જયધવલા : કષાયપ્રાભૃત પરની આચાર્ય વીરસેનકૃત પ્રાકૃત-સંસ્કૃતમિશ્ર વ્યાખ્યા. દિગમ્બર જૈન સંપ્રદાયમાં આગમ રૂપે માન્ય 2 ગ્રંથો છે : (1) કર્મપ્રાભૃત અને (2) કષાયપ્રાભૃત. આ બન્ને પર વીરસેન આચાર્યની અતિ મહત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યાઓ મળે છે; કર્મપ્રાભૃતની વ્યાખ્યા ધવલા નામે, કષાયપ્રાભૃતની જયધવલા નામે.

આર્યનન્દિના શિષ્ય ચન્દ્રસેનના પ્રશિષ્ય વીરસેન આચાર્યનો સમય ધવલા–જયધવલાની પ્રશસ્તિઓ અને અન્ય પ્રમાણોના આધારે શકની આઠમી શતાબ્દી હોવાનું સિદ્ધ થયેલ છે.

રાગદ્વેષરૂપ કષાયનું નિરૂપણ કરતા 180 ગાથાના મૂળ ગુણધરાચાર્યવિરચિત કષાયપ્રાભૃતની વ્યાખ્યા જયધવલા પ્રાકૃત-સંસ્કૃત મિશ્ર ભાષામાં 60,000 શ્લોકપ્રમાણ છે. તેમાં પ્રથમ 20,000 શ્લોકપ્રમાણ રચના વીરસેનાચાર્યની છે, જ્યારે પછીની અંત સુધીની રચના તેમના શિષ્ય જયસેન(જિનસેન)ની છે.

જયધવલા ટીકા કષાયપ્રાભૃત મૂળ તથા તે પરની યતિવૃષભાચાર્યની ચૂર્ણિ એ બન્ને પરની ટીકા છે. કષાયપ્રાભૃત 15 અધિકારોમાં વિભક્ત છે. પ્રથમ અધિકાર પેજ્જદોષવિભક્તિ અધિકાર નામે છે અન્ય ચૌદ ક્રમે સ્થિતિવિભક્તિ, અનુભાગવિભક્તિ, પ્રદેશવિભક્તિ — ઝીણાઝીણા સ્થિત્યન્તિક, બંધક, વેદક, ઉપયોગ, ચતુ:સ્થાન, વ્યંજન, દર્શનમોહોપશમના, દર્શનમોહક્ષપણા, સંયમાસંયમલબ્ધિ, સંયમલબ્ધિ, ચારિત્રમોહોપશમના, ચારિત્રમોહલક્ષપણા નામે છે. પ્રારંભના 8 અધિકારોમાં સંસારના કારણભૂત મોહનીય કર્મની અને અંતિમ 7 અધિકારોમાં આત્મપરિણામોના વિકાસથી શિથિલ થતા જતા મોહનીય કર્મની વિવિધ દશાઓનું વર્ણન છે.

જયધવલા ભાષા, શૈલી, સામગ્રી આદિની ર્દષ્ટિએ ધવલા ટીકાની સમકક્ષ છે. અનેક આનુષંગિક વિષયો સાથે કષાયોના અતિવિસ્તૃત વિવેચનના કારણે જયધવલા અત્યંત મહત્વપૂર્ણ રચના છે.

જયધવલા ટીકા ગુણધરાચાર્યનાં ગાથાસૂત્રો, યતિવૃષભનાં ચૂર્ણિસૂત્રો સાથે હિન્દી અનુવાદ સહ પં. ફૂલચંદ્ર સિદ્ધાંત શાસ્ત્રી અને પં. કૈલાસચંદ્ર શાસ્ત્રીએ સંપાદિત કરેલ 15 ભાગો રૂપે ભારત દિગમ્બર જૈન ગ્રંથમાલા, મથુરાથી 1942થી 1975 સુધીમાં પ્રકાશિત થયેલ છે.

રમણિકભાઈ મ. શાહ