જુનૂન : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમિ પર આધારિત કલ્પનારમ્ય હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1978; દિગ્દર્શન તથા પટકથા : શ્યામ બેનેગલ; નિર્માતા : શશી કપૂર; સંવાદ : સત્યદેવ દૂબે, ઇસ્મત ચુગતાઈ; ગીતરચના સંત કબીર, અમીર ખુસરો, જિગર મુરાદાબાદી, યોગેશ પ્રવીણ; છબીકલા ગોવિંદ નિહલાની; સંગીત : વનરાજ ભાટિયા, કૌશિક; મુખ્ય કલાકાર : શશી કપૂર, શબાના આઝમી, જેનિફર કેન્ડાલ, નસિરુદ્દીન શાહ, કુલભૂષણ ખરબંદા, જલાલ આગા, બેન્જામિન ગિલાની, ટૉમ આલ્ટર, પર્લ પદમસી, નફિસા અલિ, ઇસ્મત ચુગતાઈ, જિઓફ્રે કેન્ડાલ તથા દીપ્તિ નવલ. આ ચલચિત્ર રસ્કિન બૉન્ડની ટૂંકી વાર્તા પર આધારિત છે. આ ચલચિત્રથી શશી કપૂરે ચલચિત્ર-નિર્માણક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ(1857)નું તેમાં યથાર્થ, વિશ્વસનીય અને પ્રમાણભૂત ચિત્રણ કરવામાં આવ્યું છે એવો નિર્માતા તથા દિગ્દર્શકનો દાવો હોવા છતાં હકીકતમાં તેની પટકથામાં આ સંગ્રામની માત્ર પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વસ્તુત: તેના કેન્દ્રમાં પ્રણયકથાનું ગૂંથણ કરવામાં આવ્યું છે. જાવેદખાન નામનો પઠાણ યુવક (શશી કપૂર) પરિણીત હોવા છતાં સંતાનના અભાવે તેની પત્ની(શબાના આઝમી)થી વિમુખ થતો જાય છે અને એક ઍંગ્લો-ઇન્ડિયન યુવતી રુથ(નફિસા અલિ)ના પ્રેમમાં પડે છે. જાવેદના સાળા (નસિરુદ્દીન શાહ) જે બ્રિટિશ સલ્તનતની ફોજમાં સૈનિક હતો તે કેટલાક સ્વાતંત્ર્યસૈનિકોની મદદથી અંગ્રેજોના લશ્કરના એક મહત્વના થાણા પર આક્રમણ કરે છે જે કત્લેઆમમાં પરિણમે છે. આ ખૂંખાર જંગથી ભયભીત થયેલી પણ કત્લેઆમથી બચી ગયેલી રુથ અને તેની માતા(જેનિફર કેન્ડાલ)ને જાવેદખાન રક્ષણ આપે છે. જાવેદ રુથ સાથે લગ્નગ્રંથિથી જોડાવા માગે છે; પરંતુ પરધર્મની એક સ્ત્રી જાવેદની પત્ની બને તે પ્રસ્તાવનો જાવેદના કુટુંબમાં સખત વિરોધ થાય છે. એટલું જ નહિ પરંતુ પરધર્મી સ્ત્રી દેશને ગુલામ બનાવનાર બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિનિધિ છે અને તેથી તેની સાથે જાવેદનાં લગ્ન થાય જ નહિ એવા જુનૂનથી તેનું કુટુંબ પીડાય છે. અંતે લડાઈમાં જાવેદને મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને ત્યારપછી રુથ સ્વદેશ જતી રહે છે જ્યાં પ્રૌઢાવસ્થામાં તેનું મૃત્યુ થાય છે.

હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી ધર્મના લોકો તથા ભિન્ન ભિન્ન વર્ગો અને માનવવંશના લોકો વચ્ચેના પરસ્પરના જટિલ સંબંધોનું આ ચલચિત્રમાં સૂક્ષ્મ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ચલચિત્ર અત્યંત લોકપ્રિય નીવડ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે