જાગતે રહો (1959) : સમાજના નૈતિક અધ:પતનનો આબેહૂબ ચિતાર આપતી પ્રતીકાત્મક ફિલ્મ. દિગ્દર્શન : શંભુ મિત્ર તથા અમિત મોઇત્ર; નિર્માતા : આર. કે. ફિલ્મ્સ, સંવાદ : ખ્વાજા અહમદ અબ્બાસ; ગીતકાર : શૈલેન્દ્ર; સંગીતકાર : સલિલ ચૌધરી; છબીકાર : રાધુ કરમારકર; પ્રમુખ ભૂમિકા : રાજકપૂર, પહાડી સન્યાલ, મોતીલાલ, નરગિસ, છબી વિશ્વાસ, સુમિત્રાદેવી, પ્રદીપકુમાર, સુલોચના, નાના પલસીકર, સ્મૃતિ વિશ્વાસ, ઇફતેખાર; બાળકલાકાર : ડેઝી ઈરાની; ભાષા : હિંદી, બંગાળી.

વિશાળ હવેલીના રહેવાસીઓને આ ચલચિત્રમાં સમગ્ર દેશ અથવા સમાજનું પ્રતીક બનાવાયા હતા. તે હવેલીના રહેણાક વિસ્તારમાં પાણી પીવાની ઇચ્છાએ ઘૂસી આવેલ એક ગરીબ, ભૂખ્યા-તરસ્યા ધરતીપુત્ર સાથે પ્રયોજાતી ઘટનાઓના તાણાવાણા આ ફિલ્મનું કથાવસ્તુ છે. તે દ્વારા સમાજ ઉપર આવેલા નૈતિક સંકટ ઉપર તેમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ખેડૂતપુત્રના પાત્રમાં રાજકપૂરનો મૌલિક અભિનય યાદગાર બની રહ્યો છે.

બંગાળીમાં ‘એક દિને રાત્રે’ અને હિન્દીમાં ‘જાગતે રહો’ નામથી આ ફિલ્મનું નિર્માણ થયું હતું.

‘જાગતે રહો’ની આલબેલ પોકારનારો સમાજ ખુદ અસામાજિક તત્વોનો અડ્ડો હોય છે. અને એ જ સમાજ નિર્દોષના શિરે ‘ચોર’નું ‘લેબલ’ લગાવી દે છે. એ વેધક કટાક્ષ આ ફિલ્મના ચિત્રાંકનની ચમત્કૃતિ છે. ચલચિત્રના અંતિમ ર્દશ્યમાં રૂપેરી પડદા પર દેખાતી નરગિસ માટે આર. કે. ફિલ્મ્સના બૅનરની આ છેલ્લી ફિલ્મ હતી.

અરૂઢ પ્રકારની આ કલાત્મક ફિલ્મ મુખ્યત્વે મનોરંજક ચિત્રો જોવા ટેવાયેલા હિંદીભાષી પ્રેક્ષક-પ્રદેશોમાં નિષ્ફળ નીવડી અને બંગાળીમાં તેને થોડીઘણી સફળતા મળી. 1957માં કારલોવીવારી ફિલ્મ-ફેસ્ટિવલમાં આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો; એ પછી પુન: રજૂઆત પામેલી આ ફિલ્મને ભારતભરનાં સિનેમાઘરોમાં સફળતા સાંપડી હતી. રાષ્ટ્રીય સ્તરે કોઈ પણ પુરસ્કાર પ્રાપ્ત ન કરી શકેલી આ ફિલ્મ રાજકપૂરના અભિનય અને નિર્માણની બેનમૂન કલાકૃતિ લેખાય છે.

દિનેશ દેસાઈ