જોતવાણી, મોતીલાલ

January, 2014

જોતવાણી, મોતીલાલ (જ. 13 જાન્યુઆરી 1936, સક્કર, સિંધ, હાલ પાકિસ્તાન; અ. 2008, પુણે) : વિખ્યાત સિંધી લેખક. નવી સિંધી કવિતાના પ્રણેતા. તેમની માતાનું નામ ચંદ્રા, પિતાનું નામ વ. ક. જોતવાણી અને પત્નીનું નામ રાજ હતાં. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ તથા પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવી. 1962માં તેઓ રાજકોટ આકાશવાણીમાં જોડાયા. 1965થી 1973 સુધી તેઓ નવી દિલ્હીની દેશબંધુ કૉલેજમાં સિંધીના વ્યાખ્યાતા રહ્યા. 1973થી તેઓ રીડર નિમાયા. 1979–80નાં વર્ષોમાં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વિશ્વધર્મોના અધ્યયનકેન્દ્રમાં મુલાકાતી તજ્જ્ઞ તરીકે તેમણે સેવાઓ આપી; 1985–86 સુધી એ ડિક્શનરી ઑવ ઇન્ડિયન લિટરેચરના મુખ્ય (જનરલ) સંપાદક; 1985–90 સુધી ‘ઇન્ડિયન ઑથર્સ’ (ઑથર્સ ગિલ્ડ ઑવ ઇન્ડિયા)ના સંપાદક; 1985–87 સુધી ભારત સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલયમાં સિંધી સલાહકાર સમિતિના અધ્યક્ષ; ઑથર્સ ગિલ્ડ ઑવ ઇન્ડિયાના સભ્ય, ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીની પરિયોજના ‘સિંધી સાહિત્ય જો ઇતિહાસ’ (4 ગ્રંથો)ના મુખ્ય (જનરલ) સંપાદક. 1996–98 સુધી દિલ્હીમાં સિંધી સાહિત્ય અકાદમીના સભ્ય-સેક્રેટરી રહ્યા.

તેમણે હિંદી, સિંધી અને અંગ્રેજીમાં 40થી વધુ ગ્રંથો આપ્યા છે. 1973 અને 1979માં હિંદી લખાણોની શ્રેષ્ઠતા માટે તેમને 4 રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1983 તથા 1986માં સિંધી પુસ્તકો માટે 2 રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. 1975ના નાગપુર ખાતેના વિશ્વ હિંદી સંમેલનમાં તેમનું બહુમાન કરાયું. તેમને 1990માં ઉત્તરપ્રદેશ હિંદી સાહિત્ય સંસ્થાન ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમને ભારત સરકાર તરફથી 2003માં ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ એનાયત થયો હતો.

સિંધીમાં નવી કવિતાના સંગ્રહ ‘અનાસરનિજી સાઝિશ’ (1968);  ‘સનબંધાણી જે સરાકુની તે’ (1982), વાર્તાસંગ્રહો ‘પરંપરાહીન’ (1970), ‘સંજનાપ જો સંકટ’ (1992) તથા ત્રણ લઘુનવલકથાઓ ‘ટે નાંઢા નૉવેલ’ (1992) ઉલ્લેખનીય છે. ‘આત્મકથા જે નાલે મેં’ (1994) તેમની આત્મકથા છે.

અહિંદીભાષી હિંદી લેખક તરીકે અગ્રસ્થાન ધરાવતા આ લેખકનાં ‘ચાંદ કે ગીત’ (1961), ‘સિંધી સાહિત્ય કા ઇતિહાસ’ (1978), ‘નીમ કી ભૂમિકા ઔર હૈ’ (1988), ‘પીલી બત્તી પર’ (1989, ભારત સરકાર દ્વારા પુરસ્કૃત), ‘હમ સબ કી વિરાસત’ (1989) સહૃદયોની ચર્ચાવિચારણામાં રહેલાં પ્રકાશનો છે.

અંગ્રેજીમાં ‘શાહ અબ્દુલ કરીમ’ (1970), ‘શાહ અબ્દુલ લતીફ : હિઝ લાઇફ ઍન્ડ વર્ક’ (1975 સંશોધન), ‘ઑફ ગ્રાસ ઍન્ડ રૂટ્સ : એન ઇન્ડિયનિસ્ટ્સ રાઇટિંગ’ (1987) નિબંધસંગ્રહ ‘સૂફીઝ ઑવ સિંધ’ (1986), ‘એલિયન ધૅર ઇઝ નન’ (1989) કાવ્યસંગ્રહ વગેરે પુસ્તકો આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પામી ચૂક્યાં છે.

સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘શાહ લતીફ કા કાવ્ય’ (1969), નૅશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘સિંધી કવિતાસંગ્રહ’ (1974), જ્ઞાનપીઠ-પ્રકાશિત ‘પ્રતિનિધિ સંકલન – સિંધી’ (1974), ‘સિંધી લિટરેચર ઍન્ડ સોસાયટી’ (1979) અને ‘કન્ટેમ્પરરી ઇન્ડિયન લિટરેચર ઍન્ડ સોસાયટી’ (1979) જેવાં સંશોધન અને સંપાદનનાં પુસ્તકો પણ ધ્યાનપાત્ર છે.

જયંત રેલવાણી