જામ રાવળ : કચ્છના જાડેજા વંશનો રાજવી. જામનગર રાજ્યનો સ્થાપક. કચ્છના જાડેજા વંશની મુખ્ય ગાદી લાખિયાર વિયરામાં હતી ત્યારે રાજ્ય કરતા જામ ગજણના નાના પુત્ર જેહાનો પુત્ર અબડો અબડાસા(પશ્ચિમ કચ્છ)માં આવી રાજ્ય કરવા લાગ્યો. એ વંશના જામ લાખાનો જામ રાવળ પુત્ર થાય. કોઈ કારણે જામ લાખાનું કચ્છના સંઘારોએ કે બીજા મતે સૌરાષ્ટ્રના જાગીરદારોએ ખૂન કરતાં એ ખૂનમાં કચ્છના ભૂજ પ્રદેશના પ્રધાન રાજવી હમીરનો હાથ છે એવી શંકાથી જામ રાવળે હમીરને મહેમાનગીરી આપવા બોલાવી એનું ખૂન કરાવ્યું. આ પછી કુમાર ખેંગારજીએ ગુજરાતના તત્કાલીન સુલતાનની કૃપાથી રાપરમાં આવી, પહેલાં ‘રાવ’ તરીકે રાજ્યાભિષેક પામી જામ રાવળની સત્તામાંથી ઘણી જમીન હસ્તગત કરી એના પ્રદેશમાંથી જામ રાવળને સદાને માટે કચ્છમાંથી હાંકી કાઢ્યો. પોતાનું નસીબ અજમાવવા 1535માં સૌરાષ્ટ્રમાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આવેલા નવલખી બંદર નજીકના મોરાણા ગામનો કબજો મેળવી જામ રાવળે ત્યાં પોતાનું થાણું જમાવ્યું. એણે પોતાના પિતાના એક ઘાતક મનાતા એ પ્રદેશના શાસક દેવા તમાચી પાસે પોતાની સેના માટે અનાજ માગ્યું ત્યારે તમાચીએ ધૂળ મોકલી. આને શુકન ગણી તમાચી ઉપર ચડાઈ કરી એને હણી નાખ્યો અને આમરણનો કબજો લઈ પાસેના દહીંસરા ગામમાં પોતાનું થાણું જમાવ્યું. અહીં જામ રાવળ અને નાના ભાઈ હરધોળજીએ ધીમે ધીમે જમીનોનો એક પછી એક એમ કબજો જમાવવાનો આરંભ કર્યો. આગળ વધી હરધોળજીએ ધામા ચાવડાને હણી જોડિયા અને ધ્રોળનો કબજો કર્યો. એ પછી ગામો દબાવતે દબાવતે 1540માં બેડ(તા.જિ. જામનગર)માં જામ રાવળે સ્વતંત્ર રાજગાદી સ્થાપી. પછીથી ખંભાળિયાના વાઢેલ શાસક પાસેથી ખંભાળિયા કબજે કરી ત્યાં આશાપુરા માતાની સ્થાપના કરી. થોડા જ સમયમાં ઉત્તર સૌરાષ્ટ્રનો એણે ઠીક ઠીક કબજો કરી લીધો અને જેઠવાઓની સત્તા નીચેના નાગનેસની જમીન ઉપર ‘નવાનગર’ (આજનું જામનગર) 1543માં વસાવી ત્યાં રાજધાની સ્થાપી અને સૌરાષ્ટ્રમાં એક પ્રબળ સત્તાનો સ્થાપક બન્યો. એણે ઘૂમલીના જેઠવાઓની સત્તાને નામશેષ કરી અને કાઠીઓ તથા વાઢેલ(ઓખા સુધીના પ્રદેશના શાસકો)ને પરાસ્ત કરી હાલારમાં સાર્વભૌમ સત્તા સ્થાપી.

પછી જામનગરની જાડેજા શાખામાંથી ધ્રોળ, રાજકોટ અને ગોંડળની શાખાઓ ત્યાં ત્યાં નાનાં રાજ્યો સ્થાપી સ્વતંત્ર શાસન સ્થાપવા સમર્થ થયેલી.

કે. કા. શાસ્ત્રી