જોષી, સુરેશ હરિપ્રસાદ

January, 2014

જોષી, સુરેશ હરિપ્રસાદ (જ. 30 મે 1921, વાલોડ, તા. બારડોલી; અ. 6 સપ્ટેમ્બર 1986, નડિયાદ) : ગુજરાતી કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. સુરેશ જોષીનું શૈશવ સોનગઢમાં વીત્યું. આ વિસ્તારની પ્રકૃતિએ એમના સર્જનને પછીથી ખૂબ પ્રભાવિત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1943માં બી.એ. તથા 1945માં એમ.એ. કર્યું. અધ્યાપન કારકિર્દીનો પ્રારંભ કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજથી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તરત વલ્લભવિદ્યાનગરના વી. પી. મહાવિદ્યાલયમાં અધ્યાપક થયા. 1951માં મ. સ. યુનિવર્સિટી, વડોદરાના ગુજરાતી વિભાગમાં જોડાયા. એ જ વિભાગમાં છેલ્લે પ્રોફેસરપદેથી (1981માં) નિવૃત્ત થયા.

સુરેશ હરિપ્રસાદ જોષી

1955ની આસપાસ, વાર્તા તથા નવલકથામાં ઘટનાના તિરોધાનની જિકર કરતા અને પરંપરાગત કથાસાહિત્યની મર્યાદાઓને તાર સ્વરે બતાવતા એમના લેખોએ સૌનું ધ્યાન ખેંચ્યું. એ જ રીતે એમની વાર્તાઓ અને નિબંધોની પ્રયોગશીલતાએ પણ ઘણા નવીનોને આકર્ષ્યા. પશ્ચિમનાં આધુનિકતાવાદી પરિબળો અને નૂતન સાહિત્યથી આકર્ષાયેલા, એના અઠંગ અભ્યાસી એવા સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં પોતાના વિવેચનવિચાર અને સર્જનથી નવોન્મેષનું મોજું લઈ આવ્યા. શરૂઆતમાં ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ જેવાં સામયિકો કાઢીને એ પોતાની કલાવિચારણાને મિત્રો સાથે મળીને વહેતી મૂકે છે. ધીમે ધીમે ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું અવતરણ થાય છે. અલબત્ત, આ માટેની ભૂમિકા એમના પૂર્વસૂરિઓમાં રચાવા લાગી હતી. એમણે એ પીઠિકાનો લાભ લઈને પરંપરા રૂપે સ્થિર થયેલાં સાહિત્યજળને ઝટ ડહોળી નાખ્યાં ! એમની અને એમની સામેની તીવ્ર પ્રક્રિયાઓથી સાહિત્યજગતમાં નવચેતનાનો ઝડપી સંચાર થયો. સાહિત્યનો ચહેરો-મહોરો બદલાઈ ગયો. સુરેશ જોષી આ નવતર સાહિત્યનું પ્રેરક-પોષક બળ બનીને ઊભર્યા. કેટલીક મર્યાદાઓ અને ઘણા વિવાદો છતાં સાહિત્યના ઇતિહાસની આ આધુનિક સંક્રાન્તિ સુરેશ જોષીને નામે જમા બોલ્યા કરશે.

પોતાના કળાવિચાર રજૂ કરવા એમને પોતાના સામયિક વિના કદી નથી ચાલ્યું. કારકિર્દીના ઉત્તર-મધ્યભાગે એ ‘ઊહાપોહ’ અને છેલ્લાં વર્ષોમાં ‘એતદ્’ સામયિક દ્વારા એવા કળાવિચારો તાર સ્વરે રજૂ કરતા રહેલા. એમની સંવેદનાને એક તરફ ભારતીય સાહિત્યનો કાલિદાસ, ભવભૂતિ, રવીન્દ્રનાથ વગેરેનો પુટ બેઠેલો છે, તો બીજી તરફ આધુનિક યુરોપીય સાહિત્યકારોની સંવેદનાથી એ પ્રભાવિત થયેલી છે. એમના નિબંધોમાં ને કવિતામાં આ ઝટ પમાય છે.

