જામ હમીરજી : કચ્છના હબાય(તા. ભૂજ)માં 1429માં સર્વ સત્તા ધારણ કરતા જામ ભીમાજીના ભત્રીજા. હમીરજીએ પોતાની કાબેલિયતથી નામના કાઢી હતી અને ગુજરાતના સુલતાન મહમૂદ શાહ બેગડા સાથે ગાઢ સંબંધો સ્થાપ્યા હતા. એણે બેગડાને પોતાની પુત્રી કમાબાઈ લગ્નમાં આપી હતી.

અબડાસા(તા. નખત્રાણા)ના જામ લાખાની ઉત્તરક્રિયામાં જામ ભીમોજી અને કુમાર હમીરજી ઉપસ્થિત ન રહેતાં લાખાનો પુત્ર જામ રાવળ છંછેડાયો હતો. 1472માં જામ ભીમાજીનું અવસાન થતાં હમીરજીએ સત્તા ધારણ કરી. ભીમાજીની ઉત્તરક્રિયામાં આવેલા જામ રાવળે હમીરજીને હબાય જેવા ડુંગરાળ પ્રદેશમાંથી રાજધાની ખસેડી ફરી લાખિયાર-વિયરા (તા. નખત્રાણા) લઈ જવા સમજાવ્યો. હમીરજી એ સલાહ માનીને લાખિયાર-વિયરાથી રાજ કરવા લાગ્યો. કચ્છની આ મુખ્ય સત્તાને પડાવી લેવાના ખ્યાલથી જામ રાવળે હમીરજીને પોતાને ત્યાં અબડાસા જાફતમાં નિમંત્ર્યો. હમીરજીને દગાની ગંધ આવવાથી તેણે આમંત્રણનો અસ્વીકાર કર્યો પણ લુચ્ચા જામ રાવળે કુલદેવી માતા આશાપુરાના સોગંદ ખાઈને તેને ખાતરી આપતાં હમીરજી નિમંત્રણનો સ્વીકાર કરી જામ રાવળને ત્યાં ગયો. ત્યાં તેને આગ્રહપૂર્વક ખૂબ દારૂ પાઈ તે બેભાન બનતાં તેનો ઘાત કરી નાખવામાં આવ્યો. હમીરજીનું આમ કાસળ કાઢી નાખી કચ્છની મુખ્ય સત્તા જામ રાવળે હસ્તગત કરી. જોકે હમીરજીના પુત્રો સુલતાન મહમૂદ બેગડાને શરણે ગયા. હમીરજીના પુત્ર ખેંગારજીએ પિતાના ખૂનનો બદલો લઈ જામ રાવળની સત્તાને કચ્છમાંથી નેસ્તનાબૂદ કરી એ સત્તા પોતે હસ્તગત કરી.

પ્રવીણચંદ્ર પરીખ