જીવ ગોસ્વામી

January, 2012

જીવ ગોસ્વામી (ઈ. સ. 1513 અથવા 1523+) : ગૌડ સંપ્રદાયના પ્રવર્તકોમાંના એક. ચૈતન્ય મહાપ્રભુ તથા રૂપ ગોસ્વામીના તેઓ સમકાલીન હતા. તેમનો જન્મ શક સંવત 1435 અથવા 1445માં પોષ સુદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વલ્લભ હતું. તેઓ બાકલાચંદ્ર દ્વીપ, ફતેયાબાદ તથા રામકિલગ્રામમાં નિવાસ કરતા હતા. વલ્લભના મોટા ભાઈ રૂપ અને સનાતન ગોસ્વામી હુસેનશાહના મંત્રીઓ હતા. આ રીતે જીવ ગોસ્વામી તે રૂપ ગોસ્વામીના ભત્રીજા થાય. જીવ ગોસ્વામી વીસ વર્ષ સુધી ગૃહવાસી રહ્યા. પછી 85 વર્ષ સુધી તેમણે વૃંદાવનમાં નિવાસ કર્યો હતો; અને ત્યાં જ શક સંવત 1540(ઈ. સ. 1618+)માં સાયુજ્યમુક્તિ પામ્યા. તેમણે ભગવદભક્તિને લગતા અને અન્ય – એમ કુલ 15 ગ્રંથો રચ્યા છે. ‘ભક્તિરસામૃતસિન્ધુ’, ‘માધવમહોત્સવ’ અને ‘ગોપાલચમ્પૂ’ તેમના મહત્વના ગ્રંથો છે. રૂપ ગોસ્વામીના ‘ઉજ્જ્વળનીલમણિ’ પર તેમણે ‘લોચનરોચિની’ નામે ટીકા રચી છે. ભક્તિરસની ર્દષ્ટિએ આ ગ્રંથ કાવ્યશાસ્ત્રનો મહત્વનો ગ્રંથ છે. તેમાં શ્રીકૃષ્ણભક્તિના મધુરારતિભાવનાં ઉદાહરણો સાથે ભક્તિરસનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભક્તિરસને સ્વતંત્ર અને એકમાત્ર રસ તરીકે પ્રસ્થાપિત કરવામાં રૂપ અને જીવ ગોસ્વામીનું અનન્ય પ્રદાન છે. ‘લોચનરોચિની’ ટીકા સાથે ‘ઉજ્જ્વલનીલમણિ’નું સંપાદન કેદારનાથ અને વાસુદેવ શર્માએ કર્યું છે, જે ‘કાવ્યમાલા’માં 1932માં પ્રકાશિત થયું છે.

તપસ્વી નાન્દી