જૈવ પ્રદીપ્તિ (bioluminescence) : સજીવો દ્વારા થતી પ્રકાશ- ઉત્સર્જનની ક્રિયા (emission of light). આગિયો, કેટલાક સમુદ્રી સૂક્ષ્મજીવો જેવા પ્રકાશનું ઉત્સર્જન કરનાર સજીવોમાં વગેરેમાં લ્યુસિફેરિન નામનું જૈવ-રસાયણ આવેલું છે. લ્યુસિફેરેઝ ઉત્સેચકની અસર હેઠળ તેનું ઓક્સિડેશન થાય છે. ઉચ્ચ ઊર્જાવાળી ઉત્તેજિત અવસ્થામાં તેનું રૂપાંતરણ થાય છે. પરિણામે આ અણુઓમાં આવેલ રાસાયણિક-કાર્યશક્તિનું રૂપાંતર પ્રકાશ-શક્તિમાં થતાં, પ્રકાશનું ઉત્સર્જન થાય છે. જૈવ પ્રદીપ્તિમાં આગિયાનું ઉજ્જ્વલન, સમુદ્રી સૂક્ષ્મજીવો અને કેટલાક અન્ય સજીવો દ્વારા થતી સ્ફુરદીપ્તિ (phosphorescence) અને અંધારી રાત્રે ગાઢ જંગલમાં બિલાડીના ટોપ દ્વારા થતી પ્રદીપ્તિ જેવી ઘટનાઓ જૈવ પ્રદીપ્તિના વિવિધ પ્રકારો છે.

આગિયામાં થતી પ્રકાશ-ઉત્સર્ગ પ્રક્રિયાના તબક્કા આ મુજબ છે :

1. લ્યુસિફેરિન લ્યુસિફેરિન – AMP સંકીર્ણ + PPi

2. લ્યુસિફેરિન – AMP સંકીર્ણ + O2 → ઑક્સિડાઇઝ્ડ – લ્યુસિફેરિન + AMP + CO2

3. ઑક્સિડાઇઝ્ડ ઉચ્ચકાર્યશક્તિ-પ્રેરિત – લ્યુસિફેરિન → કાર્યશક્તિનું વિમોચન + ઑક્સિડાઇઝ્ડ – લ્યુસિફેરિન

4. મુક્ત થયેલ કાર્યશક્તિ → (પીળા ફોટોનોના સ્વરૂપમાં) પ્રકાશ-શક્તિમાં રૂપાંતરણ

બૅક્ટેરિયા સાથે સંકળાયેલ પ્રકાશ-ઉત્સર્ગ-પ્રક્રિયામાં O2નો એક અણુ રિબૉફ્લેવિન સહઉત્સેચક અને લાંબી કાર્બનશૃંખલાયુક્ત આલ્ડિહાઇડ(RCHO)નું ઑક્સિડેશન કરે છે. આ ઑક્સિડાઇઝ્ડ અણુઓ સાથે લ્યુસિફેરિન સંયોજન પામે છે. પરિણામે લ્યુસિફેરિન સંકીર્ણ નિર્માણ થાય છે. આ સંકીર્ણનું વિઘટન થતાં hu ફોટોન (લીલો) મુક્ત થાય છે. આ પ્રતિક્રિયાની હારમાળાને નીચે મુજબ સમજાવી શકાય :

1. રિબોફ્લેવિન – ફૉસ્ફેટ + RCHO + O2 → ઑક્સિડાઇઝ્ડ રિબોફ્લેવિન ફોસ્ફેટ + ઑક્સિડાઇઝ્ડ RCHO

2. ઑક્સિડાઇઝ્ડ રિબોફ્લેવિન ફૉસ્ફેટ + RCHO + લ્યુસિફેરિન → લ્યુસિફેરિન-ફ્લેવિન સંકીર્ણ

3. લ્યુસિફેરિન-ફ્લેવિન સંકીર્ણ + NADH + H+ → hυ (લીલો ફૉટોન) + લ્યુસિફેરિન + ફ્લેવિન + RCHO + H2O + NAD.

4. hu → ફૉસ્ફૉરેસન્સ સ્વરૂપે લીલા પ્રકાશનું ઉત્સર્જન.

જૈવપ્રદીપ્તિની ઉપયોગિતા : આગિયો, કેટલાક અન્ય કીટકો અને નૂપુરકમાં થતી જૈવ પ્રદીપ્તિની અસર હેઠળ પ્રાણીઓ સાથીઓને પ્રજનનાર્થે આકર્ષે છે. માછલી કે અષ્ટબાહુ(ઑક્ટોપસ)ની ત્વચા પર પ્રકાશશીલ-બૅક્ટેરિયા વસે છે. યજમાનો આ પ્રકાશનો ઉપયોગ ખોરાક શોધવા માટે કરે છે. હિંદ અને પૅસિફિક મહાસાગરમાં વાસ કરનાર ફોટોબ્લેફેરૉન માછલી પ્રકાશનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. તેનું પ્રકાશ-અંગ આંખની નીચે આવેલ છે જે ત્યાં આવેલ સંદીપ્તશીલ બૅક્ટેરિયાને આભારી છે. પ્રકાશ વડે તે સાથીને આકર્ષે છે. વળી અંધારી રાત્રે ખોરાકને શોધવા માટે પણ તે પ્રકાશનો ઉપયોગ કરે છે. તદુપરાંત આ માછલી વાંકીચૂકી દિશાએ ગમન કરીને ભક્ષકની દિશાચૂક કરે છે. આ રીતે રક્ષણ મેળવે છે.

રા. ય. ગુપ્તે

વિનોદ સોની