જોનાકી : આધુનિક અસમિયા સાહિત્યનું મહત્વનું સામયિક. અસમના કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ કૉલકાતામાં 1889માં પ્રકટ કર્યું હતું. ચંદ્રકુમાર અગરવાલ તેના તંત્રી અને માલિક હતા. સામયિકને છેક સુધી લક્ષ્મીનાથ બેજબરુઆનાં સક્રિય સહાય અને ટેકો મળ્યાં હતાં. ખરેખર તો બેજબરુઆનું કલ્પિત પાત્ર કૃપાબર બરુઆ ‘જોનાકી’ સામયિકની સ્થાપના પછીના બીજા વર્ષે જ ‘જોનાકી’નાં પાનાંમાં દેખાવા લાગ્યું હતું. આ માસિક પત્રિકાએ અસમિયા સાહિત્યના ઉત્તર-આહોમ સંક્રમણ કાળના હ્રાસ પછી સાહિત્યને એક પ્રકારની નવી ચેતના આપી. ‘અરુણોદય’, ‘જોનાકી’, ‘બૉહી’ જેવાં સામયિકોએ અસમિયા સાહિત્યના આધુનિક પ્રવાહો પર ઘણી અસર કરી છે. જુદા જુદા સાહિત્યિક તબક્કા આ અગ્રણી સામયિકોના નામથી જ ઓળખાય છે. ‘જોનાકી’ પત્રિકા બહુ સમય ચાલુ રહી નહોતી, છતાં થોડા સમયમાં જ એણે અસમિયા સાહિત્યિક સંસ્કૃતિમાં તીવ્રતા લાવી દીધી હતી. પાશ્ચાત્ય સાહિત્યના પ્રવાહના સંપર્કથી નવા વિચારોનો જે પ્રવાહ આવ્યો એણે પ્રચલિત પરંપરાઓમાં ક્રાન્તિ જન્માવી, શૈલી અને રચનાકૌશલમાં નવીનતાઓ આવી; આ બધું આ પત્રિકામાં પ્રકટ થતાં લખાણોમાં દેખાવા માંડ્યું. બેજબરુઆ, અગરવાલ અને હેમચંદ્ર ગોસ્વામી જેવા નવી વિચારધારાના લેખકોનું એ મિલનસ્થાન હોઈ, ઉત્તરોત્તર પ્રકટ થતા અંકોમાં એમનાં ર્દષ્ટિબિંદુ અને આદર્શોનું સ્પષ્ટીકરણ તથા અભિવ્યક્તિ થવા લાગ્યાં. 1888માં સ્થપાયેલી ‘અસમિયા ભાષા ઉન્નતિ સાધિની સભા’નાં ધ્યેયો ‘જોનાકી’માં પ્રકટ કર્યાં તેમજ અસમિયામાં અંગ્રેજી રંગદર્શી કવિઓના વિચારોનો ફેલાવો કર્યો.

અનિલા દલાલ