જેમા (જીમા) કલિકા

January, 2012

જેમા (જીમા) કલિકા (કુડ્મલી પ્યાલો – Gemma cup) : દ્વિઅંગી (bryophyta) વનસ્પતિઓમાં રંગે લીલી, બહુકોષી, આધારસ્થળના સંસર્ગમાં આવતા માતૃછોડથી છૂટી પડી અંકુરણ પામતી કલિકા. તે વાનસ્પતિક (vegetative) પ્રજનનનો પ્રકાર છે.

માર્કેન્શિયામાં સૂકાય(thallus)ની પૃષ્ઠ બાજુએ પ્યાલા જેવા અવયવમાં ઘણી બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. તે પ્યાલાને કુડ્મલી પ્યાલો કે જીમા પ્રકલિકા કહે છે. પૂર્ણ કદ ધારણ કર્યા પછી તે પ્યાલામાંથી છૂટી પડી અંકુરણ પામી નવા છોડનું સર્જન કરે છે.

રિકાર્ડિયામાં દ્વિકોષી, અને લુનુલેરિયામાં તે બહુકોષી, ચપટી અને દ્વિઅર્ધગોળાકાર હોય છે.

કુડ્મલી પ્રકાંડના અગ્રભાગે કે પર્ણના કક્ષમાં ઉત્પન્ન થાય છે. તેના પ્યાલામાં અંડાકાર, બિમ્બ જેવી ચપટી, મધ્યભાગમાં વધુ સ્તર ધરાવતી અને કિનારી તરફ એક સ્તરની જાડાઈવાળી રચના છે. તેના મધ્યભાગે વર્ધનશીલ કોષોની હારથી વર્ધનબિંદુ સ્થાન લે છે. તેની કિનારી નજીક આવેલા કોષોમાં નીલકણને બદલે તેલનાં ટીપાં સંગ્રહાય છે.

આમ મૃદુતક કોષો પુન:સર્જન માટે સંપૂર્ણ રીતે સમર્થ (totipotent) છે. આ જૂથની વનસ્પતિઓ નવસર્જનની અદભુત શક્તિ ધરાવે છે.

અંજના સુખડિયા