જાંબુ : સં. जम्बू; હિં. जामून; મ. जांभूम; અં. બ્લૅક પ્લમ; લૅ. Syzygium cuminii Eugenia Jambolanay. મીઠું મોસમી ફળ. ઉત્પત્તિસ્થાન ભારત. મુખ્યત્વે બૌદ્ધ સાધુઓના પ્રવાસ સાથે દુનિયાના અન્ય ભાગોમાં ફેલાયેલ છે. ફળના કદ પ્રમાણે મોટા રાવણા, મધ્યમ અને ક્ષુદ્ર એમ 3 પ્રકારનાં જાંબુ થાય છે. જાંબુનાં ઝાડ ભારતમાં લગભગ મોટા ભાગનાં સ્થળોએ જોવા મળે છે.

જાંબુનું ઝાડ સામાન્ય રીતે 12 મી.થી ઊંચું, ઘટ્ટ ચળકતાં લીલાં પાંદડાંવાળું હોય છે. પાંદડાં 10થી 20 સેમી. લાંબાં અને 2.5થી 5 સેમી. પહોળાં અણીવાળાં હોય છે. ઝાડ પર ફેબ્રુઆરી-માર્ચ માસમાં નાનાં, સફેદ, નક્કર ઝૂમખાંમાં પુષ્કળ ફૂલો આવે છે અને તે પર અનુક્રમે ઝૂમખાંમાં જાત પ્રમાણે નાનાંમોટાં લીલાં ફળ બેસે છે. મોટાં ફળવાળી જાતોમાં ફળ મોટી સોપારી જેવડાં પણ થાય છે. ફળ પાકે ત્યારે કાળા કે જાંબુડિયા રંગનાં, આછી સુગંધવાળાં થાય છે. ફળ ખટમધુરાં, ઠંડાં, કફ તથા પિત્તશામક, વાયુકારક, રક્તસ્તંભક, ત્વચાદોષહર, દાહશાંતકર્તા, ક્ષુધાવર્ધક અને પાચનમાં મદદકર્તા છે. યકૃત, બરોળનાં દર્દો, ઝાડા, મરડો, શ્વાસ, ઉધરસ, મધુપ્રમેહ જેવાં દર્દો મટાડનાર તથા શ્રમહર છે. જાંબુના ઠળિયા પણ મધુપ્રમેહ, લોહીના ઝાડા તથા લોહીવા મટાડવા માટે ઉપયોગી છે.

સુરેન્દ્ર દવે

બળદેવપ્રસાદ પનારા