જોશી, એસ. ડી. (જ. 15 ઑગસ્ટ 1926, રત્નાગિરિ) : સંસ્કૃતના વિદ્વાન. પૂરું નામ શિવરામ દત્તાત્રેય જોશી. પંડિતો પાસે વ્યાકરણનો અભ્યાસ કરી, પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. (1955) થઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ.એમ. (= એમ.એ.) કરી (1957) ત્યાં જ પ્રો. ઇંગાલ્સના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી મેળવી (1960).

1964માં પુણે યુનિવર્સિટીના સેન્ટર ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડી ઇન સંસ્કૃતમાં રીડર તરીકે જોડાયા. 1970માં સંસ્કૃત અને પ્રાકૃત વિભાગમાં પ્રાધ્યાપક નિમાયા. 1974માં સેન્ટરના નિયામક બન્યા. નિવૃત્તિ પછી હાલ ડેક્કન કૉલેજમાં સંસ્કૃત શબ્દકોશના કાર્યમાં પ્રમુખ સંપાદક તરીકે કાર્યરત છે.

પરદેશની અનેક યુનિવર્સિટીમાં વ્યાકરણના મુલાકાતી પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. વ્યાકરણ મહાભાષ્યના 11 આહ્નિકોનો ડૉ. રૂડબર્ગન સાથે કરેલો સટિપ્પણ અનુવાદ એમનું મૌલિક પ્રદાન છે.

અરુણોદય જાની