જાતિવિકાસ (phylogony)

January, 2012

જાતિવિકાસ (phylogony) : કોઈ પણ જાતિ કે જાતિઓના સમૂહોના ઉદ્વિકાસનો તેમજ જાતિઓના પારસ્પરિક સંબંધોનો ઇતિહાસ. મુખ્યત્વે વૈજ્ઞાનિકોમાં એ સાર્વત્રિક માન્યતા છે કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ એક જ પૂર્વજમાંથી ઊતરી આવ્યાં છે અને આમ ઊતરી આવતાં સજીવોમાંના અમુક સમાન લક્ષણો ધરાવતાં હોય છે. એવું પણ માનવામાં આવે છે કે એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયેલાં સજીવોમાં અનેક પ્રકારની વિવિધતાઓ ઉત્પન્ન થતી ગઈ છે, આ ક્રિયા કરોડો વર્ષથી ચાલતી આવી છે, એટલું જ નહિ; પરંતુ આમાંથી ઉત્પન્ન થયેલી અનેક જાતિ, પ્રજાતિઓ હાલ નષ્ટ થઈ ગઈ છે અને હાલ તો સજીવોનો નાનો સમૂહ જ જળવાઈ રહ્યો છે. આથી જાતિવિકાસને સમજવા માટે પરોક્ષ પુરાવાઓ તેમજ સાવચેતી રાખીને ધારણા કે અનુમાનને આધારિત અભ્યાસ કરવામાં આવે છે. આ ધારણાઓને આધારે જાતિવિકાસનું વૃક્ષ (phylogenetic tree) બંધાય છે.

જેમાં સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે તે વર્ગીકરણ-વિદ્યા (taxonomy) જાતિવિકાસ ઉપર આધારિત છે. વર્ગીકરણની તવારીખમાં ડોકિયું કરતાં જણાશે કે અગાઉ જાતિવિકાસને બદલે સજીવોની વચ્ચે જોવા મળતા અમુક સામ્યને અનુલક્ષીને વર્ગીકરણ કરવામાં આવતું; પરંતુ ઈ. સ. 1859માં ચાર્લ્સ ડાર્વિનનું મૌલિક સંશોધન ‘ઓરીજિન ઑવ્ સ્પીશીઝ’ પ્રગટ થયું તે પછી વર્ગીકરણ-વિદ્યામાં જાતિવિકાસનો આધાર-ભૂમિકા તરીકે સ્વીકાર થયો.

જાતિવિકાસનો અભ્યાસ કરતાં જૈવવૈજ્ઞાનિક તેમના પુરાવાઓ માટે જીવાશ્મવિજ્ઞાન (palaeontology) તુલનાત્મક શારીરિક અભ્યાસ (comparative anatomy) અને તુલનાત્મક ભ્રૂણવિદ્યા (embryology), જૈવરસાયણશાસ્ત્ર તેમજ કોષોની સૂક્ષ્મ રચનાઓની મદદ લે છે. અશ્મિઓનો ઇતિહાસ પણ તપાસી જવામાં આવે છે.

જાતિવિકાસ માટે તુલનાત્મક શરીરશાસ્ત્ર તેમજ ભ્રૂણવિકાસ વધારે મદદરૂપ થઈ રહ્યાં છે. જૈવરસાયણશાસ્ત્રના અભ્યાસમાં પ્રોટીન્સનું બંધારણ તેમજ DNAની રચના વધારે સચોટ ગણાયેલ હોવાથી આધારભૂત સાબિત થયાં. આ અભ્યાસ જાતિવિકાસ સમજવા વીસમી સદીના ઉત્તરાર્ધથી શરૂ થયો છે.

એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા ઉત્પન્ન થયેલા સજીવો એક દીર્ઘ રાસાયણિક ઉત્ક્રાંતિને પરિણામે ઉદ્ભવ્યા છે. આ રાસાયણિક પ્રક્રિયાઓનો કોઈ ચોક્કસ ક્રમ ન હતો અને તે આદિમ સમુદ્રમાં થઈ હોય તેવું માનવામાં આવે છે. આ સમુદ્રના વાતાવરણમાં આજુબાજુ ઍમિનોઍસિડ તથા તેમાંથી પ્રોટીનનું સંશ્ર્લેષણ થયું. એવું પણ મનાય છે કે પ્રોટીનનાં ટીપાંએ તેમની સપાટીએ એક ત્વચા રચી અને આ ત્વચામાં બંધાયેલાં રહેલાં પ્રોટીનમાંથી સૌપ્રથમ સજીવો બન્યા, જે પોતાની જાતે જ પ્રજનન કરવા શક્તિમાન હતા. આ સજીવો, ફક્ત પ્રોટીનનાં બનેલાં હતાં. ન્યુક્લિઇક ઍસિડ પ્રોટીનનાં સંયોજનો હતાં કે મુક્ત વાઇરસો તરીકે હતાં તે બાબતે વૈજ્ઞાનિકો એકમત ધરાવતા નથી; પરંતુ બધા જ વૈજ્ઞાનિક એક મુદ્દે સંમત છે અને તે એ છે કે આ સજીવો વિષમપોષી (heterotrophic) હતાં; અને આદિથી સમુદ્રમાં રહેતાં સકાર્બનિક તત્વોનું શોષણ ખોરાક તરીકે કરતાં હતાં. સ્વયંપોષી કે આત્મપોષી સજીવો (autotrophic) પાછળથી ઉદભવ્યાં જે શક્તિસંચય કરી શકતાં અને જરૂર પ્રમાણે આ સંચિત શક્તિને છૂટી કરી વાપરી શકતાં હતાં.

આમ, પ્રાથમિક સ્વયંપોષી એકકોષી સજીવોમાંથી વિવિધ પ્રાથમિક કક્ષાનાં સજીવો — વનસ્પતિ–પ્રાણીઓ સાકાર થતાં ગયાં અને આવા સજીવના સમૂહોમાંથી ઉચ્ચતર સજીવો ઉદભવ્યાં. આ ઉત્ક્રાંતિ ક્રમશ: તથા સતત ચાલુ રહેતાં અનેકવિધ સજીવો જન્મ્યાં. એ રીતે જાતિવિકાસનું એક વૃક્ષ (આકૃતિ) આલેખી શકાય. અલબત્ત તેમાં અનેક ત્રુટિઓ તથા અવકાશો પૂરવાનાં રહે છે. યોગ્ય પુરાવા મળતાં તે પુરાતાં જાય છે.

અવિનાશ બાલાશંકર વોરા