જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો હોય છે; પરંતુ તે ઊડીને કે ધોવાઈને સ્થાનાંતરિત થઈ જાય છે.

કેટલાંક પ્રાણીઓ અને ક્યારેક અમુક પ્રકારની વનસ્પતિના સ્રાવ દ્વારા ઝેરી (toxic) પદાર્થો ઉત્પન્ન કરે છે, જે ખડકો પર રાસાયણિક પ્રક્રિયા કરી વિઘટનને મદદરૂપ થાય છે. ભૂમિ પર પડતો જતો, એકઠો થયેલો વનસ્પતિજન્ય કચરો અમુક સમય સુધી પડી રહેવાથી કોહવાતો જાય છે, તેમાંથી હ્યૂમસ તરીકે ઓળખાતું સેન્દ્રિય દ્રવ્ય બને છે, જે ખડકોનું રાસાયણિક વિઘટન કરવામાં સહાયરૂપ થાય છે.

વૃક્ષો અને છોડ તેમનાં મૂળ જમીનમાં – ખડકોમાં ઉતારે છે, તેમનો વિકાસ થતાં તે જમીન–ખડકને ફાડી નાખે છે. પરિણામે ખડકો નરમ બની ખવાણ પામતા જાય છે. ખવાણ પામેલો સપાટીસ્થિત છૂટો પડતો જથ્થો પવન કે પાણી દ્વારા સ્થાનાંતરિત થાય છે. લીલ અને શેવાળ જેવી વનસ્પતિ ક્યારેક ખડકસપાટી પર જામતી હોય છે. તે જૈવ-રાસાયણિક ક્રિયા કરીને કાર્બનિક અમ્લ ઉત્પન્ન કરે છે, જેનાથી ખડકોનું વિઘટન થઈ શકે છે.

બૅક્ટેરિયા પણ ખડકોના વિઘટનમાં ઘણો મહત્વનો ફાળો આપે છે. મનુષ્યો દ્વારા થતું ખડકોનું ખનન અને જંગલો કાપવાની પ્રવૃત્તિથી ખુલ્લો બનતો ભૂમિભાગ ખડકોના ખવાણ માટે અનુકૂળતા ઊભી કરી આપે છે. ઉપર મુજબની ક્રિયાઓ દ્વારા ખડકોનું જૈવિક ખવાણ થતું રહે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા