ઝફરુલ્લાખાન, મહંમદ

January, 2014

ઝફરુલ્લાખાન, મહંમદ (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ; અ. 1986, કરાંચી) : પાકિસ્તાનના અગ્રણી રાજપુરુષ, વિદેશમંત્રી અને અગ્રણી ધારાશાસ્ત્રી. કાદિયાની (અહેમદિયા) સંપ્રદાયના અને સિયાલકોટ, પંજાબના અગ્રણી વકીલ નસરુલ્લાખાન ચૌધરીના પુત્ર. લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાનું શિક્ષણ મેળવ્યું અને લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થયા. 1914થી 1916 સુધી સિયાલકોટ અને ત્યારબાદ 1935 સુધી લાહોરની વડી અદાલતમાં વકીલાત કરી નોંધપાત્ર વ્યાવસાયિક સફળતા મેળવી. સાથે સાથે તેમણે લાહોર ખાતેની યુનિવર્સિટીની લૉ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે પણ સેવાઓ આપી (1919–24). 1928માં પંજાબ પ્રાદેશિક સુધારા પંચના સભ્ય નિમાયા. ખૂબ ચર્ચાસ્પદ બનેલ દિલ્હી ષડ્યંત્ર ખટલામાં સરકારી વકીલ તરીકે તેમણે રજૂઆત કરી હતી.

આ ગાળા દરમિયાન તેઓ યુનિયનિસ્ટ પાર્ટી અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના રાજકારણમાં સક્રિય રહ્યા. 1926થી 1931 સુધી પંજાબની ધારાસભાના ઉપલા ગૃહના સભ્ય રહ્યા. 1930, 1931 અને 1932માં લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં મુસ્લિમ લીગના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. 1931માં  ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ રહ્યા. તે વખતે આકાર લઈ રહેલા ભારતના નવા બંધારણીય માળખા પર કેન્દ્રિત તેમના પ્રમુખીય ઉદબોધનમાં લઘુમતીઓ માટે વિશેષ સવલતો, મુસ્લિમો માટે અલાયદાં મતક્ષેત્રો અને સંરક્ષણ દળોના ત્વરિત ભારતીયકરણની માગણી કરી. માર્ચ, 1940માં લાહોર ખાતે મુસ્લિમ લીગે પાકિસ્તાનની માગણી માટે પસાર કરેલા ઠરાવનો મુસદ્દો તેમણે, તે વખતના વાઇસરૉય લૉર્ડ લિનલિથગોની પ્રેરણાથી બનાવેલો એવી એક માન્યતા છે.

1932–39 દરમિયાન ગવર્નર-જનરલની કારોબારીમાં સભ્ય તરીકે જુદા જુદા વિભાગોનો હવાલો સંભાળ્યો. 1935માં ઝફરુલ્લાખાનને બ્રિટિશ સરકાર તરફથી ‘સર’નો ખિતાબ આપવામાં આવેલો. 1941થી 1947 સુધી ભારતના સમવાયી ન્યાયાલયના ન્યાયમૂર્તિ રહ્યા. આઝાદી પૂર્વે ચીનમાં ભારત સરકારના એજન્ટ-જનરલ પણ રહ્યા. 1947માં ભોપાલના નવાબના કાયદાવિષયક સલાહકાર તરીકે જવાબદારી નિભાવી. ઝફરુલ્લાખાન પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાના ખાસ વિશ્વાસપાત્ર વ્યક્તિ હતા. એટલે જ તેમણે ઝફરુલ્લાને ભારત અને પાકિસ્તાનની ભૌગોલિક સરહદો નિયત કરવા રચાયેલ પંચ સમક્ષ મુસ્લિમ લીગનો પક્ષ રજૂ કરવા પ્રતિનિધિ નીમ્યા હતા.

ભારતના વિભાજન બાદ તેઓ 1947થી 1954 સુધી પાકિસ્તાનના વિદેશમંત્રીના પદ પર રહ્યા અને નવા રાષ્ટ્રની વિદેશનીતિના પ્રમુખ સિદ્ધાંતો તથા વ્યૂહરચનાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ પદ પરથી તેમણે પાકિસ્તાનની તરફેણમાં કાશ્મીર પ્રશ્ને વિશ્વમત ઊભો કરવા વિવિધ મંચ પર ઘણો પ્રચાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં 1947થી 1954 સુધી અને ફરી 1961–64 દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના નેતા તરીકે કાર્ય કર્યું તથા સલામતી સમિતિમાં ભારત-પાકિસ્તાન વિવાદની ચર્ચા વખતે પાકિસ્તાનના ર્દષ્ટિબિંદુની રજૂઆત કરી. પાકિસ્તાનને અમેરિકાની નજીક લઈ જવામાં તેમણે પ્રમુખ ભાગ ભજવ્યો. અમેરિકાની નેતાગીરી હેઠળ સિયાટો(South-East Asia Treaty Organization)ની રચનામાં તથા પાકિસ્તાનને તેના સભ્ય બનાવવામાં તેઓ અગ્રેસર રહ્યા. 1962–63માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું.

અખિલ ઇસ્લામી વિચારધારા અને આંતરરાષ્ટ્રીય સ્તરે બધાં ઇસ્લામી રાષ્ટ્રોની સમાન નીતિના તેઓ સમર્થક હતા. તેમણે શરૂઆતથી જ પાકિસ્તાન વતી પૅલેસ્ટાઇનના સાર્વભૌમત્વ અને ઇઝરાયલના વિસર્જનનું જોરદાર સમર્થન કર્યું. 1952માં ઝફરુલ્લાખાને મુસ્લિમ દેશોનો એક અનૌપચારિક સંઘ ઊભો કરવા ઘણા દેશોની મુલાકાત લીધી. 12 મુસ્લિમ દેશોના પ્રધાનમંત્રીઓને પરસ્પર ચર્ચાવિચારણાની કોઈ કાયમી વ્યવસ્થા રચવાના હેતુથી પાકિસ્તાન આમંત્ર્યા. જોકે ઝફરુલ્લાખાનના અખિલ ઇસ્લામી રાષ્ટ્રસંઘને સંગઠિત કરવાના પ્રયત્નો સફળ ન થયા.

1954થી 1961 અને ફરી 1970–73 સુધી ઝફરુલ્લાખાન હેગ ખાતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે રહ્યા. 1970–73 દરમિયાન આ ન્યાયાલયના  પ્રમુખપદે તેમણે કાર્ય કર્યું.

ઝફરુલ્લાખાન મુસ્લિમોમાં લઘુમતી એવા અહેમદિયા સંપ્રદાયમાંથી આવતા હોવાને કારણે પાકિસ્તાનમાંનાં રૂઢિચુસ્ત તત્વો અને ધર્મગુરુઓનું સમર્થન તેઓ ક્યારેય ન પામી શક્યા.

જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા પછી તેમણે ધર્મગ્રંથોના અધ્યયનમાં સમય વ્યતીત કર્યો હતો. તેમણે કુરાને શરીફનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કર્યો હતો.

અમિત ધોળકિયા