જિનસેંગ : તે દ્વિબીજલાના કુળ Araliaceaeનો 50 સેમી. ઊંચો છોડ છે. તેના સહસભ્યોમાં Schefflera, Oreopanax, Polyscias, Hedera વગેરે છે. તેને ભારતમાં ઉગાડવામાં આવે છે.

જિનસેંગનાં લૅટિન નામ Panax ginseng C. A. Mey અને P. quinquefolium Linn છે. હિમાલયનાં ઊંચાં શિખરો પર P. pseudoginsengL મળે છે.

જિનસેંગ તે Panaxનાં મૂળ છે. તે અમેરિકામાંથી સૌથી વધુ પ્રમાણમાં નિકાસ થતું ઔષધ છે. કોરિયાનું જિનસેંગ ખૂબ મોંઘું પણ સત્ત્વોવાળું હોય છે.

તેના છોડ ઉપર ગોળ આકારનાં પાંદડાંનો મુગટ હોય છે. તેને નાનાં લીલાં ફૂલો અને જથ્થામાં ચમકતાં લાલ ફળ આવે છે. છોડ જ્યારે 6-7 વર્ષનો થાય ત્યારે તેનાં મૂળને જમીનમાંથી કાઢીને સૂર્યના તડકામાં પાથરે છે. તે મૂળ તે સફેદ જિનસેંગ. જો કૃત્રિમ રીતે સૂકવે તો જિનસેંગ લાલ મળે છે. મૂળની છાલ કાઢીએ તો તેના ઘણા બધા ગુણો નાશ પામે છે.

ચીનનું ઔષધ પણ ઉત્તમ છે. તે Ginsoma પાંડુરોગ, મધુપ્રમેહ, જઠરશોથ, અજીર્ણ અને નપુંસકતામાં લાભદાયી ગણાય છે. શક્તિવર્ધક છે. તે એકાગ્રતા વધારે છે. તનાવમાં તેમજ રોગપ્રતિરોધક તરીકે પણ કાર્ય કરે છે પરંતુ તેની અસર ક્ષણિક રહે છે.

જિનસેંગમાં સપાનીન્સ આલેકેલૉઇડ્ઝ આવેલ છે. તેમાં મુખ્યત્વે જિનસેંગોસાઇડ્ઝ, પૅનૅક્સોસાઇડ્ઝ અને ચિકુસેટ્સુનીન્સની માત્રામાં વધઘટ થવાથી વિભિન્ન અસરો ઉદભવે છે. તેમાં વધુ ભારાંક(high molecular weight) વાળી શર્કરાપૅનૅક્સેન્સથી લોહીમાં આવેલી શર્કરાનું પ્રમાણ ઘટે છે.

જિનસેંગ ચૂર્ણ, પ્રવાહી કે ચાના સ્વરૂપમાં 3 ગ્રામ સુધી રોજ લેવાય તો તે ફાયદાકારક છે; પરંતુ વધારે પ્રમાણમાં તે ઘણી જ આડઅસરો ઉત્પન્ન કરે છે. તેથી લોહીનું દબાણ વધવું, ચિંતા થવી, અનિદ્રા વગેરે થાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