ઝવેરી, મનસુખલાલ મગનલાલ (જ. 3 ઑક્ટોબર 1907, જામનગર; અ. 27 ઑગસ્ટ 1981, મુંબઈ) : ગુજરાતી કવિ, વિવેચક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં લઈને, ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવી એમ.એ. થયા હતા. મુંબઈ, રાજકોટ, પોરબંદર અને કૉલકાતાની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ આકાશવાણીમાં વાર્તાલાપ-નિર્માતા પણ હતા.

મનસુખલાલ ઝવેરી

કવિ, વિવેચક, પ્રવાસકથા-લેખક, સંપાદક અને અનુવાદક તરીકે એમનું નોંધપાત્ર અર્પણ છે. ‘ચંદ્રદૂત’ (1929) એ ‘મેઘદૂત’ની અનુકૃતિ તરીકે સંસ્કૃત વૃત્તની પક્વ હથોટી દર્શાવતું એમનું કાવ્ય પ્રગટ થયું એ પૂર્વે ‘રામસંહિતા’ના બે ભાગમાં એમણે ધર્મગ્રંથો-પુરાણોમાંથી પસંદ કરેલા શ્લોકોના અનુવાદો પ્રગટ કર્યા હતા. પાછળથી ‘સ્મૃતિભ્રંશ અથવા શાપિત શકુન્તલા’ (1929) અને ‘શ્રીમદ્ ભગવદગીતા’ અનુવાદ-ગ્રંથો એમણે આપેલા. ‘હૅમ્લેટ’ (1967) અને ‘ઑથેલો’(1978)ના સુવાચ્ય અનુવાદો ઉપરાંત અંગ્રેજી-મરાઠીમાંથી કેટલાંક પુસ્તકો પણ એમણે અનુવાદિત કર્યાં હતાં.

કવિતા અને વિવેચનક્ષેત્રે એમનું પ્રદાન વિશિષ્ટ છે. ગાંધીયુગના કવિઓમાં એમનું મહત્વનું સ્થાન છે. ‘ફૂલદોલ’ (1933), ‘આરાધના’ (1939), ‘અભિસાર’ (1947), ‘અનુભૂતિ’ (1956) અને ‘ડૂમો ઓગળ્યો’ (1975) જેવા કાવ્યસંગ્રહોમાં એમની પ્રણય, પ્રકૃતિ અને મૃત્યુચિંતનની કવિતા સંગ્રહાઈ છે. એમનાં કાવ્યોમાંની પ્રશિષ્ટ પદાવલિ ધ્યાન ખેંચે છે. લડાવી લડાવીને ભાવને પ્રસ્તારી રીતે રજૂ કરવાની એમની શૈલી કેટલીક વાર દીર્ઘસૂત્રી લાગે છે. તેમ છતાં વિચારની ચમત્કૃતિથી ધ્યાન ખેંચે છે. એમનાં વર્ણનચિત્રો સુરેખ અને સુઘડ હોય છે.

ઝવેરીનાં વિવેચનો સ્પષ્ટ કથનવાળાં, નિર્ભીક અને તર્કનિષ્ઠ હોય છે. ‘થોડા વિવેચનલેખો’ (1944), ‘પર્યેષણા’ (1952), ‘કાવ્યવિમર્શ’ (1962), ‘અભિગમ’ (1966), ‘ર્દષ્ટિકોણ’ (1978) એ એમના વિવેચનસંગ્રહો છે. ‘ગોવર્ધનરામ’, ‘ન્હાનાલાલ’, ‘કનૈયાલાલ મુનશી’, ‘બ. ક. ઠાકોર’ અને ‘ઉમાશંકર’ પુસ્તિકાઓમાં તે તે લેખક વિશે એમણે લખેલા લેખો એકસાથે સુલભ કરી આપ્યા છે. ‘ઉમાશંકર જોશી – નાટ્યકાર’ પણ એવો જ એક સંગ્રહ છે. એમના કાવ્યાસ્વાદો ‘આપણો કવિતાવૈભવ’ ભા. 1 અને 2 તથા ‘આપણાં ઊર્મિકાવ્યો’માં સંગ્રહાયા છે. ‘ગુજરાતી ભાષા-સાહિત્ય’માં ગુજરાતી ભાષા-સાહિત્ય વિશે સૂરતમાં આપેલાં વ્યાખ્યાનો ગ્રંથસ્થ થયાં છે. ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન’ (1953)  એમણે રમણલાલ ચી. શાહ સાથે લખેલો ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. સાહિત્ય અકાદમીએ એમનો અંગ્રેજીમાં લખાયેલો ‘History of Gujarati Literature’ (1978) ગ્રંથ પણ પ્રગટ કરેલો છે.

‘દશમસ્કંધ’ (પ્રેમાનંદ; 1થી 25 અધ્યાય), ‘મારી શ્રેષ્ઠ વાર્તા’, ‘ગુજરાતી ટૂંકી વાર્તા’, ‘નવી કવિતા’ (અન્ય સાથે) જેવાં કેટલાંક સંપાદનો, ‘અમેરિકા – મારી ર્દષ્ટિએ’ જેવું પ્રવાસવર્ણન અને સુંદર વ્યક્તિચિત્રો આલેખતું ‘ચિત્રાંકનો’ ઉપરાંત એમણે વિદ્યાર્થીઓ માટે ભાષા-વ્યાકરણનાં વિશદ પુસ્તકો પણ આપ્યાં છે.

ચિમનલાલ ત્રિવેદી