ઝમખશરી (જ. 19 માર્ચ 1075, ઝમખશર, ઉઝબેકિસ્તાન; અ. 1143–44) : ભાષાશાસ્ત્ર તથા હદીસશાસ્ત્રના વિદ્વાન. મૂળ નામ અબુલ કાસિમ મહમૂદ અલ-ઝમખ્શરી. તેમને ‘ફખ્રે ખ્વારઝમ’ અને ‘જારુલ્લાહ’ના નામથી પણ ઓળખવામાં આવે છે.

ઝમખશરીનો સંબંધ ‘‘મો’તઝિલા’’ કહેવાતા બુદ્ધિવાદી વર્ગ સાથે હતો. તે ઈશ્વર તથા ધર્મને અધ્યાત્મને બદલે બુદ્ધિની કસોટી ઉપર રાખીને સમજવાનો પ્રયત્ન કરતા હતા. ઝમખશરીએ પોતાની વિચારસરણીના પાયા ઉપર પવિત્ર કુરાનની ‘તફસીર’ (સમજૂતી) લખી હતી, જે ‘અલ-કશશાફ’ના નામે પ્રખ્યાત છે. સૌપ્રથમ વાર તે 1856માં કૉલકાતાથી પ્રગટ થઈ હતી. હદીસ વિશે તેમનું ‘અલ્-ફાઇક’ નામનું પુસ્તક 1906માં પ્રગટ થયું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી