જૈવ ભૂગોળ (biogeography)

પૃથ્વી પર સજીવોનું વિતરણ; તેમની રહેણીકરણી અને તે જે પ્રદેશમાં જોવા મળે છે તે પ્રદેશનું પર્યાવરણ; ત્યાં જોવા મળતા અન્ય સજીવોની અને અન્ય કોઈ પણ પરિબળોની તેઓ પર થતી અસર – આ સર્વનો અભ્યાસ તે ભૂગોળની એક શાખા છે. જૈવભૂગોળના અભ્યાસના બે અભિગમ છે :

(1) સ્થૈતિક જૈવ ભૂગોળ – જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશો અને તેમના વનસ્પતિસમૂહો તેમજ પ્રાણીસમૂહોના વિતરણનો અભ્યાસ થાય છે.

(2) ગતિક જૈવ ભૂગોળ : તે સજીવો(વનસ્પતિઓ અને પ્રાણીઓ)નાં વિતરણનાં કારણોનાં અર્થઘટન સાથે સંકળાયેલ છે.

જૈવ ભૂગોળને બે ઉપશાખાઓમાં વહેંચી શકાય : (i) વનસ્પતિભૂગોળ, અને (ii) પ્રાણીભૂગોળ.

વનસ્પતિભૂગોળમાં વનસ્પતિઓનું વિતરણ; વનસ્પતિનાં સ્વરૂપોને અનુલક્ષીને તેમનું વર્ગીકરણ; પ્રાદેશિક પર્યાવરણની સામુદાયિક અસરો; પૃથ્વીના વિવિધ પ્રદેશોમાં, વિવિધ પરિસ્થિતિઓમાં જોવા મળતી વનસ્પતિઓ વચ્ચેના તફાવતો; વનસ્પતિઓનું પ્રકીર્ણન (dispersal) અને તેમાં આવતા અવરોધો; કોઈ પણ પ્રદેશનો વનસ્પતિસમૂહ, તેનો ભૂત અને વર્તમાન; વનસ્પતિઓની પ્રાણીઓ અને મનુષ્યના જીવન પર અસરો વગેરેનો અભ્યાસ થાય છે.

વનસ્પતિભૂગોળ આર્થિક અગત્યની ર્દષ્ટિએ પણ મહત્વની છે. માનવજીવનની રોજબરોજની જરૂરિયાતો માટે ખોરાક તરીકે, ઉદ્યોગોમાં રસાયણો અને રેસાઓ પ્રાપ્ત કરવા માટે, ઔષધો બનાવવામાં અને અન્ય વિવિધ હેતુઓસર જુદી જુદી વનસ્પતિઓની જરૂર પડે છે. આ વનસ્પતિઓનું ભૌગોલિક વિતરણ, આબોહવા, પ્રકીર્ણન વગેરેની માહિતી આ શાસ્ત્ર પૂરી પાડે છે.

વિશ્વના મુખ્ય વનસ્પતિસમાજ : નિવાસસ્થાન અને પર્યાવરણીય પરિસ્થિતિઓ મુજબ, વિશ્વના મુખ્ય વનસ્પતિસમાજોના બે પ્રકાર પડે છે : (i) જલીય વનસ્પતિસમાજ, અને (ii) ભૌમિક વનસ્પતિસમાજ.

જલીય વનસ્પતિસમાજો : પૃથ્વીની સપાટીનો મોટો ભાગ જલીય પર્યાવરણ વડે રોકાયેલો છે. જલીય વનસ્પતિસમાજોના મુખ્ય ત્રણ પ્રકારો છે : (ક) મીઠા પાણીમાંના સમાજો, (ખ) દરિયાઈ સમાજો અને (ગ) મુખપ્રદેશમાંના સમાજો.

() મીઠા પાણીમાંના સમાજ : તેઓ મીઠા પાણીમાં આવાસ ધરાવે છે. આ આવાસ બે પ્રકારના હોય છે : (i) સરોજીવી (Lentic) જેમાં તળાવ, સરોવર, કળણભૂમિ(swamp)નો; (ii) સરિત્જીવી (Lotic) જેમાં નદી, ઝરણાં વગેરેનો સમાવેશ થાય છે. તે પૃથ્વીની સપાટીનો ભાગ્યે જ 1 % ભાગ રોકે છે. તે બીજધારી વનસ્પતિઓ (નિમજ્જિત, પ્લવિત અને ઉભયવાસી) અને વનસ્પતિ પ્લવકો (phytoplanktons); દા. ત., ડાયેટમ્સ, ડેસ્મિડ્સ, નીલહરિતલીલ, હરિતલીલ, હરિત પ્રજીવો અને હરિત કશાધારીઓ ધરાવે છે.

() દરિયાઈ સમાજ : તે દરિયા અને મહાસાગરોમાં જોવા મળે છે. મહાસાગરો એકબીજા સાથે સાતત્ય ધરાવે છે અને પૃથ્વીની કુલ સપાટીનો ¾ ભાગ આવરે છે. મહાસાગરના ભૌતિક, રાસાયણિક, પરિસ્થિતિકીય અને જૈવિક ર્દષ્ટિકોણથી થતા અભ્યાસને સમુદ્રવિજ્ઞાન (oceanography) કહે છે. ધ્રુવપ્રદેશનું તાપમાન 0° સે. જેટલું લઘુતમ અને ઉષ્ણપ્રદેશોમાં તે લગભગ 25° સે. જેટલું મહત્તમ હોય છે. ધ્રુવપ્રદેશે સૂર્યપ્રકાશની તીવ્રતા ઉષ્ણપ્રદેશો કરતાં અત્યંત અલ્પ હોય છે. પાણીમાં 3.5% જેટલું સોડિયમ ક્લોરાઇડ અને નાઇટ્રોજન ફૉસ્ફરસ તેમજ મૅંગેનીઝ સહિતનાં બધાં અનિવાર્ય તત્વો સૂક્ષ્મ માત્રામાં હોય છે.

આવા પાણીમાં જોવા મળતા મુખ્ય વનસ્પતિસમાજોમાં વનસ્પતિ પ્લવકો તરીકે ડાયેટમ્સ, હરિત કશાધારીઓ અને સૂક્ષ્મ કશાધારીઓ જોવા મળે છે અને હરિતલીલ, બદામી હરિતલીલ તેમજ લાલ હરિતલીલ દરિયાઈ અપતૃણકો (sea weeds) બનાવે છે. ઈલ-તૃણ (zostera) જેવી કેટલીક બીજધારી વનસ્પતિઓ પણ હોય છે. બદામી હરિતલીલ તેના મોટા કદને લીધે સૌથી વધારે નજરે પડે છે.

() મુખપ્રદેશના સમાજ : નદીનો મુખપ્રદેશ ભરતીની ભારે અસર હેઠળ દરિયાઈ અને મીઠા પાણીના આવાસને જોડતો સંક્રમણ (transitional) પ્રદેશ છે. આ પ્રદેશમાં દરિયાઈ અપતૃણકો તેમજ દરિયાઈ અને કળણભૂમિનાં ઘાસ જોવા મળે છે. કેટલાંક વનસ્પતિપ્લવકો અને જલતલીય સૂક્ષ્મ વનસ્પતિઓ પણ થાય છે.

ભૌમિક સમાજો : ભૂમિ પર વસવાટ ધરાવતા સજીવસમૂહોના મોટા એકમોને ભૌમિક સમાજો કહે છે. ભૌમિક સમાજમાં ચરમ અવસ્થામાં જોવા મળતો વનસ્પતિસમૂહ તે પ્રદેશમાં એકસરખો હોય છે.

(1) ટુન્ડ્ર : આ ભૌમિક સમાજો ઉત્તર ધ્રુવ ક્ષેત્રના મોટા વિસ્તારોને આવરે છે. ટુન્ડ્ર ચરમ અવસ્થામાં પૂર્ણપણે વૃક્ષવિહીન હોય છે. પ્રભાવી અને મુખ્ય જીવપ્રકારો શાકીય છે. વનસ્પતિઓમાં મુખ્યત્વે તૃણ, સેજ, શેવાળ, લાઇકેન અને વામનકદના ક્ષુપ મળી આવે છે. ગૌણ જીવપ્રકારની વનસ્પતિ ભૂમિ પર ચાદરની જેમ છવાય છે. વધુ ભેજયુક્ત વિસ્તારોમાં તૃણેતર (forb) પ્રકારની વનસ્પતિઓ મળી આવે છે. કોઈ વાર વામન ભોજવૃક્ષ (Betula) અને સેલીક્ષ મળી આવે છે. ખુલ્લી ઋતુમાં ઉપરના થોડાક સેમી. સિવાય ભૂમિ ઠરી ગયેલી હોય છે.

(2) ઉત્તર શંકુદ્રુમજંગલોનો સમાજ : તે ઉત્તર અમેરિકા અને યુરેશિયા બંનેને આરપાર સદાહરિત શંકુદ્રુમનાં જંગલોના જાડા પટ્ટાઓના સ્વરૂપે થાય છે. ટુન્ડ્ર વિસ્તારની સીમા તરફનાં વૃક્ષો નાનાં હોય છે અને દક્ષિણ તરફ જતાં જંગલ ગાઢ થતું જાય છે. આ પ્રદેશમાં સ્પ્રુસ, સોયાકાર પર્ણોવાળાં વૃક્ષો (firs) અને ચીડ(pines)ની જાતિઓ થાય છે; જેમાં Picea marina, Larix laricina, Abies balsamaea, Pinus Sylvestris, Sequoia Semipervirens, S. gigantia, Pseudotsuga, Pinus strobus, P. resinosa, Tsuga વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.

(3) ભેજવાળાં સમશીતોષ્ણ શંકુદ્રુમજંગલોના સમાજ : તેઓ મધ્ય કૅલિફૉર્નિયાથી અલાસ્કા સુધી ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે થાય છે. જોકે શંકુદ્રુમ વનસ્પતિઓ પ્રભાવી હોવા છતાં આ જંગલો ઉત્તરીય શંકુદ્રુમજંગલો કરતાં પરિસ્થિતિવિદ્યાકીય અને વાનસ્પતિક સંઘટન- (Floristic Composition)ની ર્દષ્ટિએ તદ્દન જુદાં છે. તેમને સમશીતોષ્ણ વર્ષાનાં જંગલો પણ કહે છે. Tsuga heterophylla, Thuja plicata, Abies grandis અને Pseudotsuga મુખ્ય પ્રભાવી વૃક્ષો છે. દક્ષિણમાં Sequoia અને ઉત્તરમાં Picea sitchensis મુખ્ય છે. પરરોહી શેવાળની જાતિઓ પણ થાય છે.

(4) સમશીતોષ્ણ પાનખરનાં જંગલોના સમાજ (temperate deciduous forest biomes) : તે પૂર્વીય ઉત્તર અમેરિકા, સમગ્ર યુરોપ, જાપાનનો કેટલોક ભાગ, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના ઉપરના ભાગને આવરે છે. બીચ, મેપલ, ઓક, ચેસ્ટનટ વગેરે પ્રભાવી વૃક્ષો છે. શાકીય અને ક્ષુપનાં સ્તરો પણ સારી રીતે વિકાસ પામેલાં હોય છે. ઘણી વનસ્પતિઓ માંસલ ફળો અને કાષ્ઠફળો ઉત્પન્ન કરે છે. કેટલીક શંકુદ્રુમ – ખાસ કરીને ચીડની જાતિઓ પણ ઉપચરમાવસ્થા(subclimax)એ હોય છે.

(5) પહોળાં પર્ણોવાળાં સદાહરિત ઉપોષ્ણ જંગલોના સમાજ : તે મધ્ય અને દક્ષિણ જાપાનની ઉષ્ણ-સમશીતોષ્ણ (warm-temperate) દરિયાઈ આબોહવામાં; ફ્લૉરિડા, ગલ્ફ અને દક્ષિણ આટલાંટિકના કિનારાઓ સહિતના પ્રદેશોમાં જોવા મળે છે. તે પુષ્કળ ભેજ અને ઉનાળા અને શિયાળામાં તાપમાનના ઓછા તફાવતવાળી પરિસ્થિતિમાં થાય છે. આવી સ્થિતિમાં સમશીતોષ્ણ પાનખરનાં જંગલોને બદલે પહોળાં પર્ણોવાળાં સદાહરિત જંગલો ચરમ અવસ્થામાં વિકાસ પામે છે. પ્રભાવી વનસ્પતિઓમાં Quercus vir-giniana, Magnolia, Ficus, aurea, Lysiloma, Bursera, Sabal Palmetto વગેરે સામાન્ય છે. વેષ્ટનશીલ કાષ્ઠમય લતાઓ અને પરરોહીઓ પણ જોવા મળે છે.

(6) સમશીતોષ્ણ તૃણ ભૂમિના સમાજ : જ્યાં વરસાદ 254 મિમી.થી 762 મિમી. જેટલો ઓછો અને રણપ્રદેશ કરતાં વધારે થાય છે અને જંગલના જીવપ્રકારોના વિકાસ માટે અસમર્થ છે; એવા પૃથ્વીના મોટા વિસ્તારને આવરે છે. જ્યાં ભૌમિક પરિબળોમાં ફેરફારો થયા હોય તેવા જંગલની આબોહવામાં પણ તૃણભૂમિ જોવા મળે છે. તે સામાન્ય રીતે ખંડોના અંદરની તરફના પ્રદેશોમાં થાય છે. ઉત્તર અમેરિકામાં આ સમાજ પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં વિભાજિત થાય છે; ઊંચાં તૃણ (Andropogon gerardi, Panicum virgatum, Sorghastrum nutans અને Sprtina pectinata), મધ્યમ તૃણ (A. scoparius, Stipaspartea, Sporobolus heterolepis, Agropyron smithii, Kaeleria cristata અને Oryzopsis) અને ટૂંકા તૃણ (Buchloe dactyloides, Bouteloua graciles, Poa અને Bromus)ની જાતિઓ પ્રભાવી છે.

(7) ઉષ્ણ કટિબંધીય સવાના (Savanna) સમાજ : ઉષ્ણકટિબંધમાં જ્યાં તૃણ અને તૃણેતર શાકીય વનસ્પતિઓ વચ્ચે છૂટાંછવાયાં વૃક્ષો હોય તે પ્રકારના વનસ્પતિસમૂહને સામાન્ય રીતે સવાના કહે છે; જ્યાં 1016 મિમી.થી 1524 મિમી. વરસાદ થાય છે. શુષ્ક ઋતુ લાંબી હોય છે અને ગરમી સામાન્ય છે – તેવા ઉષ્ણ પ્રદેશોમાં તે થાય છે. તે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં પણ થાય છે. વૃક્ષોની સંખ્યા ઓછી હોય છે. તૃણની Panicum, Pennisetum, Andropogon અને Impartaની જાતિઓ પ્રભાવી છે. Adan sonia, Euphorbia અને તાડની જાતિઓ વૃક્ષસ્વરૂપ હોય છે.

(8) રણમાંના સમાજ : તે સામાન્યત: 254 મિમી.થી ઓછો વરસાદ ધરાવતા પ્રદેશોમાં થાય છે. ઉત્તર આફ્રિકામાં સહરા, અલ્જિરિયા, અરેબિયા; પાકિસ્તાનમાં સિંધ, ભારતમાં રાજસ્થાનનો કેટલોક ભાગ, કચ્છ; મધ્ય એશિયામાં કાસ્પિયન સમુદ્રથી માંડીને મૉંગોલિયા અને મંચુરિયા સુધીનો પ્રદેશ (ગોબીનું રણ); ઉત્તર અમેરિકામાં ઉટાહ, નેવાડા, એરિઝોનાનો કેટલોક ભાગ, કૅલિફૉર્નિયા અને મેક્સિકોનો થોડો ભાગ – આ બધા ઉત્તર ગોળાર્ધના રણપ્રદેશો છે. દક્ષિણ આફ્રિકાનું કલહરીનું રણ, મધ્ય ઑસ્ટ્રેલિયાનું રણ, દક્ષિણ અમેરિકાનું આર્જેન્ટિના અને પૂર્વ પેટેગોનિયાનું રણ દક્ષિણ ગોળાર્ધના રણપ્રદેશો છે. Acacia, Prosopis, Gymnosporia અને Salvadoraની વૃક્ષસ્વરૂપ જાતિઓ રણપ્રદેશમાં છૂટીછવાઈ જોવા મળે છે. રણપ્રદેશોમાં (i) એકવર્ષાયુ શાકીય, (ii) માંસલ, અને (iii) ક્ષુપ વનસ્પતિઓ થાય છે. કેટલાંક રણમાં ખુલ્લી ભૂમિ પર શેવાળ, લીલ અને લાઇકેન્સ પણ જોવા મળે છે. રેતી પર નીલહરિત લીલ પણ થાય છે.

(9) ચેપરલ સમાજ : તે સમશીતોષ્ણ પ્રદેશોમાં કે જ્યાં શિયાળામાં પૂરતા પ્રમાણમાં વરસાદ થાય છે; પરંતુ ઉનાળા દરમિયાન વાતાવરણ શુષ્ક હોય છે. ચરમ અવસ્થામાં પહોળાં, સદાહરિત અને ર્દઢ પર્ણો ધરાવતી (sclerophyllous) વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ જોવા મળે છે. આ પ્રકારના સમાજો કૅલિફૉર્નિયામાં અને મેક્સિકો, ભૂમધ્ય સમુદ્રના કિનારાના દેશો, દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને મધ્ય ચિલીમાં જોવા મળે છે. પ્રાદેશિક આબોહવા પર આધાર રાખીને પ્રભાવી જાતિઓ ઘણી સંખ્યામાં હોય છે. વૃક્ષ કરતાં ક્ષુપની પ્રભાવિતા માટે મુખ્ય પરિબળ તરીકે તાપ જવાબદાર છે. આમ આ સમાજો અંશત: અગ્નિવિક્ષેપ ચરમાવસ્થા (fire disclimax) દર્શાવે છે. કૅલિફૉર્નિયામાં ક્ષુપ કે વૃક્ષસ્વરૂપના સદાહરિત ઓક, ઑલિવ અને પાઇનની પુષ્કળ સંખ્યા ઉપરાંત Adenostoma અને Arctostaphylos સામાન્યપણે મળી આવતી ક્ષુપ વનસ્પતિઓ છે. ઑસ્ટ્રેલિયન ચેપરલમાં Eucalyptus પ્રજાતિની ક્ષુપ અને વૃક્ષ જાતિઓ પ્રભાવી છે. Aloe અને Agaveમાં ભૂગર્ભીય પ્રકાંડ અને ખોરાક સંગ્રહ કરનારાં મૂળ હોય છે.

(10) પિનોનજ્યુનિપર સમાજ : આ વનભૂમિ (પિગ્મી શંકુદ્રુમ) ગ્રેટ બેસિનના આંતરિક ભાગો, કૉલોરાડોના નદીના પ્રદેશો, ઉટાહ, એરિઝોના, ન્યૂ મેક્સિકો, નેવાડા, પશ્ચિમ-મધ્ય કૅલિફૉર્નિયાના વિશાળ પ્રદેશોને આવરે છે. ભેજ મહત્વનું પરિબળ છે. અસમાનપણે પડતો 254 મિમી.થી 508 મિમી. જેટલો વરસાદ Pinus edulis, P. monophylla અને Juniperusની કેટલીક જાતિઓની કુંઠિત વૃદ્ધિ માટે જવાબદાર છે.

(11) ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલોના સમાજ અથવા વિષુવવૃત્તનાં સદાહરિત વર્ષા જંગલોના સમાજ : તે વિષુવવૃત્તની નજીક આવેલા દેશોમાં જોવા મળે છે; જ્યાં વાર્ષિક વરસાદ 2032 મિમી.થી 2286 મિમી. કરતાં પણ વધારે પડે છે. વરસાદ લગભગ આખા વર્ષ દરમિયાન વરસતો હોવાથી તદ્દન શુષ્ક ઋતુનો અભાવ હોય છે.

દક્ષિણ અમેરિકામાં ઉત્તરે મેક્સિકોના અખાતથી મકરવૃત્ત સુધી, કોલંબિયા, યુકોડોર (પૅસિફિક મહાસાગરના પ્રદેશો), મધ્ય અને પૂર્વ આફ્રિકામાં કોંગો, નાઇજર અને ઝેમ્બેઝીના તટપ્રદેશો, પૂર્વ આફ્રિકાના ભાગો, માડાગાસ્કર, ભારત (સહ્યાદ્રિની ખીણો, અસમ), લાઓસ, કમ્બોડિયા, ફિલિપાઇન્સના ટાપુઓ, ફિજી, ઇન્ડોમલાયા, બૉર્નિયો, ન્યૂગિયાના અને પૂર્વ ઑસ્ટ્રેલિયામાં આ જંગલો પ્રસરેલાં છે.

પ્રદેશ મુજબ જાતિ-સંઘટન બદલાય છે; પરંતુ જંગલના સામાન્ય બંધારણ અને પરિસ્થિતિવિદ્યામાં ભાગ્યે જ તફાવત જોવા મળે છે. આ જંગલોમાં સુંદર સ્તરીકરણ થાય છે. વૃક્ષો સામાન્યત: ત્રણ સ્તરો બનાવે છે. આ વિવિધ સ્તરો એકબીજામાં ક્રમિક રીતે ભળી જતા હોવાથી જુદા જુદા સ્તર સહેલાઈથી છૂટા પાડી શકાતા નથી. વૃક્ષોનાં મૂળતંત્ર આધારિત મૂળ જાતિઓ થાય છે. ઉપરાંત, વેષ્ટનશીલ કાષ્ઠમય લતાઓ અને પરરોહીઓ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

(12) ઉષ્ણકટિબંધીય કાંટાળાં અને પાનખરનાં જંગલોના સમાજ : આ સમાજો જ્યાં ભેજસંબંધો એક બાજુએ રણ અને સવાના અને બીજી બાજુએ વર્ષાનાં જંગલોથી વચગાળાના હોય છે ત્યાં જોવા મળે છે. તે વિશાળ વિસ્તારને આવરે છે. મુખ્ય આબોહવાકીય પરિબળ કુલ સારા વરસાદનું અપૂર્ણ વિતરણ છે. તે આફ્રિકા, મધ્ય અને ઉત્તર ઑસ્ટ્રેલિયા, ઈશાન બ્રાઝિલ, મેક્સિકો, સુદાન અને રાતા સમુદ્રના કિનારા પરના કેટલાક ભાગોમાં સામાન્ય છે. આ પ્રદેશોમાં કાંટાળાં જંગલ પ્રકારનો વનસ્પતિસમૂહ જોવા મળે છે. શુષ્કઋતુમાં વૃક્ષો પર્ણ ખેરવી નાખે છે.

Acacia arabica, A. Catechu, Terminalia crenulata, Wrightia tinctoria, Ixoro parviflora, Sterculia urens, Lannea coromadelica, Garuga pinnata, Grewia tilifolia જેવાં વૃક્ષો આ પ્રદેશમાં જોવા મળે છે.

Zizyphus jujuba, Gymnosporia montana, Prosopis specigera, Capparis decidua કાંટાળા સવાના બનાવે છે.

મુખ્ય ક્ષુપોમાં Helicteris isora, Carissa carandas, Holorhhina antidysendricaને ગણાવી શકાય.

વિશ્વના વનસ્પતિભૌગોલિક (Phytogeographic) પ્રદેશો

આબોહવાકીય અને ભૌગોલિક પરિસ્થિતિને આધારે પૃથ્વીને સામાન્યત: ચાર વિશાળ વાનસ્પતિક પટ્ટાઓમાં વિભાજિત કરવામાં આવે છે : (1) ઉત્તર ધ્રુવક્ષેત્ર, (2) ઉત્તર સમશીતોષ્ણ ક્ષેત્ર, (3) ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર અને (4) દક્ષિણ સમશીતોષ્ણ.

(1) ઉત્તર ધ્રુવક્ષેત્ર : તે ધ્રુવ પ્રદેશની નજીકનો વિસ્તાર છે. ઉત્તરે 662 અક્ષાંશથી ઉત્તર ધ્રુવ સુધીના પ્રદેશને ઉત્તર ધ્રુવ ક્ષેત્ર કહે છે; જેમાં ગ્રીનલૅન્ડ, અલાસ્કા, સ્કૅન્ડિનેવેનિયન દેશોનો ઉત્તર ભાગ, સાઇબિરિયા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રદેશ બેમાં વિભાજિત થાય છે : (ક) મુખ્ય ઉત્તર ધ્રુવપ્રદેશ (Arctic proper), અને (ખ) ઉપોત્તર ધ્રુવ (sub-Arctic) પ્રદેશ.

() વિશેષ ઉત્તર ધ્રુવપ્રદેશ : તે ઉત્તરધ્રુવનો સમગ્ર વર્ષ દરમિયાન હિમાચ્છાદિત રહેતો પ્રદેશ છે. કેટલીક લીલ, એકવર્ષાયુ સપુષ્પ વનસ્પતિઓ, શેવાળ અને લાઇકેન્સ વનસ્પતિસમૂહના મુખ્ય ઘટકો છે.

() ઉપોત્તર ધ્રુવપ્રદેશ : ઉત્તર સમશીતોષ્ણ ક્ષેત્રની ઉત્તરીય સીમારેખાથી ધ્રુવીય પ્રદેશની સીમાને જોડતા ઓછા સ્પષ્ટ (less defined) પ્રદેશને ઉપોત્તર ધ્રુવ પ્રદેશ કહે છે. આ પ્રદેશમાં આવેલા, ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોમાં વનસ્પતિસમૂહ એકસરખો હોય છે. તે પણ ખૂબ ઠંડો પ્રદેશ છે. કળણભૂમિ પુષ્કળ પ્રમાણમાં હોય છે. નાનાં વૃક્ષો, ક્ષુપ અને શાકીય વનસ્પતિઓ શંકુદ્રુમની સાથે સાથે સામાન્ય છે. Betula અને Salixની જાતિઓ જોવા મળે છે. ભૂમિ પરના વનસ્પતિસમૂહોમાં કેટલીક ત્રિઅંગીઓ, ઑર્કિડ્સ, કીટાહારી વનસ્પતિઓ, શેવાળ અને લાઇકેન્સ જોવા મળે છે. અલાસ્કામાં ગાઢ ઊંચાં સદાહરિત વૃક્ષ-જંગલોનો વિકાસ થયેલો છે.

(2) ઉત્તર સમશીતોષ્ણ ક્ષેત્ર : તે પૃથ્વીના પૂર્વીય અને પશ્ચિમી ગોળાર્ધોને આવરે છે અને લગભગ 30° ઉત્તર અક્ષાંશથી 55° ઉત્તર અક્ષાંશ વચ્ચે જોવા મળે છે. તે મુખ્ય બે વિભાગોમાં વિભાજિત થાય છે :

() પૂર્વીય ગોળાર્ધનો ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશ (North Temperate of Eastern hemisphere) : આ વિભાગ નીચેના પ્રદેશોમાં વિભાજિત થાય છે :

() પશ્ચિમી અને મધ્ય યુરોપ : તે ઉત્તરમાં ઉપોત્તર ધ્રુવ અને દક્ષિણમાં આલ્પ્સ અને બ્રિટિશ દ્વીપોની વચ્ચેનો પ્રદેશ છે, તેમનાં જંગલો અનાવૃત્ત બીજધારીઓનાં ઊંચાં વૃક્ષો ઑક, ચેપલ અને ચેસ્ટનટની પ્રભાવી જાતિઓ ધરાવે છે. ભૂમિ પરની વનસ્પતિઓમાં કેટલાક ઑર્કિડ્સ, જંગલી ગુલાબો, માખણ-કટોરી (Butter cups), વાયોલા, સાલ્વિયા અને ડાયન્થસની જાતિઓ જોવા મળે છે. વધારે ઊંચાઈએ તૃણની અને શાકીય સપુષ્પ વનસ્પતિઓની જાતિઓ જોવા મળે છે.

