જાઉલેન્સ્કી, એલેક્સી વૉન

January, 2012

જાઉલેન્સ્કી, એલેક્સી વૉન (જ. 13 માર્ચ 1864, તોરઝોક-રશિયા; અ. 15 માર્ચ 1941, નીઝબાડેન, જર્મની) : વિખ્યાત અભિવ્યક્તિવાદી (expressionistic) જર્મન ચિત્રકાર. તેમણે લશ્કરી તાલીમ સંસ્થા તથા ચિત્રકલાની સંસ્થા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. 1889માં સેન્ટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ ગાર્ડમાં કૅપ્ટનના હોદ્દા પર નિમાયા; પરંતુ ચિત્રકલા પ્રત્યેના અસાધારણ આકર્ષણને લીધે 1889માં ઇમ્પીરિયલ ગાર્ડની કાયમી નોકરીનો ત્યાગ કરી તે ચિત્રકલાનો અભ્યાસ કરવા વિખ્યાત રશિયન ચિત્રકાર રેપિન સાથે જોડાયા ખરા; પરંતુ વાસ્તવવાદી ચિત્રકલાથી તદ્દન નિરાશ થવાથી તેમણે જર્મનીના મ્યૂનિક નગર તરફ પ્રયાણ કર્યું. ત્યાં તેમની મુલાકાત અન્ય રશિયન ચિત્રકારો ઉપરાંત વિખ્યાત રશિયન અભિવ્યક્તિવાદી ચિત્રકાર વાસિલી કેન્ડિન્સ્કી સાથે થઈ. આ મુલાકાત તેમના ચિત્રકાર તરીકેના ભાવિની ર્દષ્ટિએ કાયમી અસર ઉપજાવનારી નીવડી. 1905માં તે ફ્રાન્સ ગયા ત્યાં ફ્રેંચ ચિત્રકાર હેનરી મૅટિસીની ચિત્રકલાનો તેમના પર પ્રભાવ પડ્યો. થોડાક સમય પછી તે મ્યૂનિક પાછા આવ્યા, ત્યાં તે NKV (ન્યૂ આર્ટિસ્ટ ઍસોસિયેશન) સંસ્થામાં જોડાયા. આ સંસ્થા જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારોનું મંડળ હતું; પરંતુ જાઉલેન્સ્કી આ મંડળ કરતાં તેની એક ઉપશાખા ‘ધ બ્લૂ રાઇડર’ (Der Blaue Reiter) પ્રત્યે ચિત્રકલાની શૈલીની ર્દષ્ટિએ વધુ વફાદાર હતા. આ જૂથનું નેતૃત્વ કેન્ડિન્સ્કી પાસે હતું. આ જૂથની અસર હેઠળ જ તેમની કેટલીક ચિત્રકૃતિઓ સર્જાઈ અને તેમાં 1912ની તેમની કૃતિ ‘મે તુરાન્ડો’નો સમાવેશ થાય છે.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જાઉલેન્સ્કીએ તેમની ‘વેરિ- એશન્સ’ નામથી ઓળખાતી ચિત્રકૃતિઓનું સર્જન કર્યું. તેમના મકાનની બારીમાંથી બહાર જે ર્દશ્યો તેમને દેખાયાં તે તેમણે રંગોની મદદથી કૅન્વાસ પર ઉતાર્યાં. આ ચિત્રકૃતિઓ તેમના એક શાંત, ચિંતનશીલ મનોભાવ(mood)ની અનુભૂતિ કરાવે છે જેની અસર પાછળથી તેમની અમૂર્ત ચિત્રકૃતિઓ(abstract paintings)ની શૈલીમાં દેખાય છે.

1924માં તે ‘ધ બ્લૂ ફોર’ (Der Blaue Vier) નામથી ઓળખાતા ચાર ચિત્રકારોના જૂથમાં અનૌપચારિક રીતે જોડાયા જેમાં કૅન્ડિન્સ્કી, પૉલ ક્લી તથા લિયોનેલ ફેનિન્જર પણ સભ્ય હતા; પરંતુ માંદગીને કારણે તે આ મંડળ સાથે લાંબા સમય સુધી રહી શક્યા નહિ અને 1929માં તેમણે કાયમ માટે ચિત્રકલાથી નિવૃત્તિ લીધી.

નટુભાઈ પરીખ