતનામ મૈથિલી કવિ અને વાર્તાકાર. તેમને તેમના મહાકાવ્ય ‘કૃષ્ણચરિત’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. પટણા કૉલેજમાં અભ્યાસ. અર્થશાસ્ત્રના વિષય સાથે 1933માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પછી 1934થી 1941 સુધી શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ ચંદ્રધારી મિથિલા કૉલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા. ત્યાંથી 1973માં વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા હતા.

છેલ્લાં 45 વર્ષથી તેઓ મૈથિલીના પ્રશ્નો હલ કરવામાં પ્રવૃત્ત રહ્યા હતા. તેઓ 1940થી 1946 અને 1956થી 1968 સુધી મૈથિલી સાહિત્ય પરિષદના અનુક્રમે જનરલ સેક્રેટરી અને ઉપપ્રમુખ-પદે રહી ચૂક્યા હતા.

તેમણે અત્યાર સુધીમાં 9 ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘કૃષ્ણચરિત’ના વિષયવસ્તુની મૌલિક રીતની માવજત, આકર્ષક રજૂઆત-રીતિ તેમજ ભાષા-છંદ પરના પ્રબળ પ્રભુત્વને કારણે મૈથિલી સાહિત્યમાં મોખરાનું સ્થાન પામી છે.

બળદેવભાઈ કનીજિયા