જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ;  અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી.

આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું જ નહીં 17 વર્ષની નાની વયે બૉમ્બે યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે એલએલ.બીની ઉપાધિ મેળવી. એ સમયે વકીલ બનવાની લઘતુમ વય 21 વર્ષ હતી, પણ એક વિશેષ અપવાદરૂપ વ્યવસ્થા કરીને તેમને 18 વર્ષની વયે વકીલ બનવાની છૂટ આપવામાં આવી હતી. બૉમ્બે યુનિવર્સિટીમાંથી જ એલએલ.એમની ઉપાધિ મેળવી.

જીવનનો પ્રથમ કેસ સિંધની કોર્ટમાં જસ્ટિસ ગોડફ્રે ડેવિસની કોર્ટમાં લડ્યા, જેમાં તેમણે સિંધની બાર કાઉન્સિલ દ્વારા પસાર કરેલા લઘુતમ વય સાથે સંબંધિત નિયમનો વિરોધ કર્યો. ભારતનાં ભાગલાં અગાઉ વકીલ અને પ્રોફેસર તરીકે સિંધમાં કારકિર્દી શરૂ કરનાર રામ જેઠમલાનીએ કરાંચીમાં તેમના મિત્ર એ. કે. બ્રોહી સાથે પોતાની લૉ ફર્મ સ્થાપિત કરી. ફેબ્રુઆરી, 1948માં કરાંચીમાં કોમી રમખાણો થવાથી મિત્ર બ્રોહીની સલાહને માનીને ખિસ્સામાં ફક્ત રૂ. 10 લઈને સપરિવાર ભારત આવી ગયાં અને થોડા દિવસ શરણાર્થી છાવણીમાં રહ્યા.

ભારતમાં આવ્યા પછી પહેલો કેસ શરણાર્થી તરીકે લડ્યા. તેમણે બૉમ્બે શરણાર્થી કાયદામાં શરણાર્થીઓ સાથે અમાનવીય વ્યવહારની જોગવાઈઓ સામેલ હોવાનો આરોપ મૂકીને બૉમ્બે હાઈ કોર્ટમાં કેસ કર્યો અને આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા અરજી કરી. આ કેસમાં તેમનો વિજય થયો. જોકે તેમને પ્રસિદ્ધિ 1960ના અંતે 1959માં દેશમાં ખળભળાટ મચાવનાર નાણાવટી કેસમાં મળી. કમાન્ડર કવાસ નાણાવટીએ તેમની પત્ની સિલ્વિયાના પ્રેમી પ્રેમ આહૂજાની હત્યા કરી. આ કેસમાં તેમણે કમાન્ડર નાણાવટીનો બચાવ કર્યો. પછી 1960ના દાયકામાં જેઠમલાનીએ હાજી મસ્તાન સહિત અનેક દાણચોરોના કેસ લડ્યા, જેના પગલે તેઓ ‘દાણચોરોના વકીલ’ તરીકે જાણીતા થયા. સાથે સાથે તેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી.

વર્ષ 1954માં મુંબઈની ગવર્નમેન્ટ લૉ કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક એમ બંને અભ્યાસક્રમો માટે પાર્ટ-ટાઇમ પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ મિશિગન સ્ટેટમાં ડેટ્રોઇટમાં વાયને સ્ટેટ યુનિવર્સિટીમાં કમ્પેરેટિવ લૉનો અભ્યાસ પણ કરાવતા. તેઓ કટોકટી અગાઉ અને પછી કુલ ચાર વાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચૅરમૅન રહ્યા છે. વર્ષ 1996માં તેઓ ઇન્ટરનેશનલ બાર એસોસિયેશનના સભ્ય પણ બન્યા. વર્ષ 2010માં સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા.

9 સપ્ટેમ્બર, 2017ના રોજ વ્યવસાયિક નિવૃત્તિ જાહેર કરી. ધારાશાસ્ત્રીની સાથે રાજકીય કારકિર્દીમાં પણ રામ જેઠમલાનીએ સારી સફળતા મેળવી.

કટોકટી દૂર થયાના 10 મહિના પછી ભારતમાં પુનરાગમન કર્યું. વર્ષ 1977માં મુંબઈ ઉત્તર-પૂર્વની લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી અને સાંસદ બન્યા. વર્ષ 1980ની લોકસભાની ચૂંટણીમાં આ જ બેઠક પરથી ફરી વિજય મેળવ્યો. પરંતુ વર્ષ 1985માં પ્રસિદ્ધ અભિનેતા સુનિલ દત્ત સામે પરાજય થયો. વર્ષ 1988માં રાજ્યસભાના સાંસદ બન્યાં. વર્ષ 1996માં અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં પહેલી વાર કેન્દ્રીય કાયદા, ન્યાય અને કંપની મંત્રી બન્યા. વર્ષ 1998માં વાજપેયીના બીજા શાસનકાળમાં કેન્દ્રીય શહેરી અને રોજગાર મંત્રી બન્યા. 13 ઑક્ટોબર, 1999ના રોજ કેન્દ્રીય કાયદા, ન્યાય અને કંપની મંત્રી બન્યા. પછી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ આદર્શ સૈન આનંદ અને ભારતના એટર્ની જનરલ સોલી સોરાબજી સાથે વિવાદો થવાથી રાજીનામું આપવાની ફરજ પડી. ત્યારબાદ વર્ષ 2004માં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે લખનૌની બેઠક પરથી અટલ બિહારી વાજપેયી સામે ચૂંટણી લડ્યા, જેમાં તેમનો પરાજય થયો. વર્ષ 2010માં ભાજપે રાજસ્થાનમાંથી ફરી રાજ્યસભાનાં સાંસદ બનાવ્યા. વર્ષ 2012માં એલ. કે. અડવાણીને પત્ર લખીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને દૂર કરવાની માંગણી કરી. મે, 2013માં ભાજપે છ વર્ષ માટે જેઠમલાનીને પક્ષમાંથી બરતરફ કર્યા. પછી ધીમે ધીમે રાજકારણમાંથી દૂર થઈ ગયા.

જેઠમલાનીએ ‘બિગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કૉન્ફ્લિક્ટ ઑફ લૉઝ’, ‘કન્સાયન્સ ઑફ એ મેવેરિક’, ‘જસ્ટિસ : સોવિયત સ્ટાઇલ’ અને ‘મેવરિક : અનચેન્જ્ડ, અનરિપેન્ટન્ટ’ નામના પુસ્તકો લખ્યાં તેમજ તેમના ચર્ચાસ્પદ જીવન પર નલિની ગેરાલિખિત ‘રામ જેઠમલાની : ધ ઑથોરાઇઝ બાયૉગ્રાફી’ અને સુસાન એડલમેન લિખિત ‘રિબેલ : એ બાયૉગ્રાફી ઓફ રામ જેઠમલાની’ નામની બે જીવનગાથા પણ પ્રકાશિત થઈ.

કેયૂર કોટક