જૉનસન, લિન્ડન બેઇન્સ

January, 2014

જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા અને તે પછીનાં ચાર વર્ષ દરમિયાન પોતાનું વ્યાપક રાજકીય વર્તુળ ઊભું કર્યું. તે પહેલાં હડસન હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય કર્યું હતું.

ટેક્સાસમાં રાષ્ટ્રીય યુવાવહીવટના નિયામક (1935–37) તરીકે બે વર્ષ સુધી કામ કર્યું. 1937માં અમેરિકાની સંસદના નીચલા ગૃહમાં ચૂંટાયા. પ્રમુખ ફ્રૅન્કલીન ડી. રૂઝવેલ્ટની નીતિ પર રૂઢિચુસ્તોના ભારે હુમલા થતા હતા ત્યારે નવા આગંતુક લિન્ડન જૉનસનની વફાદારીથી પ્રભાવિત થઈને રૂઝવેલ્ટે તેમને પોતાના રાજકીય સંરક્ષક અને વારસદાર બનાવી દીધા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941–42ના ગાળામાં અમેરિકાના નૌકાદળમાં કામગીરી કરી. 1948માં સેનેટમાં ચૂંટાયા અને ત્યાર પછી 12 વર્ષ સુધી (1948–60) સેનેટના સભ્ય રહ્યા. દરમિયાન 1951માં ડેમૉક્રેટ પક્ષના દંડક પણ બન્યા. આપ-સૂઝથી વાટાઘાટો કરવાની કળા અને સરકારમાં સાથીઓ જોડે ગોઠવાઈ જવાની શક્તિ તેમણે ખીલવી હતી. સેનેટમાં પોતાના પક્ષનું શિસ્તબદ્ધ જૂથ ઊભું કર્યું. સેનેટમાં બહુમતી પક્ષના નેતા તરીકે (1955–61) અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું. 1957 અને 1960માં પસાર કરાયેલા નાગરિક અધિકારોના ખરડાનો મુખ્ય યશ તેમને ફાળે જાય છે.

1960માં રાષ્ટ્રપ્રમુખના પદ માટે ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકેની સ્પર્ધામાં કૅનેડીનો વિજય થયો. ઉમેદવારી માટે બંને વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ હતી, છતાં કૅનેડી તરફથી ઉપપ્રમુખપદનું તેમને ઓચિંતું આમંત્રણ આવ્યું. જૉનસને તેનો સ્વીકાર કર્યો અને કૅનેડીનો ચૂંટણીપ્રચાર પૂરી શક્તિથી કર્યો. ઉપપ્રમુખપદે હતા તે ત્રણ વર્ષ (1960-63) દરમિયાન ઘણા દેશોનો પ્રવાસ ખેડીને વિદેશનીતિ અંગેની સૂઝ કેળવી. કૅનેડીની હત્યા (1963) પછી પ્રમુખપદ સંભાળ્યું અને તે પછીના અનિશ્ચિતતાભર્યા સમયે રાષ્ટ્રીય તણાવને શાંત કરવામાં સફળ થયા. શરૂઆતના થોડા મહિનામાં જ અગાઉ સ્થગિત કરી દેવાયેલા નાગરિક અધિકારો, કરવેરામાં ઘટાડો, ગરીબીનાબૂદી કાર્યક્રમ અને જંગલજાળવણીને લગતા કાયદા કૉંગ્રેસ દ્વારા પસાર કરાવવામાં તેમણે સફળતા મેળવી.

લિન્ડન બેઇન્સ જૉનસન

નવેમ્બર, 1964માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે લિન્ડન જૉનસન જંગી બહુમતીથી પ્રમુખપદની ચૂંટણી જીત્યા. મોટી ઉંમરના લોકો માટે તબીબી સારવાર, શિક્ષણ, ગૃહનિર્માણ, શહેરી વિકાસ અને સ્થળાંતર વગેરે સામૂહિક કલ્યાણને લગતા કાયદા પસાર કરાવવામાં તેમને અનન્ય સફળતા મળી. આ બધું છતાં કૅનેડીના સમયે શરૂ થયેલી ઇન્ડોચાઇનામાં અમેરિકાની સતત વધતી જતી લશ્કરી દખલગીરીની લોકમત પર માઠી અસર થઈ હતી. વિયેટનામ યુદ્ધનો તથા ઉદારમતવાદીઓને સરકારમાં સમાવવાની તેમની નીતિનો વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપક વિરોધ થયો. પરિણામે તેમની અંગત લોકપ્રિયતા ઓસરવા લાગી.

તેમની રાજકીય કારકિર્દીનાં મોટા ભાગનાં વર્ષો કટોકટીભર્યાં રહ્યાં. 32 વર્ષ પછી, માર્ચ, 1968માં જૉનસને જાહેર કર્યું કે તે ફરી વાર તેમના પક્ષની ઉમેદવારી માટે માગણી રજૂ નહીં કરે અને પક્ષ દ્વારા ઉમેદવારીની દરખાસ્ત થાય તોપણ તેનો તે સ્વીકાર કરશે નહીં. જાન્યુઆરી 1969માં તે ટેક્સાસમાંના જૉનસન સિટીની નજીકના પોતાના ફાર્મહાઉસમાં પાછા ફર્યા અને તેમણે પ્રમુખીય વર્ષોનો વૃત્તાંત ‘ધ વૅન્ટેજ પૉઇન્ટ : પરસ્પેક્ટિવ્ઝ ઑવ્ ધ પ્રેસિડેન્સી, 1963–69’ લખ્યો (1971).

સરમણ ઝાલા