જુલિયન તિથિપત્ર (calendar) : રોમન ગણરાજ્ય-તિથિપત્રનું સુધારેલું અને ગ્રેગરિયન તિથિપત્રનું પુરોગામી સ્વરૂપ. રોમન તિથિપત્રમાં 2થી 4 વર્ષને સમયગાળે એક અધિક માસ ઉમેરવાની પ્રથા હતી; પરંતુ અધિક માસ કયે વર્ષે ઉમેરવો તે નિર્ણય કરવા માટેના સુનિશ્ચિત નિયમને અભાવે, જેમને હસ્તક આ કામગીરી સોંપવામાં આવી હતી તેવા સ્થાનિક ધર્મગુરુઓ પોતાને મન ફાવે તે વર્ષમાં અધિક માસ ઉમેરવાનો નિર્ણય જાહેર કરતા હતા. આને પરિણામે રોમન ગણરાજ્યનાં જુદાં જુદાં શહેરો અને કસબામાં વપરાતાં રોમન તિથિપત્રોની સાલમાં ઘણી વિસંગતતા જોવામાં આવતી હતી. એટલે ઈ. સ. પૂ. 46માં જુલિયસ સીઝરે રોમન ગણરાજ્ય તિથિપત્રને સ્થાને, ઍલેક્ઝાન્ડ્રિયાના ખગોળશાસ્ત્રી સૉસિજિનસની સલાહ મુજબ નવું તિથિપત્ર તૈયાર કરાવ્યું. અને તેનો અમલ 1 જાન્યુઆરી ઈ. સ. પૂ. 45થી કરવાનું ઠરાવ્યું. તેના નોંધપાત્ર મુદ્દા નીચે મુજબ છે :

(1) રોમન ગણરાજ્ય તિથિપત્રમાંના સરેરાશ 29.5 દિવસના ચાંદ્ર સાંપાતિક માસ જેવા 12 માસને બદલે 30.5 સૌર દિનવાળા 12 માસ અપનાવવામાં આવ્યા; (2) વર્ષની શરૂઆત 1 જાન્યુઆરીથી અને ફેબ્રુઆરી માસના 28 દિવસો એ બે બાબતો યથાવત્ રાખવામાં આવી; (3) પ્રત્યેક ચોથા વર્ષને પ્લુત વર્ષ (leap year) ગણવાનું ઠરાવ્યું, જેમાં ફેબ્રુઆરી માસ 29 દિવસનો રાખ્યો. 3 સામાન્ય વર્ષ 365 દિવસનાં અને પ્લુત વર્ષ 366 દિવસનું રાખવાથી વર્ષનું સરેરાશ કાલમાન 365.25 સૌર દિનનું થાય છે. આમ થતાં અધિક માસ ઉમેરવાની જોગવાઈ રદ કરવામાં આવી; (4) ઈ. સ. પૂ. 46ના વર્ષમાં 90 દિવસો ઉમેરી તેને કુલ 445 દિવસનું કર્યું. પરિણામે રૂઢિગત 25 માર્ચથી ખૂબ આઘો ખસી ગયો હતો તે વસંત સંપાત દિન માર્ચ માસમાં પુન:સ્થાપિત કર્યો.

જુલિયસ સીઝરના મૃત્યુ (ઈ. સ. પૂ. 44) બાદ રોમન સેનેટે પૂર્વકાલીન ‘પાંચમા’ માસને જુલિયસના માનમાં જુલાઈ નામ આપ્યું. તેવી રીતે ઑગસ્ટસ સીઝરના માનમાં પૂર્વકાલીન ‘છઠ્ઠા’ માસનું નામાભિધાન ઑગસ્ટ કર્યું. સેનેટે પાછળથી કેટલાક ફેરફાર કરતાં ખ્રિસ્તી તિથિપત્રમાંના વિવિધ માસના દિવસોની અત્યારે જોવા મળતી સંખ્યા નિશ્ચિત થઈ. 1582થી અમલમાં આવેલા ગ્રેગરિયન તિથિપત્રમાંના પ્લુત વર્ષ અંગેના નાના સુધારાને બાદ કરતાં, જુલિયન તિથિપત્રનું મૂળ સ્વરૂપ આજ પર્યંત જળવાઈ રહેલું છે.

પ્ર. દી. અંગ્રેજી