() ભૂમધ્યસમુદ્રીય વનસ્પતિસમૂહ : તે 30° ઉત્તર અને 40° ઉત્તર વચ્ચે યુરોપમાં ગિરિમાળાની દક્ષિણે અને એશિયાના ભૂમધ્ય સમુદ્રની ફરતે આવેલો પ્રદેશ છે. તેની આબોહવા ઉષ્ણ-સમશીતોષ્ણ પ્રકારની હોય છે. અગત્યનાં ફળો આપતાં વૃક્ષો, ઑર્લિવ્સ, કાષ્ઠફળ-વૃક્ષો અને નારંગી જેવી વનસ્પતિઓ મુખ્ય છે. તાડ, કેકટાઈ અને એકેસિયાની કેટલીક જાતિઓ સામાન્ય છે. એશિયાના પ્રદેશમાં, દા. ત., આરબ દેશોમાં, વનસ્પતિસમૂહ છૂટોછવાયો હોય છે; જેમાં Atriplex, Alhagi, Polygonum અને Phoenix dactyliferaની જાતિઓ સામાન્ય છે.

() ઉત્તર આફ્રિકા : આ પ્રદેશમાં મોરોક્કો, અલ્જિરિયા, લિબિયા અને ઇજિપ્તના ઉત્તરના ભાગોનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વરસાદ ઓછો થાય છે અને વનસ્પતિસમૂહ છૂટોછવાયો હોય છે. વધારે ઠંડા વિસ્તારો અને પર્વતો પર કેટલીક શંકુદ્રુમ અને પહોળાં પર્ણવાળા ઓકની જાતિઓ સામાન્ય છે. રણપ્રદેશમાં કેટલીક શાકીય, માંસલ (succulents), ક્ષુપ પ્રકારની જાતિઓ અને કાષ્ઠમય એકેસિયા થાય છે. સહરાના રણનો ભાગ આ પ્રદેશમાં સમાવાયેલો છે.

() હિમાલય, પૂર્વ એશિયા અને જાપાન : હિમાલયનો વનસ્પતિસમૂહ વૈવિધ્યપૂર્ણ છે. તિબેટ, ચીન અને જાપાનના જુદા જુદા પ્રકારનો વનસ્પતિસમૂહ હોય છે. ચીનમાં મોટા ભાગના કુદરતી વનસ્પતિસમૂહનું કૃષ્ટ (cultivated) વનસ્પતિઓ દ્વારા પ્રતિસ્થાપન થયું છે. ચીન અને જાપાનમાં કેટલાક શંકુદ્રુમ, Ginkgo biloba, સાયકસ; ઉપરાંત રહોડોડેન્ડ્રોન્સ Cinnamomum camphora, Begonia વગેરે જાતિઓ સામાન્ય છે.

() પશ્ચિમી ગોળાર્ધનો ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશ : આ પ્રદેશમાં 30° થી ઉત્તર 55° ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલ અમેરિકા અને કૅનેડાના ભાગોનો સમાવેશ થાય છે. આ દેશોના પૂર્વ દરિયાકિનારાના પ્રદેશોમાં (Schizaea pusilla), ઉષ્ણપ્રદેશનો હંસરાજ જેવી કેટલીક ખૂબ લાક્ષણિક જાતિઓ થાય છે. સામાન્ય રીતે જંગલો શંકુદ્રુમ અને પાનખર વૃક્ષોનાં બનેલાં હોય છે. ઓછી ઊંચાઈએ જોકે ચેરી, જરદાળુ, ગુલાબ અને ઑર્કિડની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ન્યૂ ઇંગ્લૅન્ડના પ્રદેશમાં Ulmus americana જેવાં વૃક્ષો પુષ્કળ હોય છે. અમેરિકાના દક્ષિણના પ્રદેશોમાં ઊંચાં વૃક્ષોનાં ગાઢ જંગલો વિકસ્યાં છે. પશ્ચિમમાં રૉકી પર્વતો અને પૅસિફિક બાજુના ઢોળાવો પર વિવિધ પ્રકારનાં જંગલો જોવા મળે છે. આ ક્ષેત્રમાં દરિયાના સમતલથી નીચાણવાળા પણ કેટલાક વિસ્તારો આવેલા છે. દક્ષિણ એરિઝોના અને ઉત્તર-પૂર્વ કૅલિફૉર્નિયામાં મોટા રણપ્રદેશો છે. ઉત્તર કૅલિફૉર્નિયામાં વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ Sequoiax sempervirens થાય છે. ભૂમિ પરની વનસ્પતિઓમાં Salicornia herbacea, Rumex maritima, Monotropa uniflora, Primula અને Saxifragaની જાતિઓ થાય છે.

(3) ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર : આ ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા, ઉષ્ણકટિબંધીય એશિયા, મેક્સિકો અને દક્ષિણ અમેરિકાના મોટા વિસ્તારોનો સમાવેશ થાય છે. તે બે પ્રદેશોમાં : (અ) પુરોષ્ણકટિબંધીય પ્રદેશ (Paleotropic)  અને (આ) નવોષ્ણકટિબંધીય પ્રદેશ- (Neotropical region)માં વિભાજિત થાય છે.

[] પુરોષ્ણકટિબંધીય પ્રદેશ : તે જૂની દુનિયા કે પૂર્વ ગોળાર્ધના ઉષ્ણપ્રદેશો ધરાવે છે અને તેના બે વાનસ્પતિક વિભાગો પડે છે.

() ઉષ્ણકટિબંધીય આફ્રિકા : તે અસમતલ ભૂમિનો બનેલો ખૂબ વિશાળ પ્રદેશ છે. મેન્ગ્રુવ્સ, ક્ષુપ અને નાનાં વૃક્ષોની જાતિઓ મુખ્ય ઘટકો છે. તેના અંદરના પ્રદેશોમાં ગાઢાં જંગલોનો વિકાસ થયેલો હોય છે; જેમાં ફાઇક્સ, બૉમ્બેક્સ અને શિમ્બી કુળની કેટલીક જાતિઓ થાય છે. ભૂમિ પરના સ્તરમાં તૃણની કેટલીક જાતિઓ થાય છે. આફ્રિકામાં Welwitschia સૌથી નોંધપાત્ર વનસ્પતિ છે. Borassus flabelliformis, Tamarindus indica, Ficus, Asparagus, Clematis, Phaseolus, Cassia fistula, Ery- thrina, Acacia, Albizzia, Zizyphus, Bauhiniaની જાતિઓ ખુલ્લાં જંગલોમાં થાય છે.

સહરાના રણનો આ પ્રદેશમાં સમાવેશ થયેલો છે; જ્યાં વરસાદ ખૂબ ઓછો થાય છે કે બિલકુલ થતો નથી.

(ખ) ઉષ્ણકટિબંધીય એશિયા : આ પ્રદેશમાં અરેબિયા, પાકિસ્તાનનો ભાગ, ભારત, બર્મા, શ્રીલંકા, થાઇલૅન્ડ અને હિંદી મહાસાગરના દ્વીપોનો સમાવેશ થાય છે. અરેબિયામાં મોટે ભાગે રણપ્રદેશમાં થતી જાતિઓ જોવા મળે છે. Acacia અને Prosopisની જાતિઓ સામાન્ય છે. Coffia arabica અરેબિયાનું વતની છે. શ્રીલંકા જાતિ-વૈવિધ્ય પુષ્કળ ધરાવે છે; જ્યાં ચોખા, શેરડી, કેળ, આંબા અને પપૈયાનું વાવેતર મોટા ભાગની ભૂમિમાં થાય છે. કુદરતી છૂટાછવાયા વનસ્પતિસમૂહમાં હંસરાજની જાતિઓ મહત્વની છે. બર્મા, થાઇલૅન્ડ વગેરેમાં ચોખાનું વાવેતર મુખ્ય છે. ફણસ, નારંગી, આંબા, કેળ, સોપારી, વગેરે સામાન્ય વૃક્ષો છે. મલાયા, જાવા, સુમાત્રા વગેરેમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે અને ત્યાં તાડ અને હંસરાજની જાતિઓ સામાન્ય છે. ઊંચાં વૃક્ષો, કાષ્ઠમય લતાઓ, કીટાહારી વનસ્પતિઓની મુખ્ય જાતિઓ જોવા મળે છે. જાવામાં Albizzia, Pterocarpus, Tamarindus, Bombax, Dendrocalamus વગેરે મહત્ત્વનાં વૃક્ષો થાય છે.

[] નવોષ્ણકટિબંધીય પ્રદેશ : તે મેક્સિકો અને દક્ષિણ અમેરિકાનો મોટો વિસ્તાર ધરાવે છે. મેક્સિકોના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં શુષ્કોદભિદ વનસ્પતિઓ થાય છે. મોટા ભાગની ભૂમિમાં ઘઉં, મકાઈ, ફળો અને શાકભાજીઓનું વાવેતર થાય છે. વધારે ઊંચાઈએ ઠંડા પ્રદેશોમાં Pinus, Spruce, Quercus અને Populusનાં વૃક્ષો થાય છે. પર્વતના શિખર પર તૃણની જાતિઓ જોવા મળે છે. ભેજવાળા વિસ્તારોમાં શેવાળ, વાંસ, તાડ અને ઑર્કિડની જાતિઓ થાય છે. દક્ષિણ અમેરિકામાં વિશાળ જંગલોમાં Bertholletia excelsa, Maximiliana regia વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ઘણી પરરોહી વનસ્પતિઓ પણ થાય છે. ઓછા ભેજયુક્ત વિસ્તારોનાં જંગલોમાં શિમ્બી કુળનાં મોટાં વૃક્ષો સામાન્ય છે.

(4) દક્ષિણ સમશીતોષ્ણ ક્ષેત્ર : તે આફ્રિકાના દક્ષિણ પ્રદેશનો છેડો, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનો બનેલો છે. આફ્રિકાના વિસ્તારોમાં મુખ્યત્વે હંસરાજ અને અનાવૃત્તબીજધારીની જાતિઓ થાય છે. ભેજવાળા પ્રદેશોમાં Salix અને Phragmites મળી આવે છે. શુષ્ક પ્રદેશોમાં એકેસિયા અને તૃણની વિવિધ જાતિઓ સામાન્ય છે. ઑસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગોમાં થતી મોટા ભાગની જાતિઓ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે સામ્ય દર્શાવે છે. લાક્ષણિક વૃક્ષ જાતિઓમાં તાડ, કાષ્ઠફળો, યુકેલિપ્ટસ, એકેસિયા અને કૅશ્યૂએરિનાની જાતિઓ થાય છે. ભૂમિ પરના સ્તરમાં હંસરાજની જાતિઓ મુખ્ય છે. Rhopalostylis — તાડની એક જાતિ તેની વિશેષતા છે. Metrosiderosની કેટલીક જાતિઓ પણ થાય છે. ન્યૂઝીલૅન્ડમાં દ્વિઅંગીઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

વનસ્પતિભૂગોળનો ગતિક અભિગમ

ગુડ (1931, 1964), મેસન (1936) અને કેઈને (1971) જૈવિક અને ભૌગોલિક જ્ઞાનને આધારે ગતિક વનસ્પતિભૂગોળના તેર મૂળભૂત સિદ્ધાંતો પ્રસ્તુત કર્યા. આ તેર સિદ્ધાંતો નીચે પ્રમાણેનાં ચાર મૂળભૂત જૂથોમાં વર્ગીકૃત થાય છે :

() પર્યાવરણીય પરિસ્થિતિઓ : પૃથ્વીની ઉંમર સાથે સાથે તે વનસ્પતિસમૂહના વિકાસ અને ભિન્નતા માટે જવાબદાર છે.

() વનસ્પતિપ્રતિભાવો : તે પૃથ્વીની પરિવર્તન પામતી પર્યાવરણીય અને ભૂસ્તરીય સ્થિતિની સાથે સાથે વનસ્પતિઓની વિવિધ જાતિઓની પરિસ્થિતિકીય વિપુલતાની માત્રામાં થતા પરિવર્તન સાથે સંબંધિત છે.

() વનસ્પતિની જાતિઓનું અભિગમન : એક સ્થળેથી બીજે સ્થળે વનસ્પતિની જાતિના સ્થળાંતરણ, નવતર (newer) જાતિ માટે જવાબદાર વિવિધ પરિબળો અને આ પ્રક્રિયાનું નિયમન કરતા વિવિધ સિદ્ધાંતોની સ્પષ્ટતા કરે છે.

() વનસ્પતિની જાતિઓનું સ્થાયિત્વ (perpetuation) અને ઉદવિકાસ : તે નવા વિસ્તારોમાં જાતિના સફળતાપૂર્વકના વિકાસ અને આવી સ્થાનભ્રષ્ટતા(displacement)ના ઉદવિકાસ સાથે સંકળાયેલ છે.

વય અને વિસ્તારનો અધિતર્ક : વિલિસે (1922) જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વનસ્પતિની જાતિઓના વિતરણની સમજૂતી આપતા આ સિદ્ધાંત મુજબ કોઈ પણ ચોક્કસ જાતિના વિતરણનો વિસ્તાર તે જાતિની વય સાથે સીધા પ્રમાણમાં સંબંધિત છે, એટલે કે, જો જાતિનો ઉદવિકાસ વહેલો થયેલો હોય તો તેના વિતરણના વિસ્તારો વિશાળ હોય છે અને જેમનો ઉદવિકાસ મોડો થયેલો હોય તો તે નાના વિસ્તારો પૂરતું મર્યાદિત રહે છે. શ્રીલંકામાં ટેકરીઓ પર અને સપાટ મેદાનોમાં થતી કોલિયસની વિવિધ જાતિઓના વિતરણના અભ્યાસ પરથી તેમણે આ સિદ્ધાંત આપ્યો; પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય અને વનસ્પતિ અશ્મવિદ્યાના પુરાવાઓ તેમજ આર્થિક હેતુ માટે વનસ્પતિજાતિનો ઉપયોગ ભાગ્યે જ આ સિદ્ધાંતને અનુમોદન આપે છે. જાતિના સંચારણના વિસ્તારનું નિયમન તેની વય દ્વારા સમગ્રપણે થતું નથી; પરંતુ હવે તે સ્પષ્ટ થયું છે કે આ પ્રક્રિયામાં ઘણાં પર્યાવરણીય પરિબળો સંકળાયેલાં છે.

સ્થાનિકતા (Endemism) : કેટલીક જાતિઓ તેમની વિતરણની માત્રામાં તફાવત દર્શાવે છે. જે જાતિઓ ખૂબ મોટા ભૌગોલિક વિસ્તારોને આવરે છે તેમને વિશ્વવ્યાપી (cosmopolitan) કહે છે, જ્યારે અન્ય કેટલીક જાતિઓ અત્યંત નાના વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે, તેમને સ્થાનિક (endemic) જાતિઓ કહે છે અને આ ઘટનાને સ્થાનિકતા કહે છે. સ્થાનિકતા જાતિની પરિસ્થિતિકીય પરિસ્થિતિઓની વ્યાપક મર્યાદાઓ સાથેની અલ્પ અનુકૂલનક્ષમતાને આભારી છે. તે દરિયો, ઊંચા પર્વતો જેવા કેટલાક ભૌગોલિક અવરોધોની હાજરીને લીધે પણ હોય છે. જે વનસ્પતિની જાતિ પુરાતન કાળમાં સારી રીતે વિતરણ પામેલી હોય; પરંતુ ભૂસ્તરીય, ભૌગોલિક અને આબોહવાકીય ફેરફારોને લીધે હાલમાં મર્યાદિત વિસ્તારમાં જ થતી હોય તો તેને અવશેષ-સ્થાનિક કહે છે. યુરોપમાં આલ્પ્સ પર્વત, માડાગાસ્કર, ન્યૂઝીલૅન્ડ અને હવાઈના ટાપુઓમાં વનસ્પતિની ઘણી જાતિઓ સ્થાનિક છે. હિમાલયમાં દ્વિદળીની 28.8 % જાતિઓ સ્થાનિક છે, જે જાતિઓ થોડા સમય પૂર્વે ઉત્પન્ન થઈ હોય અને તેથી તે વધારે વિસ્તારોમાં ફેલાયેલી ન હોય; છતાં તેનું વિતરણ ચાલુ હોય તો આવી જાતિઓને સૂક્ષ્મ સ્થાનિક જાતિઓ કહે છે. આવી જાતિઓને જો અમુક પ્રકારની આબોહવા કે નવા જ પ્રકારનું વાતાવરણ મળે તો તેમાંથી નવો જ પ્રકાર ઉત્પન્ન થાય છે. આ નવજાત વનસ્પતિ ચોક્કસ વાતાવરણમાં જ વિકસી શકે અને વધારે વિસ્તારમાં ફેલાય નહિ, તો તેમને નવ-સ્થાનિક કહે છે. તેમાં રંગસૂત્રોની સંખ્યા વધારે હોવાથી તેમની ફેલાવાની ક્ષમતા પણ વધારે હોય છે.

કોઈ પણ મુખ્ય જાતિમાં વિકૃતિ ઉદભવતાં નવી જાતિ બને તો તેને કૂટ-સ્થાનિક (pseudo-endemic) કહે છે. પરિસ્થિતિકીય કારણોને લઈને જો વનસ્પતિઓ અમુક જ વિસ્તારમાં જોવા મળે તો તેમને પારિસ્થિતિક સ્થાનિક (ecological-endemic) કહે છે. એક જ પ્રકારની જાતિ વિશ્વના બે કે તેથી વધારે પ્રદેશોમાં સ્થાનિક હોય તો તેને બહુ સ્થાનીય-સ્થાનિક (polytopic-endemic) કહે છે.

પ્રાણીભૂગોળ : જીવાવરણમાં વિવિધ પ્રાણીઓનાં વિતરણનાં સ્થાન તેમજ સમયના સંદર્ભે થતા અભ્યાસ સાથે પ્રાણીભૂગોળ સંબંધિત છે. સ્થાનના સંદર્ભે પ્રાણીઓનાં વિતરણમાં (1) ભૌગોલિક વિતરણ એટલે કે ક્ષૈતિજ (Horizontal) કે પૃષ્ઠીય (Superficial) વિતરણ, અને (2) અનુગભીર (Bathymetric) એટલે કે આયામ કે તુંગ વિતરણનો સમાવેશ થાય છે. સમયના સંદર્ભે થતા પ્રાણીઓના વિતરણને ભૂસ્તરીય વિતરણ કે અવધિક વિતરણ કહે છે.

પ્રકીર્ણનના અવરોધો : વિશ્વના વિવિધ પ્રદેશોને તેમનો પોતાનો વનસ્પતિસમૂહ અને પ્રાણીસમૂહ હોય છે, જે નિશ્ચિત વિસ્તારની પ્રવર્તમાન પર્યાવરણીય પરિસ્થિતિઓ પર અવલંબે છે. આમ, વિતરણના સંદર્ભમાં વિવિધ પ્રદેશોના વનસ્પતિસમૂહો અને પ્રાણીસમૂહો સમાન વલણ ધરાવતા નથી. વિતરણના વલણમાં જોવા મળતી અસમાનતા કેટલેક અંશે આ પ્રદેશો વચ્ચે રહેલા કેટલાક ભૌતિક અને જૈવિક અવરોધકોની હાજરીને આભારી છે. આવા અવરોધો માત્ર પ્રાણીઓના જ નહિ; પરંતુ વનસ્પતિઓના પણ અસમાન વિતરણ માટે જવાબદાર છે. વિવિધ પ્રકારના અવરોધો નીચે મુજબ છે :

(1) સ્થળાકૃતિક અવરોધ : આ પ્રકારના અવરોધોમાં ભૌતિક પરિબળો જેમ કે, ઊંચી વિસ્તૃત ગિરિમાળા; જે ઘણા ભૌમિક જીવપ્રકારોના વિતરણને મર્યાદિત બનાવે છે.

(2) આબોહવાકીય અવરોધ : કેટલાક પ્રદેશોમાં નિશ્ચિત આબોહવાકીય પરિબળ કેટલીક જાતિઓના વિતરણને મર્યાદિત બનાવે છે. તાપમાન અને ભેજના ખૂબ મોટા તફાવતો અત્યંત મહત્વના છે. ઉભયજીવીઓ અને સરીસૃપો સમશીતોષ્ણ પ્રદેશ કરતાં ઉષ્ણકટિબંધમાં વધારે સામાન્ય છે અને ધ્રુવ તરફ જતાં તેમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

(3) વનસ્પતિ સમૂહઅવરોધ તરીકે : વનસ્પતિ સમૂહ જૈવિક પ્રકારનો અવરોધ છે; જે પ્રાણીઓના વિતરણ પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરે છે. વનસ્પતિઓ પ્રાણીઓ માટે ખોરાક અને આશ્રયસ્થાન પૂરાં પાડે છે. આમ, ખોરાકની ટેવ પ્રમાણે, પ્રાણીઓ તેમની પસંદગીની વનસ્પતિઓની આસપાસના વિસ્તારમાં તેમનું રહેઠાણ મર્યાદિત બનાવે છે; દા. ત., પ્રાઇમેટસ શ્રેણીનાં પ્રાણીઓ ઉષ્ણકટિબંધીય જંગલોમાં રહેવાનું પસંદ કરે છે; જ્યાં તેઓ ફળો, કાષ્ઠફળો, કલિકાઓ અને કુમળા પ્રરોહોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પક્ષીઓ અને કીટકો પણ ત્યાં વસવાટ ધરાવે છે.

(4) વિશાળ જલકાયો : તે ઉભયજીવી સરીસૃપો અને સસ્તનોના વિતરણમાં અસરકારક ભૌતિક અવરોધો તરીકે વર્તે છે. આમ, મીઠા પાણીમાં થતી માછલીઓ, સાપ કે ગરોળીની કેટલીક જાતિઓ દરિયાઈ ખારા પાણીને વટાવીને સામેના કિનારા સુધી જઈ શકતી નથી.

(5) વિશાળ ભૂમિ : વિશાળ જળાશયો કે સમુદ્રની જેમ ભૂમિનો અમર્યાદિત વિસ્તાર દરિયાઈ પ્રાણીઓના પ્રકીર્ણનમાં અસરકારક ભૌતિક અવરોધ તરીકે વર્તે છે.

પ્રકીર્ણનનાં સાધનો : ઉપયુક્ત અસરકારક અવરોધો છતાં વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમના પ્રકીર્ણન માટે લાંબા અંતરના અનેક અભિગામી માર્ગોને અનુસરે છે. તેમનાં પ્રકીર્ણનનાં સામાન્ય સાધનો નીચે પ્રમાણે છે :

(1) ભૂમિ સેતુઓ : સુએઝ અને પનામાના ભૂમિ સેતુઓ પ્રાણીઓ અને વનસ્પતિઓના આંતરવિનિમય માટેનાં સુંદર સાધનો છે. ભૂતકાળમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે ભૂમિ-સંપર્ક હતો. પછીથી જોકે આ બંને જુદા પડી ગયા. આ બે ખંડો વચ્ચે ભૂમિસેતુના પુનર્નિર્માણથી બંને ખંડોનાં પ્રાણીઓ અને વનસ્પતિઓનું સ્થળાંતરણ શક્ય બન્યું છે.

(2) કુદરતી તરાપા અને અપવાહી કાષ્ઠ : કેટલાંક પ્રાણીઓ ઘસડાતા પદાર્થો (દા. ત., હિમશિલા) પર લાંબા અંતર સુધી અભિગમન કરે છે. ઉપરાંત, વનસ્પતિના કુદરતી તરાપા દરિયાના પાણીમાં પ્રકીર્ણન માટેનું એક અસરકારક સાધન ગણાય છે. આવા તરાપા વાંદરા, બિલાડી, વાઘ, ખિસકોલીઓ, સરીસૃપો અને મૃદુકાયોનું વહન કરે છે.

(3) અનુકૂળ ઝંઝાવાતો (Favouring gales) : હવાઈ પ્રાણીઓ જેવાં કે કીટકો, પક્ષીઓ, ચામાચીડિયું વગેરેનું ઝંઝાવાત કે આંધી દ્વારા લાંબા અંતર સુધી પ્રકીર્ણન થાય છે. પક્ષીઓ આ માટે જાણીતાં છે.

(4) અભિગમન (migration) : પ્રાણીઓનું સ્થાયી કે પ્રજાતીય પ્રચલન અને ઋતુકીય અભિગમન બંને તેમના પ્રકીર્ણનના સંદર્ભે અગત્યનાં છે.

વિશ્વના પ્રાણી-ભૌગોલિક પ્રદેશો

(Zoogeographic Regions of the World)

વૉલેસ (1976)ના મતાનુસાર પૃથ્વી પર આવેલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશો નીચે પ્રમાણે છે :

(1) પુરોત્તરધ્રુવીય પ્રદેશ (Palaearctic region) : આ સૌથી વિશાળ પ્રદેશમાં સમગ્ર યુરોપ, ઉત્તર ચીન, જાપાન, સોવિયેટ રશિયા, આફ્રિકાના ઉત્તરના ભાગો અને પર્સિયા વગેરેનો સમાવેશ થાય છે. તેને યુરોપિયન, ભૂમધ્યસમુદ્રીય, સાઇબિરિયન અને મંચુરિયન ઉપપ્રદેશોમાં વિભાજિત કરવામાં આવે છે. તે ભૌમિક પૃષ્ઠવંશીઓનાં 135 કુળ (સસ્તન-33; વિહંગ 68; સરીસૃપ 24; મત્સ્ય અને ઉભયજીવી 10) ધરાવે છે.

(2) ઇથિયોપિયન પ્રદેશ : આ પ્રદેશમાં સમગ્ર આફ્રિકા અને અરેબિયા, માડાગાસ્કર અને મોરિશિયસનો સમાવેશ થાય છે. તેનો પ્રાણીસમૂહ ખૂબ વિભિન્ન હોય છે અને ભૌમિક પૃષ્ઠવંશીઓનાં 161 કુળ ધરાવે છે; જે પૈકી 30 કુળ આ પ્રદેશ માટે સ્થાનિક છે; જેમાં સસ્તનો જેવાં કે આય-આય (Aye-Aye), સોનેરી છછુંદરો, કૂદતાં સસલાંઓ, ઊડતી આફ્રિકન ખિસકોલીઓ અને જિરાફનો સમાવેશ થાય છે. આ પ્રદેશને પૂર્વ આફ્રિકન, ઉત્તર આફ્રિકન, દક્ષિણ આફ્રિકન અને માલગાસી ઉપપ્રદેશોમાં વિભાજિત કરવામાં આવે છે.

(3) પૌરસ્ત્ય પ્રદેશ : આ પ્રદેશમાં એશિયાના બધા જ ઉષ્ણકટિબંધીય ભાગો જેવા કે ભારત, શ્રીલંકા, દક્ષિણ ચીન, મલેશિયા અને જાવા, સુમાત્રા, ફિલિપાઇન્સ, બોર્નિયો, બાલી વગેરે દ્વીપોનો પણ સમાવેશ થાય છે. આ પ્રદેશની આબોહવાકીય પરિસ્થિતિઓ વિભિન્ન હોય છે. ભારતીય ઉપપ્રદેશમાં ઉત્તરે રણ; દક્ષિણ ભારત અને શ્રીલંકામાં ઉષ્ણકટિબંધીય અને ભુતાન તેમજ યાંગ-ત્સે-ક્યાંગમાં સમશીતોષ્ણ આબોહવા હોય છે. આ પ્રદેશનો મોટો ભાગ જંગલો વડે રોકાયેલો છે. ભૌમિક પૃષ્ઠવંશીઓનાં 153 કુળ પ્રતિનિધિત્વ દર્શાવે છે. તે પૈકી 10 કુળ (સસ્તન 4; વિહંગ 1 અને સરીસૃપ-5) આ પ્રદેશ માટે વિશિષ્ટ છે.

પ્રાણીસમૂહોની લાક્ષણિકતાઓ

આ પ્રદેશોમાં જોવા મળતી પ્રજાતિઓ નીચે મુજબ છે :

() મત્સ્ય : મીઠા પાણીમાં થતી માછલીઓનાં 13 કુળ જોવા મળે છે; જેમાં નોટોપ્ટેરિડ્સ, સિલ્યુરિડ્સ એનાબેન્ટિડ્સ, સાયપ્રિનોઇડ્સ અને નેન્ડીડી વગેરેનો સમાવેશ થાય છે.

() ઉભયજીવીઓ : તેમનાં 9 કુળ જોવા મળે છે, જેમાં સીસીલિયન્સ, રહેકોફોઇડ્સ (વૃક્ષવાસી દેડકાંઓ), સામાન્ય દેડકાંઓ અને કેટલાક સાલામાન્ડરોનો સમાવેશ થાય છે.

() સરીસૃપો : તેમનાં 35 કુળ થાય છે જેમાં સત્ય વાઇપરો, પીટ વાઇપરો, દરિયાઈ સાપ, કાચબો, મીઠા પાણીના સાપ, વૃક્ષવાસી સાપ, પાયથોનિડી, મગર, ગેવિઆલીસ, જલીય ગરોળીઓ, જેકોસનો સમાવેશ થાય છે.

() વિહંગો : આ પ્રદેશમાં તેમનું 71 કુળ દ્વારા પ્રતિનિધિત્વ થાય છે; જેમાં બેબલરો (બડબડિયા), સૂર્યપક્ષી, કાગડાઓ, ચકલીઓ, લક્કડખોદ, બાર્બેટો, કોયલ, કલકલિયો, કબૂતર, ઘુવડ, મોર વગેરેની જાતિઓનો સમાવેશ થાય છે.

() સસ્તનો : આ પ્રદેશમાં આ વર્ગનાં 35 કુળ થાય છે જેમાં શેળો, છછુંદર, ઊડતા લેમૂર્સ, જૂની દુનિયાના વાંદરાઓ, બિલાડીઓ, રીંછ, કૂતરાં, હાથી, ગેંડો, કૃન્તકો, ઉરાંગઉટાંગ વગેરેનો સમાવેશ થાય છે. ગિબન્સ, ટાર્સિયર્સ અને વૃક્ષવાસી છછુંદર આ પ્રદેશનાં લાક્ષણિક પ્રાણીઓ છે.

પૌરસ્ત્ય પ્રદેશ ચાર ઉપપ્રદેશોમાં વિભાજિત થાય છે, જે નીચે પ્રમાણે છે :

(1) ભારતીય ઉપપ્રદેશ : આ ઉપપ્રદેશમાં સમગ્ર ભારત(હિમાલયના ઢોળાવથી કેપ-કોમોરિન)નો સમાવેશ થાય છે અને તે ભૌમિક પૃષ્ઠવંશીઓનાં 123 કુળ ધરાવે છે. કોલ્યુબ્રિન સાપની એકમાત્ર જાતિ ધરાવતું ઇલેચિસ્ટોડોન્ટિડી કુળ વિશિષ્ટ છે. સસ્તનોમાં ચાર શિંગડાં ધરાવતું સાબર, ભારતીય રીંછ અને વિશલ્ક-પુચ્છ (shield-tails) આ ઉપપ્રદેશની ખાસિયત છે.

(2) સિલોનીઝ ઉપપ્રદેશ : તે શ્રીલંકાના દ્વીપનો બનેલો છે; જેનાં ભૌતિક લક્ષણો વધતેઓછે અંશે દક્ષિણભારતની ગિરિમાળાઓ સાથે સામ્ય ધરાવે છે. વિશલ્ક-પુચ્છ, લોરિસ, કાંટાળો ઉંદર, પર્ણકીટક કાલિમા અનુહારી (mimetic) પતંગિયાં આ ઉપપ્રદેશનાં જાણીતાં પ્રાણીઓ છે.

(3) ઇન્ડોચાઇનીઝ ઉપપ્રદેશ : આ ઉપપ્રદેશમાં ચીન, બર્મા, થાઇલૅન્ડ, આંદામાનના દ્વીપો, ફોર્મોસા અને પુરોત્તર ધ્રુવીય પ્રદેશની સીમાના દક્ષિણના ભાગોનો સમાવેશ થાય છે. ભારતીય અને સિલોનીઝના ઉપપ્રદેશોની તુલનામાં આ ઉપપ્રદેશનો પ્રાણીસમૂહ વધારે સંપન્ન અને વૈવિધ્યપૂર્ણ હોય છે. અહીં ભૌમિક પૃષ્ઠવંશીઓનાં 138 કુળ મળી આવે છે; જેમાં એઇલ્યુરસ, બ્યુડોક્રેસ, હેપેલોમાયસ, છછુંદર, ગિબન, ઊડતા લેમૂર્સ, ટેપીર, ગેંડા, સાલામાન્ડરો અને ચપટી જીભવાળાં દેડકાંની જાતિઓ વિશિષ્ટ છે.

(4) ઇન્ડોમલાયન ઉપપ્રદેશ : આ ઉપપ્રદેશમાં મલાયન દ્વીપકલ્પ અને મલાયન દ્વીપસમૂહોના દ્વીપો – બોર્નિયો, જાવા, સુમાત્રા, નિકોબાર વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં 132 કુળ ધરાવતો પ્રાણીસમૂહ થાય છે. ઉરાંગઉટાંગ, સૂંઢવાળી વાંદરાની જાતિ, મલાયન બેજર, વૃક્ષવાસી છછુંદર, ગિબન, પહોળી ચાંચ ધરાવતી પક્ષીની જાતિ વગેરે મહત્વની જાતિઓ આ ઉપપ્રદેશમાં થાય છે.

(5) ઑસ્ટ્રેલિયન પ્રદેશ : આ પ્રદેશમાં સમગ્ર ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ન્યૂગિની અને તેની સાથે સંકળાયેલા પ્રશાંત મહાસાગરના દ્વીપોનો સમાવેશ થાય છે. પૌરસ્ત્ય અને ઑસ્ટ્રેલિયન પ્રદેશ વચ્ચેની કલ્પિત રેખા જે બાલી અને લોમ્બોકના દ્વીપો વચ્ચેથી પસાર થાય છે; જેને વૉલેસની રેખા કહે છે. તેના વિવિધ ભાગોમાં સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય એમ બે પ્રકારની આબોહવા હોય છે. ભૌમિક પૃષ્ઠવંશીઓના આ પ્રદેશમાં 134 કુળો થાય છે; જેમાં 30 કુળ (સસ્તનો 8, વિહંગ 17 સરીસૃપ 3 અને ઉભયજીવી 2) વિશિષ્ટ છે. બધાં જ સસ્તનો મોનોટ્રેમાટા અને શિશુધાનીસ્તની (marsupialia) હોય છે અને જરાયુજ સસ્તનો બિલકુલ જોવા મળતાં નથી. શિશુધાનીસ્તનીમાં કાંગારું અને સંબંધિત સ્વરૂપોનો સમાવેશ થાય છે. કાંગારું, વૉમ્બટ્સ, બેન્ડિકૂટ્સ, ફેલેન્જર્સ, શિશુધાનીસ્તની છંછુદર અને ડેસ્યોર્સ સસ્તનોની મળી આવતી વિશિષ્ટ જાતિઓ છે. પક્ષીઓમાં કીવી, ઈમૂ, કેઝોવરીસ, સ્વર્ગનું પક્ષી વગેરે અગત્યનાં છે. સરીસૃપોમાં સ્ફિનોડોન, ભીંગડાંયુક્ત પગવાળી ગરોળીઓ, ઊડતા નદીના કાચબા અને ઇલેપિડ સાપની જાતિઓનો સમાવેશ થાય છે. આ પ્રદેશને ઑસ્ટ્રો-મલાયન, ઑસ્ટ્રેલિયન, પૉલિનેશિયન અને ન્યૂઝીલૅન્ડ – એમ ચાર ઉપપ્રદેશોમાં વિભાજિત કરવામાં આવે છે.

(6) નવોષ્ણ કટિબંધીય પ્રદેશ : આ પ્રદેશમાં દક્ષિણ મેક્સિકો, મધ્ય અને દક્ષિણ અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ગેલાપાગોસના દ્વીપોનો સમાવેશ થાય છે. તે ઉષ્ણકટિબંધીય ગાઢ જંગલોવાળો પ્રદેશ છે. ભૌમિક પૃષ્ઠવંશીઓનાં 155 કુળ થાય છે; જે પૈકી 39 કુળ (સસ્તનો 10; વિહંગ 23;  સરીસૃપો 2 અને ઉભયજીવીઓ 4) આ પ્રદેશનાં લાક્ષણિક કુળો છે. આ પ્રદેશ ચિલિયન, બ્રાઝિલિયન, મેક્સિકન અને આર્ટિલિયન ઉપપ્રદેશોમાં વિભાજિત થાય છે.

(7) નવોત્તર ધ્રુવીય પ્રદેશ : આ પ્રદેશમાં ગ્રીનલૅન્ડ અને મેક્સિકોના મધ્ય સુધીના ઉત્તર અમેરિકાનો સમાવેશ થાય છે. પશ્ચિમમાં મોટાં સરોવરો અને દ્વીપ ધરાવતા સમુદ્રો છે. ભૌમિક પૃષ્ઠવંશીઓના 120 કુળ (સસ્તનો 26; પક્ષીઓ 59; સરીસૃપો 21; અને ઉભયજીવી 14) થાય છે; તે પૈકી 5 કુળ વિશિષ્ટ છે. સસ્તનોમાં હેપ્લોડોન્ટિડી, પ્રોન્ગ બક (દાંતવાળા હરણની જાતિ); પક્ષીઓમાં રેન-ટિટ્સ સરીસૃપોમાં એનિલિડી અને ઉભયજીવીઓમાં સાયરેનિડીનો સમાવેશ થાય છે.

ભૂસ્તરીય વિતરણ : વનસ્પતિઓ અને પ્રાણીઓના સમયના સંદર્ભમાં દર્શાવાતા વિતરણને ભૂસ્તરીય વિતરણ કે અવધિક વિતરણ કહે છે અને તે ઉદવિકાસની પ્રક્રિયાની સમજૂતી માટે ખૂબ મહત્વ ધરાવે છે. ભૂસ્તરશાસ્ત્રમાં ફેરફાર પામતી પર્યાવરણીય પરિસ્થિતિઓના પુરાવાઓ સહિતનો ખડકોનો અભ્યાસ થાય છે. તે મુજબ પૃથ્વીના ભૂતકાળના ઇતિહાસને મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે; જેને મહાકલ્પ કહે છે; પ્રત્યેક મહાકલ્પનું કલ્પમાં અને પ્રત્યેક કલ્પનું યુગમાં વિભાજન કરવામાં આવે છે.

વિવિધ મહાકલ્પો, કલ્પો અને યુગોનું વર્ગીકરણ તેમજ તે સમયે મળી આવેલાં અશ્મીભૂત પ્રાણીઓ નીચે પ્રમાણે છે :

(I) આદ્ય મહાકલ્પ (Archeozoicera) અને પ્રાગજીવ મહાકલ્પ (Proterozoic) : આદ્ય મહાકલ્પ 200 કરોડથી 150 કરોડ વર્ષ પુરાણો છે અને પ્રાગ્જીવ મહાકલ્પ 150 કરોડ વર્ષથી 56 કરોડ વર્ષ જૂનો છે. આ બંને મહાકલ્પોમાં જીવ વિશેના પુરાવાઓ અત્યંત અલ્પ પ્રમાણમાં સાંપડ્યા છે. મુખ્યત્વે આદ્ય કક્ષાના એકકોષી પ્રજીવો અને એકકોષી વનસ્પતિઓનો ઉદભવ થયો.

(II) પુરામહાકલ્પ (Paleozoic era, 56 કરોડ વર્ષ પૂર્વે) : આ મહાકલ્પને (i) કેમ્બ્રિયન (55.3 કરોડ વર્ષ); (ii) ઓર્ડોવિસિયન (44.8 કરોડ વર્ષ); (iii) પ્રવાલાનિ (Sihurian; 38.1 કરોડ વર્ષ); (iv) મત્સ્ય (Devoinan, 35.4 કરોડ વર્ષ); (v) અંગાર (Carboniferous, 30.9 કરોડ વર્ષ); અને (vi) ગિરિ (Permian, 22.3 કરોડ વર્ષ) કલ્પોમાં વિભાજિત કરવામાં આવેલ છે. કેમ્બ્રિયનમાં ટ્રાઇલોબાઇટ્સ પ્રભાવી હતા અને તેઓ સૌપ્રથમ મળી આવેલાં દરિયાઈ પ્રાણીઓ હતાં. ઓર્ડોવિસિયનમાં કવચધારી મત્સ્યો, નોટીલીડ્સ, પરવાળાં, મૃદુકાય અને શૂળચર્મીઓનો ઉદભવ થયો અને ટ્રાઇલોબાઇટ્સ લુપ્ત થયા. કેમ્બ્રિયન અને ઓર્ડોવિસિયન ઉચ્ચ કક્ષાનાં ‘કવચધારી અપૃષ્ઠવંશીઓના યુગ’ તરીકે જાણીતા છે. પ્રવાલાનિ કલ્પમાં ફુપ્ફુસ મત્સ્ય, ઑસ્ટ્રેકોડર્મ્સ, કરોળિયા અને વીંછીઓનો; જ્યારે મત્સ્ય કલ્પમાં ઉભયજીવીઓ(સૌપ્રથમ ભૌમિક પ્રાણીઓ)નો ઉદભવ થયો. પ્રવાલાનિ અને મત્સ્ય બંને કલ્પો ‘મત્સ્યયુગ’ તરીકે જાણીતા છે. અંગાર કલ્પ દરમિયાન પ્રાચીન શાર્ક, આદિસરીસૃપો અને કીટકોનો ઉદભવ થયો; આ કલ્પમાં ઉભયજીવીઓ પ્રભાવી હતા. ગિરિકલ્પ દરમિયાન અર્વાચીન કીટકો, એમોનાઇટ્સ અને ભૌમિક પૃષ્ઠવંશીઓનો ઉદભવ થયો અને ઉભયજીવીઓની અવનતિ થઈ.

(III) મધ્ય મહાકલ્પ (Mesozoic era; 18.5 કરોડ વર્ષ પૂર્વે) : તે ત્રણ કલ્પોમાં વિભાજિત થાય છે.

(1) રક્તાશ્મ કલ્પ (Triassic, 18.5 કરોડ વર્ષ પૂર્વે) : ડાયનોસૉરોનો ઉદભવ થયો, કવચધારી ઉભયજીવીઓ લુપ્ત થયાં.

(2) મહાસરી કલ્પ (Jurassic, 15.7 કરોડ વર્ષ પૂર્વે) : પક્ષીઓ અને ઊડતાં સરીસૃપોનો ઉદભવ થયો. છીપો (clams) અને ગોકળગાયોનું અસ્તિત્વ હતું.

(3) ખટી (Cretaceous) કલ્પ (12.5 કરોડ વર્ષ પૂર્વે) : સરી- સૃપોમાં અંત્ય, વિશિષ્ટીકરણ થયું. આ કલ્પ દરમિયાનમાં મહાસરીસૃપો લુપ્ત થયાં. આ કલ્પને ‘સરીસૃપોનો યુગ’ કહે છે. વિહંગ, શિશુધાનીસ્તનીની શરૂઆત થઈ. સાપ પ્રથમ વાર જોવા મળ્યા. આધુનિક મત્સ્ય અને અપૃષ્ઠવંશીઓનું અસ્તિત્વ હતું.

(IV) નૂતન મહાકલ્પ (Coenozoic era : 6.5 કરોડ વર્ષ પૂર્વે) : તેને બે (1) તૃતીયક અને (2) ચતુર્થકમાં વિભાજિત કરવામાં આવે છે.

(1) તૃતીયક યુગને પાંચ ભૂસ્તરીય ઉપયુગોમાં વહેંચવામાં આવે છે : () પ્રાદિનૂતન (Paleocene, 6.5 કરોડ વર્ષ પૂર્વે) : જરાયુજ સસ્તનો અને આધુનિક વિહંગોનો ઉદવિકાસ થયો.

() આદિનૂતન (Eocene, 5.95 કરોડ વર્ષ પૂર્વે) : આદિ સસ્તનો અશ્મીભૂત થયાં. આધુનિક સસ્તનોનો ઉદભવ થયો.

() અલ્પ નૂતન (Oligocene, 3.75 કરોડ વર્ષ પૂર્વે) : ઉચ્ચ કક્ષાનાં સસ્તનોનો ઉદવિકાસ થયો.

() મધ્યનૂતન (Miocene, 2.65 કરોડ વર્ષ પૂર્વે) : સસ્તનોની મહત્તમ જાતિઓનો વિકાસ થયો. આધુનિક માંસાહારીઓનું અસ્તિત્વ હતું.

() અતિનૂતન (Pliocene, 1.45 કરોડ વર્ષ પૂર્વે) : કેટલાંક સસ્તનોની અવનતિ થઈ.

(2) ચતુર્થ યુગ બે ભૂસ્તરીય ઉપયુગોમાં વર્ગીકૃત થાય છે :

() નૂતનતમ (Pleistocene, 25 લાખ વર્ષ પૂર્વે) અથવા હિમ ઉપયુગ : આ યુગ દરમિયાન ચાર વાર હિમકાળ પ્રવર્ત્યા અને કેટલાક પ્રભાવી સસ્તનો લુપ્ત થઈ ગયાં. પૂર્વમાનવ અને ઉપમાનવ અવસ્થાનો ઉદભવ અને અસ્ત થયાં. માનવમગજનો જૈવિક ઉદવિકાસ થયો. પથ્થરયુગની સંસ્કૃતિનો પ્રારંભ થયો. આધુનિક માનવજાતિઓનો ઉદભવ થયો.

() પશ્ચ હિમ (Holocene) ઉપયુગ : આજથી 20,000 વર્ષ પૂર્વે શરૂ થયો. આધુનિક માનવ, આધુનિક પક્ષીઓ અને કીટકોનું અસ્તિત્વ અને માનવનો સાંસ્કૃતિક વિકાસ આ યુગની વિશિષ્ટતા છે.

બળદેવભાઈ પટેલ