જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ આશરે 70 મીટર પહોળો છે. ધોધની ઊંચાઈ 253 મીટર છે. તે રાજા, રાણી, રૉકેટ અને ગર્જક એમ ચાર ભાગમાં વહેંચાયેલો છે. ધોધ સુધી પહોંચવા માટે સાગર અથવા તાલગુપ્પા રેલવેસ્ટેશન પર ઊતરી સડક માર્ગ લેવો પડે છે. શરાવતી નદી પર બાંધેલા બંધની જલવિદ્યુતક્ષમતા 1,20,000 કિલોવૉટ જેટલી છે. આ બંધને મહાત્મા ગાંધી જલવિદ્યુત યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજનાની ધોધ પર વિપરીત અસર ન થાય તેની તકેદારી રાખવામાં આવેલી છે.

જોગ ધોધ

ભારતના આ સૌથી ઊંચા ધોધ નજીક ગેરસપ્પા ગામ હોવાથી તે ગેરસપ્પાના ધોધ તરીકે પણ ઓળખાય છે. જૂના વખતમાં આ ગામથી ધોધ તરફ જવાનો માર્ગ હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે