જનતા કૉલેજ : ઉચ્ચ શિક્ષણની સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકનાર વ્યક્તિઓ અને સમાજસેવકોને ગ્રામવિસ્તાર માટે ઉપયોગી નીવડતી શિક્ષણ આપતી સંસ્થા. આ સંસ્થાનો પ્રારંભ 1949માં મૈસૂર ખાતે અગ્નિ એશિયાના દેશોના ગ્રામવિસ્તારમાં પ્રૌઢશિક્ષણ(સમાજ-શિક્ષણ)નું કામ કરતા કાર્યકરો માટે યોજાયેલ પરિસંવાદની ભલામણને આધારે થયો હતો.

જનતા કૉલેજ લખવા-વાંચવાના વિષયો અને હસ્તઉદ્યોગો ઉપરાંત ખેતીની સુધારેલી પદ્ધતિઓ, પશુપાલન, આરોગ્ય અને સફાઈ, સહકારી મંડળી તથા પંચાયતની વ્યવસ્થા અને સંચાલનનું શિક્ષણ આપે છે. સમાજશિક્ષણ કે પ્રૌઢશિક્ષણના વર્ગોના સંચાલકો, સામૂહિક વિકાસ યોજનાના વિસ્તરણ અધિકારી, ગ્રામસેવકો વગેરેને પણ આ કૉલેજમાં તાલીમ અપાય છે. ગ્રામકક્ષાએ નવી નેતાગીરી પૂરી પાડી શકે તેવા નાગરિકો તૈયાર કરવાનો તેનો હેતુ છે.

શિવપ્રસાદ રાજગોર