નિબંધ સુરેશ જોષીના પ્રથમ સંચય ‘જનાન્તિકે’(1965)માં પૂર્ણત: લાલિત્ય પ્રગટાવે છે. યંત્રયુગીન શહેરી સંસ્કૃતિની કૃતકતા સામે એમણે વનરાગ અને શૈશવસ્મૃતિઓને ઉપાસ્યાં છે. જગતસાહિત્યની રસજ્ઞતાને લઈ આવતા એમના નિબંધોમાં કલ્પનશ્રેણીઓ ભાષાસંદર્ભે શકવર્તી બને છે. ‘ઇદમ્ સર્વમ્’ (1971), ‘અહોબત કિમ્ આશ્ર્ચર્યમ્’ (1975) તથા ‘ઇતિ મે મતિ’ (1984) જેવા એમની હયાતીમાં પ્રગટેલા નિબંધસંગ્રહોમાં સંવેદનપટુ અને ચિંતનધર્મી સર્જકની કલાભિમુખ ભાષાની લાક્ષણિક તરેહો મળે છે. એ પછી ‘રમ્યાણિ વીક્ષ્ય’ (1987), ‘પ્રથમ પુરુષ એક વચન’ (1987) તથા ‘પશ્યન્તી’ (1992) એમના મરણોત્તર નિબંધસંગ્રહો છે. ‘ભાવયામિ’ (1984) શિરીષ પંચાલે મૂલ્યાંકનલેખ સાથે કરેલું એમના છપ્પન નિબંધોનું ધ્યાનાર્હ ચયન છે. ‘વિદ્યાવિનાશને માર્ગે’માં કેળવણીવિષયક નિબંધો છે. હજીય અગ્રંથસ્થ નિબંધોની સંખ્યા હજારેક ઉપર હશે.

સ્થૂળ ઘટનાઓને કાલવી નાખીને જાડી તાર્કિકતાથી દૂર રહીને લખેલી, કપોલકલ્પિતને ખપે લગાડતી, સન્નિધીકરણ જેવી ટૅકનિકને પ્રયોજતી કલ્પનપ્રધાન અને ભાષાપ્રક્રિયા તરફ સભાન એમની ટૂંકી વાર્તાઓ નોંધપાત્ર અર્પણ ગણાય છે. ‘ગૃહપ્રવેશ’ (1957), ‘બીજી થોડીક’ (1958), ‘અપિ ચ’ (1965), ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (1967) અને ‘એકદા નૈમિષારણ્યે’ (1980) સંચયોની બાસઠ જેટલી વાર્તાઓ વૈશ્વિક અભિજ્ઞતા સાથે ગુજરાતી વાર્તામાં આધુનિકતાને પ્રસ્થાપી આપે છે. પાતળા કથાતંતુને કે વિચારતંતુને લઈને સંવેદનાની તરેહોને માનસિક સ્તરેથી આલેખતી ભાષાનો કલ્પન-પ્રતીકપ્રધાન વિનિયોગ કરતી એમની લઘુનવલો ‘છિન્નપત્ર’, ‘વિદુલા’, ‘કથાચક્ર’, ‘મરણોત્તર’ હવે ‘કથાચતુષ્ટ્ય’ (1984) ગ્રંથમાં ઉપલબ્ધ છે. કુરુક્ષેત્ર, વરપ્રાપ્તિ, લોહનગર, એક મુલાકાત, પદ્મા તને, અગતિગમન જેવી એમની ધ્યાનપાત્ર વાર્તાઓનું ‘માનીતી–અણમાનીતી’(1982)ને નામે શિરીષ પંચાલે મૂલ્યાંકનલેખ સાથે સંપાદન કરેલું છે. પ્રેમ, નારી, મૃત્યુ, અંધકાર વગેરે એમના કથાસાહિત્યમાં સંયોજાતાં તત્વો છે. સમયાનુક્રમને અતિક્રમી જતી એમની કથાઓનું ગદ્ય લલિતનિબંધના સીમાડાઓને સ્પર્શી રહે છે.

‘ઉપજાતિ’ (1956) પ્રથમ કાવ્યસંગ્રહ એમણે રદ કરેલો. પછી 1961માં ‘પ્રત્યંચા’, 1973માં ‘ઈતરા’ અને 1980માં ‘તથાપિ’ કાવ્ય-સંગ્રહો એમણે આપ્યા. અછાંદસ કવિતાનો જુદો જ ઉઘાડ અહીં આસ્વાદ્ય છે. ‘કવિનું વસિયતનામું’, ‘મૃણાલ’, ‘થાક’, ‘ડુમ્મસ’ એમની મહત્વની રચનાઓ છે.

નવ્ય કૃતિનિષ્ઠ અને રૂપવાદી વિવેચનની સૈદ્ધાંતિક ભૂમિકા સમેતના અનેક તત્વલક્ષી અને પ્રત્યક્ષ કે પ્રવાહદર્શન કરાવતા વિવેચનલેખોના એમના સંચયો ઘણા મહત્વના છે. ‘કિંચિત્’ (1960), ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (1962), ‘કથોપકથન’ (1969), ‘કાવ્યચર્ચા’ (1971), ‘શ્રુણ્વન્તુ’ (1972), ‘અરણ્યરુદન’ (1976), ‘ચિન્તયામિ મનસા’ (1982, જેને માટે એમને 1983નો દિલ્હી અકાદમીનો પુરસ્કાર મળેલો જે એમણે પાછો વાળેલો) તથા ‘અષ્ટમો અધ્યાય’ (1983) એમના વિવેચનગ્રંથો છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (1978) મધ્યકાલીન સાહિત્યને લગતો એમનો સંશોધનગ્રંથ છે. ‘નવોન્મેષ’(1971)માં કાવ્યો, ‘જાનન્તિ યે કિમપિ’ (1984)માં નવી ધારાની વિવેચનાના લેખો એમણે સંપાદિત કર્યા છે. ‘નરહરિની જ્ઞાનગીતા’ (1978), ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ (1981) અને ‘વસ્તાનાં પદો’ (1983) એમના હાથે થયેલાં બીજાં સંપાદનો છે.

રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ઘણા વહેલા ‘પંચામૃત’ (1949) અને ‘સંચય’ (1963) નામના બે સંચયોમાં એમણે આપેલા. વિદેશી કાવ્યોના અનુવાદો ‘પરકીયા’(1975)માં છે. અન્યો સાથે એ રીતે વિદેશી વાર્તાઓ ‘વિદેશિની’ – ભા.1-2-3માં સંપાદિત કરી છે. શોલોખોવની રશિયન નવલકથા ‘ધીરે વહે છે દોન’ – 1 (1960) નામે, તો દોસ્તોવસ્કીની કૃતિ ‘ભોંયતળિયાનો આદમી’ (1967) શીર્ષકથી એમણે ગુજરાતીમાં અવતારી છે. ‘શિકારી બન્દૂક અને હજાર સારસો’ (1975, જપાની કથાઓ), ‘નવી શૈલીની નવલિકાઓ’ (1960), ‘અમેરિકી ટૂંકી વાર્તા’ (1967), ‘અમેરિકન સાહિત્યનો ઇતિહાસ’ (1965) વગેરે એમના બીજા અનુવાદગ્રંથો છે. ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ’ ત્રણ ખંડમાં શિરીષ પંચાલે સંપાદિત કર્યું છે.

એમને નર્મદ સુવર્ણચન્દ્રક ઉપરાંત 1971માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો, જે એમણે જયપ્રકાશ નારાયણની લોકચળવળને સમર્પિત કરેલો. 1983માં મળેલો દિલ્હી અકાદમીનો ઍવૉર્ડ એમણે સાદર નહિ સ્વીકારેલો. જીવનભર દમના રોગથી પીડિત સુરેશ જોષીનું મૂત્રપિંડની બીમારીમાં હૃદયરોગના હુમલાથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન થયું હતું.

મણિલાલ હ. પટેલ