જત દૂરેઇ જાઈ (1962) : સુભાષ મુખોપાધ્યાય(1919)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ એનાયત થયેલો. લેખક કૉલકાતા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ; રાજકીય પ્રવાહોથી પ્રભાવિત થયેલા; 1942માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયેલા. બંગાળના પ્રગતિશીલ લેખકોને પ્રોત્સાહિત કરતા. માર્ક્સિસ્ટ વલણ ધરાવતા મુખોપાધ્યાયની કવિતામાં કચડાયેલા, ગરીબ લોકો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ જોવા મળે છે. શીર્ષક-કાવ્ય ‘જત દૂરેઇ જાઈ’માં કવિની સમય વિશેની સભાનતા અને તેમનો કવિતા માટેનો પ્રેમ કેન્દ્રમાં છે. આમાંનાં ઘણાં કાવ્યોમાં અતીતરાગી (nostalgic) સ્મૃતિઓ પ્રગટ થયેલી છે. કેટલાંક નગરકાવ્યોમાં નગરજીવનનાં દૂષણો દર્શાવીને કવિ કહે છે કે પોતાની પશુતા ઢાંકવા જાણે માનવીએ કહેવાતી સંસ્કૃતિનું મહોરું પહેર્યું છે. દા.ત., ‘પાથરેર ફૂલ’માં ગંદકીને – વિરૂપતાને ઢાંકવા થતા ફૂલોના ઉપયોગની વાત છે. તેના કરતાં તો ખુલ્લા આગના તણખા સારા, એમ તે કહે છે. અગ્નિના પ્રતીક દ્વારા તેમનાં કાવ્યોમાં ક્રાંતિનો વિચાર સૂચવાય છે. ‘મિજાજ’ કાવ્યમાં સામાજિક વાસ્તવના આલેખન સાથે સાથે કવિ જુદી જુદી મન:સ્થિતિઓનાં વ્યવહારુ મૉડલ ઉપસાવતા ગયા છે. ‘મુખુજ્જેર સંગે આલાપ’ કાવ્યની નાટ્યાત્મક એકોક્તિમાં કવિ પોતે જ રાજકીય પરિવેશના કેન્દ્ર તરીકે વ્યવહાર કરે છે. કવિની મૌલિકતા બિંબવિધાનમાં જોવા મળે છે. જેમ કે ‘રસ્તાર લોક’ કાવ્યમાં રસ્તાને પાશવી રીતે મારવામાં આવેલા ગામડિયા વૃદ્ધ સાથે સરખાવવામાં આવ્યો છે. કવિનું કલાકૌશલ ઘણી વાર તો કાવ્યના ર્દશ્યાત્મક આયોજનમાં, એટલે કે પંક્તિઓની ગોઠવણી, શબ્દો વચ્ચેની જગા વગેરેમાં પ્રકટ થાય છે. યુરોપિયન કવિઓનો ધીમો સૂર ક્યારેક પડઘાતો હોવા છતાં, સુભાષ મુખોપાધ્યાય પ્રાસ, પદાવલિ, બિંબવિધાન અને અન્ય રચનારીતિના વિનિયોગમાં અત્યંત મૌલિક સર્જક છે.

અનિલા દલાલ