જિઆપ, વૉ-ગ્યુએન (1912)

જિઆપ, વૉ-ગ્યુએન (1912) : સૈનિક તથા (ઉત્તર) વિયેટનામના લોકશાહી પ્રજાસત્તાકના સરકારી અધિકારી તથા રાષ્ટ્રવાદી. 1930ના દાયકાના આરંભે વિયેટનામી સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1939માં તે ચીન નાસી છૂટ્યા અને ત્યાં હો ચી મિન સાથે લશ્કરી મદદનીશ તરીકે જોડાયા. જિઆપે વિયેટનિમ દળોને સંગઠિત કર્યાં અને તેમનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓને હાંકી કાઢવા માટે કરવામાં આવ્યો. યુદ્ધ બાદ ફ્રેંચોને પણ આ દળોએ મારી હટાવ્યા. 1946માં વિયેટનિમ દળોના તે સેનાપતિ બન્યા. ગેરીલા યુદ્ધકળાના નિષ્ણાત જિઆપે ડિયેન બિયેન ખાતે ફ્રેંચોને હરાવ્યા (1954) તથા વિયેટનામ યુદ્ધમાં વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું; ખાસ કરીને 1968ના ટેટ આક્રમણમાં સફળતા મેળવી.

સરસેનાપતિના પદ ઉપરાંત જિઆપે નાયબ વડાપ્રધાન અને સંરક્ષણમંત્રી તરીકે હોદ્દા ધારણ કર્યા (1976–80). તે પૉલિટબ્યૂરોના પણ સભ્ય હતા.

નવનીત દવે